World Sign Language Day

World Sign Language Day: મૂકમ કરોતિ વાચાલમ; બધિરતાને લીધે વાણીથી વંચિત દિવ્યાંગોને સંકેતોની ભાષામાં શિક્ષણ આપવામાં આવે છે

World Sign Language Day: રશ્મીબેન મહેતા બે દાયકા કરતાં વધુ સમયથી સંકેતોની ભાષા દ્વારા બધિર દિવ્યાંગ બાળકોને શિક્ષણ આપી રહ્યાં છે

  • એકસૂત્રતા ધરાવતી ઇન્ડિયન સાઈન લેન્ગવેજ તૈયાર કરવામાં આવી રહી છે
  • આદિત્ય ભાલેરાવે સંકેત ભાષામાં શિક્ષણ લઇને બધિરતાને પરાસ્ત કરી અને આજે શિક્ષક તરીકે બધિર દિવ્યાંગ બાળકોને કલા શિક્ષણ આપી રહ્યાં છે

World Sign Language Day: વર્લ્ડ સાઈન લેન્ગવેજ ડે: વિશ્વ સંકેત ભાષા દિવસ

અહેવાલ: સુરેશ મિશ્રા
વડોદરા, ૨૨ સપ્ટેમ્બર:
World Sign Language Day: જે સાંભળી શકે છે એ બોલી શકે છે.એટલે કે વાચા માટે શ્રવણ શકિત અનિવાર્ય છે. જો શ્રવણ શક્તિ ના હોય તો વાચા ફૂટતી નથી. અને જે શ્રવણ શક્તિ અને વાચા શક્તિ થી વંચિત છે એવા દિવ્યાંગો ને શિક્ષણ આપવા માટે સંકેતો ની ભાષાનો ઉપયોગ અનિવાર્ય છે. યુનો ના સમર્થન થી દર વર્ષે ૨૩ મી સપ્ટેમ્બરના રોજ વિશ્વ સંકેત ભાષા દિવસ એટલે કે વર્લ્ડ સાઈન લેન્ગવેજ દિવસ ઉજવવા માં આવે છે અને તેની સાથે આંતરરાષ્ટ્રિય બધિર કલ્યાણ સપ્તાહની ઉજવણી શરૂ થાય છે.

કારેલીબાગ વિસ્તારમાં આવેલી અને મૂક ધ્વનિ ટ્રસ્ટ સંચાલિત કમળાબેન મૂકબધિર વિદ્યાલય ખાતે આ પ્રકારના દિવ્યાંગો ને નર્સરી થી બારમા ધોરણ સુધીના શિક્ષણ ની વ્યવસ્થા છે અને સંકેતો ની ભાષામાં આ શિક્ષણ આપવામાં આવે છે. તેના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્યા રશ્મિ મહેતા બે દાયકા કરતાં વધુ સમય થી શ્રવણ શક્તિ થી વંચિત દિવ્યાંગ બાળકોને સંકેતો ની ભાષામાં શિક્ષણ આપવાનું કામ સમર્પિત પણે કરી રહ્યાં છે. તેમણે પિતાજી ના વારસા ને આગળ ધપાવવા ના સંકલ્પ સાથે સંકેતો ની ભાષા નું વિશેષ શિક્ષણ આ પ્રકારના દિવ્યાંગો ને શિક્ષિત કરવા મેળવ્યું હતું.

આ પણ વાંચો…Mahant Narendra Giri Death Case: આનંદ ગિરીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા – વાંચો શું છે મામલો?

તેઓ કહે છે કે કોઈપણ વિદ્યા શાખામાં સ્નાતક હોય તેવી વ્યક્તિઓ સાઈન લેન્ગવેજ માં ડિપ્લોમા કે બી.એડ અને એમ. એડ. સુધીની શિક્ષણ મેળવી,સ્પેશિયલ એજ્યુકેટર તરીકે મૂકબધિરતા ને લીધે દિવ્યાંગ છે તેવા બાળકોને શિક્ષિત કરવામાં મદદરૂપ બની શકે છે. ભાવનગર, અમદાવાદ અને વડોદરામાં આ પ્રકારના શિક્ષણની વ્યવસ્થા છે. જો કે ગુજરાતમાં આ પ્રકારના વિશેષ શિક્ષણમાં એમ.એડ. કરવાની સુવિધા નથી. વિવિધ સંસ્થાઓ દ્વારા આ ક્ષેત્રમાં બ્રિજ કોર્સ ચલાવવામાં આવે છે.દિલ્હી ની આલિયાવર જંગ ઇન્સ્ટિટ્યૂટ સંકેત ભાષા પ્રશિક્ષણની શિરમોર સંસ્થા છે.

બારમા ધોરણ પછી વિશેષ શિક્ષણ સંસ્થાને બદલે સામાન્ય બાળકો સાથે જ આ બાળકો એ કોલેજ શિક્ષણ લેવાનું હોય છે.રશ્મિબેન કહે છે કે શ્રવણ શક્તિ અને વાચાના અભાવ સિવાય આ બાળકો ખૂબ પ્રતિભાશાળી હોય છે, ઊંચો આઇક્યુ ધરાવે છે.સંસ્થાના ઘણાં વિદ્યાર્થીઓ સ્નાતક થયાં છે અને આ સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી આદિત્ય ભાલેરાવે અહીં બારમા સુધીનું શિક્ષણ મેળવ્યા પછી,એમ.એસ. યુનિવર્સિટી ની ફાઇન આર્ટસ ફેકલ્ટીમાં ડિપ્લોમા અને ડિગ્રી નું શિક્ષણ લઈ સંસ્થામાં જ ડ્રોઈંગ શિક્ષક તરીકે સેવાઓ આપી રહ્યાં છે.

Sign Language

તેમનું કહેવું છે કે બાળ જન્મ પછી શક્ય તેટલી વહેલી આ પ્રકારની ખામી ઓળખાય તો બાળકને સમયસર યોગ્ય પ્રકારના શિક્ષણ સાથે જોડી શકાય. આવા બાળકોના વાલીઓમાં પણ સજાગતા જરૂરી છે. સંસ્થામાં તેમની સાથે પ્રાથમિક વિભાગના આચાર્ય દિપક બારોટ સહિત ૨૧ સાથીઓ સંકેતોની ભાષામાં શિક્ષણ આપીને દિવ્યાંગો ( બધિર) ના જીવન ઘડતરનું ઉમદા કાર્ય કરી રહ્યાં છે.

જિલ્લા અને રાજ્ય પ્રમાણે સાઈન – સંકેતો માં ફેરફાર જોવા મળતો એવી માહિતી આપતાં રશ્મિબેને જણાવ્યું કે હવે,ભારત સરકાર દ્વારા એકસૂત્રતા ધરાવતી ઇન્ડિયન સાઈન લેન્ગવેજ વિકસાવવા ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેની તાલીમ અપાય છે.આ આવકાર્ય બાબત છે અને તેના થી ઘણી બધી વિસંગતતાઓ નિવારી શકાશે.

Whatsapp Join Banner Guj

તેમણે જણાવ્યું કે પ્રધામંત્રીને નરેન્દ્રભાઇ મોદી ની પ્રેરણા થી ભારત સરકારે ૨૦૧૬ માં નવો દિવ્યાંગતા ધારો અમલમાં મૂક્યો. તેમાં આ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા બાળકોને નોર્મલ સ્કૂલમાં જ બધાની સાથે શિક્ષણ કેવી રીતે આપી શકાય તે સહિતની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મૂકધ્વનિ ટ્રસ્ટના અધ્યક્ષ રિકેશ દેસાઈ પણ તેમાં સૂર પુરાવતા જણાવે છે કે અમારી સંસ્થાની મુલાકાત સમયે ભારત સરકારના મંત્રી પણ આ બાળકોની તેજસ્વીતા થી પ્રભાવિત થયા હતા. અમારા બાળકો સાઈન લેન્ગવેજ માં રાષ્ટ્રગીત પ્રસ્તુત કરે છે. પ્રધાનમંત્રી એ તેમના રાજકોટના કાર્યક્રમમાં અમારા બાળકોને રાષ્ટ્રગીત ગાન માટે ખાસ તેડાવ્યા હતા.

આ સંસ્થામાં સંકેત ભાષામાં શિક્ષણ ની સાથે બાળકોને વ્યવસાયિક તાલીમ આપવાની સુવિધા છે. બધિરતા ને લીધે દિવ્યાંગતા એ આ પ્રકારના બાળકોના માર્ગમાં અડચણ જરૂર છે.પણ સંકેત ભાષા અને તેના આધારિત શિક્ષણ તેમનું સશક્તિકરણ કરે છે.