sri lanka PM Resign

Sri lanka PM Resigne: ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા શ્રીલંકામાં પરિસ્થિતિ બેકાબૂ, રાષ્ટ્રપતિ ભાગી ગયા તો વડાપ્રધાને આપ્યુ રાજીનામુ- વાંચો વિગત

Sri lanka PM Resigne: હજારો દેખાવકારોનો રાષ્ટ્રપતિ આવાસ પર કબજો, ટોળાએ પીએમ હાઉસ સળગાવ્યું, હિંસક દેખાવોમાં ૪૫થી વધુ ઘાયલ

નવી દિલ્હી, 10 જુલાઇઃ Sri lanka PM Resigne: શ્રીલંકાની સ્થિતિ દિવસે ને દિવસે બદથી બદતર થઈ રહી છે. ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા શ્રીલંકામાં પરિસ્થિતિ અત્યંત બેકાબૂ થઈ ગઈ છે. હજારો દેખાવકારોએ શનિવારે સવારે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજાપક્સેનું નિવાસ ઘેરી લીધું હતું અને તેના પર કબજો કરી લીધો હતો. જોકે, દેખાવકારો ગમે તે ઘડીએ ‘ત્રાટકશે’ તેવી ગુપ્ત બાતમીના પગલે રાષ્ટ્રપતિ ગોટબાયા એક દિવસ પહેલાં જ નિવાસ ખાલી કરીને અજ્ઞાાત સ્થળે રવાના થઈ ગયા હતા. બીજીબાજુ દેખાવકારોએ રાષ્ટ્રપતિ નિવાસને ઘેર્યા પછી પીએમ હાઉસ તરફ કૂચ કરી હતી. વડાપ્રધાન વિક્રમાસિંઘેએ રાજીનામું આપવા તૈયારી બતાવતા સર્વપક્ષીય સરકાર બનવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. જોકે, મોડી સાંજે ટોળાએ પીએમ હાઉસને આગ લગાવી દીધી હતી.

શ્રીલંકામાં આર્થિક કંગાલિયતથી ત્રસ્ત થઈ ગયેલી જનતાએ શનિવારે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજાપક્સેના રાજીનામાની માગણી કરતાં તેમના નિવાસ પર કબજો કરી લીધો હતો. દેખાવકારો સરકાર વિરોધી, ‘ગો ગોટબાયા’ સહિતના સૂત્રોચ્ચાર કરતાં રાષ્ટ્રપતિ નિવાસમાં સ્વિમિંગ પૂલમાં  કૂદી પડયા હતા જ્યારે કેટલાકે રસોડામાં નાસ્તો કર્યો હતો. કેટલાક દેખાવકારો બેડરૂમમાં સૂઈ ગયા હતા. દેખાવકારોએ અહીં ભારે તોડફોડ પણ કરી હતી. 

આ હોબાળા વચ્ચે શ્રીલંકન નેવીનો એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં ત્રણ લોકો એક જહાજ પર સૂટકેસ મૂકી રહ્યા છે. સ્થાનિક મીડિયાના દાવા મુજબ આ સૂટકેસ રાષ્ટ્રપતિ ગોટબાયા રાજાપક્સેની છે. દેખાવકારોના ‘ત્રાટકવાની’ તેમને અગાઉથી જ જાણ થઈ જતાં તેઓ પહેલાં જ અજ્ઞાત સ્થળે ભાગી છૂટયા છે. શનિવારના દેખાવો શ્રીલંકન ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી મોટા દેખાવો છે. રાજધાની કોલંબો ઉપરાંત ગૉલ, કેન્ડી અને મતારા સહિતના શહેરોમાં પણ દેખાવકારો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

બીજીબાજુ રેલી દરમિયાન શ્રીલંકાની પોલીસ અને દેખાવકારો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં ૪૫થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. પરિસ્થિતિ કાબૂ બહાર જઈ રહી હોવાનું ધ્યાનમાં આવતા શાસક પક્ષના નેતાઓએ ઈમર્જન્સી બેઠક બોલાવી હતી, જેમાં સર્વસંમતિથી નેતાઓએ રાષ્ટ્રપતિ ગોટબાયા રાજાપક્સે અને વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેને પદ પરથી રાજીનામું આપી દેવા અપીલ કરી હતી. શ્રીલંકાની વર્તમાન આર્થિક કટોકટીનો કોઈ રાજકીય ઉકેલ નહીં દેખાતા અંતે રાનિલ વિક્રમાસિંઘેએ વડાપ્રદાનપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. શ્રીલંકન અર્થતંત્રને નાદારીમાંથી બહાર કાઢવા હજુ મે મહિનામાં જ વિક્રમાસંઘેને વડાપ્રધાનપદે નિયુક્ત કરાયા હતા.

આ પણ વાંચોઃ Chaturmas 2022: આજે દેવશયની એકાદશી અને ચતુર્માસ શરુ, વાંચો ચતુર્માસનું ધાર્મિક અને વૈજ્ઞાનિક તથ્યો વિશે

રાષ્ટ્રપતિ ગોટબાયાના રાજીનામાની માગણી તિવ્ર બનતાં તેમણે બુધવારે રાજીનામું આપવાની જાહેરાત કરી છે. આ પહેલાં ૧૧મી મેના રોજ તત્કાલીન વડાપ્રધાન મહિન્દા રાજાપક્સેએ પરિવાર સાથે ભાગવું પડયું હતું. તે સમયે પણ ઉશ્કેરાયેલા ટોળાએ કોલંબોમાં તેમનું સરકારી આવાસ ઘેરી લીધું હતું અને મોડી સાંજે તેમાં આગ લગાવી દીધી હતી.

આ પહેલાં દેખાવકારોને વડાપ્રધાન રાનિલ વિક્રમાસિંઘેના ઘર તરફ આગળ વધતા રોકવા માટે પોલીસે બળ પ્રયોગ કર્યો હતો. તેમણે ટોળા પર ટીયર ગેસના શેલ છોડયા હતા અને તેમના પર પાણીનો મારો પણ કર્યો હતો. આ દરમિયાન પીએમ સુરક્ષામાં નિયુક્ત અધિકારીઓએ ઘર બહાર હાજર પત્રકારો પર હુમલો કરી દીધો, જેનાથી ભીડ વધુ ઉગ્ર થઈ ગઈ હતી. ત્યાર પછી ભીડે વડાપ્રધાન હાઉસ સળગાવી દીધું હતું. કોલંબોની સાથે જનતાએ શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ દરમિયાન ગૉલ સ્ટેડિયમ બહાર દેખાવો કર્યા હતા. શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટરો સનથ જયસૂર્યા, કુમાર સંગાકારા અને મહિલા જયવર્દને પણ દેખાવકારો સાથે જોડાયા હતા.

દરમિયાન રાષ્ટ્રપતિ ગોટબાયા રાજાપક્સેની ગેરહાજરીમાં વડાપ્રધાન રાનિલ વિક્રમાસિંઘેએ શનિવારે એક ઈમર્જન્સી બેઠક બોલાવી હતી. આ બેઠકમાં શાસક પક્ષના સાંસદોએ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન બંને રાજીનામું આપે અને મહત્તમ ૩૦ દિવસ માટે કાર્યવાહક રાષ્ટ્રપતિની નિમણૂક કરવા સંમતી સધાઈ હતી. વધુમાં આગામી કેટલાક દિવસમાં વચગાળાની સર્વપક્ષીય સરકારની નિમણૂક કરવા અને વહેલી તકે ચૂંટણી યોજવા સાંસદો સંમત થયા હતા. 

રાનિલ વિક્રમાસિંઘેએ કહ્યું કે, હું રાષ્ટ્રપતિ સામે સર્વપક્ષીય સરકાર બનાવવાનો વિચાર રજૂ કરું છું. દેશમાં ઈંધણ અને ભોજનની અછત જેવી સમસ્યાઓ છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઈએમએફ) સાથે બેઠક યોજાવાની છે, તેથી આ સરકારના રાજીનામા પછી તુરંત એક અલગ સરકારની રચના થવી જોઈએ. સરકાર વિના માત્ર વહીવટીતંત્રથી દેશનું નેતૃત્વ કરવું અયોગ્ય છે.

આ પણ વાંચોઃ Saputara bus accident: પ્રવાસેથી પાછા ફરતી વખતે સુરતના એક ક્લાસિસની મહિલાઓની બસ ખીણમાં ખાબકી, 2ના મોત

Gujarati banner 01