350b494e 92ba 4f33 a99e 689afe67c5b0

Sale of garba: જામનગરના મહિલા બાળપણની કળાનો ઉપયોગ કરી ગરબાના વેચાણ થકી બન્યા આત્મનિર્ભર

Sale of garba: ૧૫ વર્ષ પહેલા માત્ર ૫ થી ૭ ગરબાનું વેચાણ કરતાં નયનાબેન ૫૦૦ થી ૭૦૦ ગરબા વહેચી પરિવારને મદદરૂપ થઈ રહ્યા છે

અહેવાલઃ જગત રાવલ

જામનગર, 19 સપ્ટેમ્બરઃ Sale of garba: નવલા નોરતાના હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે જામનગરના બજારોમાં પણ આ વખતે નવા રંગરૂપમાં ગરબાનું વેચાણ થઈ રહ્યું છે. જામનગરના એક મહિલા અવનવા ગરબા બનાવીને રોજગારી મેળવી રહ્યા છે. જે મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. અને મહિલાઓને પરિવાર માટે મદદરૂપ થવા પ્રેરણાદાયક બન્યા છે.

કોઈપણ રાષ્ટ્રની પ્રગતિનો આધાર તે રાષ્ટ્રની મહિલાઓની સ્થિતિ ઉપર હોય છે. દેશ, સમાજ અને પરિવારના ઉજ્જવળ ભવિષ્ય માટે મહિલા સશક્તિકરણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેવી જ રીતે જામનગરમાં રહેતા નયનાબેન સંચાણિયા પોતાના પરિવારને મદદરૂપ થવા માટે ગરબા બનાવીને વેચાણ કરી રહ્યા છે. પોતાની કળાનો ઉપયોગ કરી છેલ્લા ૧૫ વર્ષથી નવરાત્રિના તહેવારમાં માતાજીના અવનવા ગરબા બનાવી રોજગારી મેળવી આત્મનિર્ભર બન્યા છે.

માટી માંથી તેઓ ગરબા બનાવી તેના ઉપર કલર અને અનોખી ડિઝાઇન બનાવવાનું કામ કરે છે. ૧૫ વર્ષ પહેલા ગરબા બનાવવાની શરૂઆત કરી ત્યારે માત્ર ૫ થી ૭ ગરબાનું વહેચાણ થતું હતું પરંતુ તેઓ મહેનત કરી પોતાની કળા વિકાસવીને આજે ૫૦૦ થી ૭૦૦ ગરબા વહેચી રહ્યા છે.

નયનાબેન જણાવે છે કે હિન્દુ સંસ્કૃતિમાં ગરબોએ મહત્વનું સ્થાન દર્શાવે છે, નવરાત્રીના દિવસોમાં દરેક ઘરોમાં ગરબાનું સ્થાપન કરવામાં આવે છે. જે માં દુર્ગાના આશીર્વાદ સમાન છે. અગાઉ પ્રજાપતિ કુંભારે જ્યારે ગરબા બનાવવાની શરૂઆત કરી ત્યારે માત્ર લાલ રંગના જ ગરબાનું ચલણ હતું. પરંતુ જે રીતે સમય જતો ગયો તે રીતે તેઓએ પણ પોતાની કળા વિકસાવીને લોકોની જરૂરિયાત પ્રમાણે ૬ જેટલી વિવિધ ડિઝાઇનના ગરબા બનાવે છે.

લાલ, ગુલાબી, પીળો, પર્પલ જેવા અલગ અલગ કલર કરી ટામેટી ઘાટ, પાટુડી ઘાટ, ગાગેડી ઘાટ જેવા ઘાટના ગરબા બનાવી અવનવી ડિઝાઈનો કરે છે. અને જામનગરની બાંધણી જે દેશભરમાં પ્રખ્યાત છે તે બાંધણીની ભાત તેમજ આધુનિકતા અને સંસ્કૃતિનો સમન્વય પણ નયનાબેને બનાવેલ ગરબામાં ઊભરી આવે છે.

ગરબાના વહેચાણ થકી આત્મનિર્ભર બનેલા અને બાળપણની પોતાની કળા લગ્ન બાદ પણ જાળવી રાખી તેઓ પોતાના પરિવારને આર્થિક દ્રષ્ટિએ પણ ઘણા મદદરૂપ બન્યા છે. અને સમાજની દરેક સ્ત્રીઓને સંદેશો આપતા જણાવે છે કે સ્ત્રીઓએ માત્ર ગૃહિણી બનીને જ ન રહેવું જોઈએ પણ ઘર માટે મદદરૂપ થઈ શકે તેવી પહેલ કરવી જોઈએ. નારી અબળા છે તેમ ન વિચારી આત્મનિર્ભર બને તેવા સશક્ત વિચારો ધરાવતા નયનાબેન મહિલાઓ માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

આ પણ વાંચોઃ Team india new jursey: ટી20 વિશ્વકપ માટે ટીમ ભારતીય ટીમની નવી જર્સી લોન્ચ, મેન ઇન બ્લ્યુના અવતારમાં જોવા મળશે ખેલાડીઓ

આ પણ વાંચોઃ DRDO Recruitment 2022: DRDOમાં સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ સહિત 1901 જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *