About Mahendra meghani

About Mahendra meghani: ગુજરાતનાં તથા વિદેશનાં પુસ્તકપ્રેમીઓ તરફથી મહેન્દ્રભાઈ મેઘાણીની વિદાયની પળે નતમસ્તકે પ્રણામ અને અશ્રુભરી શ્રદ્ધાંજલિ

About Mahendra meghani: હજી તો બે મહિના પણ પુરા નથી થયા અને મેં એમને ૧૦૦ વર્ષ પુરા કર્યાની એમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારે સ્વપ્નેય ખ્યાલ નહોતો કે ગુજરાતી સાહિત્યને આમ અચાનક આવડી મોટી ખોટ જશે. આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં સહુથી મોટાં પુત્ર મહેન્દ્રભાઈ મેઘાણી (Mahendra Meghani)આમ અચાનક ગઈ કાલે આ ફાની દુનિયાને અલવિદા કહી દેશે એ હજી માન્યામાં નથી આવતું. તાજેતરમાં ૨૦મી જૂને તો એમણે ૧૦૦ વર્ષ પુરા કરેલા હજી એનો આનંદ સમાતો નહોતો ત્યાં આટલા કારમાં આઘાતનો પડઘો આવનારા કેટલાય વર્ષો સુધી ગૂંજ્યા કરશે.


હરતી ફરતી વિદ્યાપીઠનાં નામે ઓળખાતા અને મિલાપ, લોકમિલાપ, કાવ્યકોડિયાં જેવા ગુણવત્તાસભર પ્રકાશનો થકી સાત દાયકા સુધી સાહિત્ય થકી સંસ્કાર સિંચન કરનાર મહેન્દ્ર મેઘાણી હવે નથી રહ્યાં એ માનવું ખરેખર કપરું છે. કસુંબલ ગાયક અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેધાણીનો સાહિત્ય વારસો એમણે પણ જાળવી રાખ્યો હતો. તેમણે લખેલી અડધી સદીની વાચનયાત્રા અને મિલાપમાં સાહિત્ય રસ ઝરતો પણ હવે આ અડધી સદીની વાચનયાત્રાનો ‘વિરામ’ થવા પામ્યો છે.

આ પણ વાંચોઃ Mahendra Meghani Passed Away: ઝવેરચંદ મેઘાણીના સૌથી મોટા પુત્ર મહેન્દ્ર મેઘાણીનું 100 વર્ષની વયે નિધન


મહેન્દ્રભાઈ મહાન સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીનાં સંતાનોમાંના એક. ભાવનગર અને મુંબઈની શાળાઓમાં ભણીને અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજ ૧૯૪૨માં અધવચ્ચે છોડીને પિતાની લેખનની અને પત્રકારત્વની પ્રવૃત્તિમાં સાથી બન્યા. ૧૯૪૮માં ન્યૂયૉર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં પત્રકારત્વનો અભ્યાસ કરવા ગયા. ત્યાંથી ગુજરાતી દૈનિક ‘નૂતન ગુજરાત’ માટે નિયમિત લખાણો મોકલતાં. ૧૯૫૦માં મુંબઈ પાછા આવીને કોઈ પણ ભારતીય ભાષામાં કદાચ પહેલવહેલું કહી શકાય તેવું ‘રિડર્સ ડાયજેસ્ટ’ ઢબનું ‘મિલાપ’ શરૂ કર્યું. તેમાં ઓગણત્રીસ વર્ષ લગી વિવિધ સામયિકોમાંથી સુંદર સામગ્રી વીણીવીણીને અનુવાદ કરીને, ટૂંકાવીને, માવજત કરીને ગુજરાતી વાચકોને પૂરી પાડી. મહેન્દ્રભાઈ ૧૯૫૧માં મુંબઈથી ભાવનગર આવ્યા અને ૧૯૫૪માં ‘લોકમિલાપ કાર્યાલય’ શરૂ કરી તેના પુસ્તકભંડાર દ્વારા પુસ્તકોનાં પ્રકાશન અને વેચાણનાં મંડાણ કર્યાં.


ગુજરાતનાં જાણીતા પુસ્તક પ્રસારક-પ્રકાશક, સંક્ષેપકાર, સંપાદક, અનુવાદક અને ‘લોકમિલાપ’નાં સ્થાપક-સંપાદક મહેન્દ્ર મેઘાણી ગુજરાતમાં ‘ગ્રંથના ગાંધી’ બિરુદ પામ્યા હતા અને જીવ્યા ત્યાં સુધી લેખન-વાચનમાં યથાશક્તિ વ્યસ્ત રહ્યા. એમણે આશરે પોણી સદીથી પણ વધારે પુસ્તકો તેમજ સામયિકોનાં લખાણોનાં સંક્ષેપ, સંકલન, સંપાદન, પ્રકાશન, પ્રદર્શન અને નીવડેલા સાહિત્યનાં સમૂહવાચન થકી વાચન-પ્રસારનું કામ કર્યું હતું.


પુસ્તકમેળો શબ્દ જ એમના કારણે લોકજીભે ચઢ્યો. ભાવનગરનાં તેના વાર્ષિક પુસ્તકમેળાની તો આખાય પંથકનાં લોકો રાહ જોતા અને મેળાનાં દિવસો તો જાણે અવસર બની જતા. ગુજરાતી વાચકો માટે ૧૯૫૦થી ઓગણત્રીસ વર્ષ સુધી ‘મિલાપ’નામનું વાચન-સમૃદ્ધ માસિક ચલાવ્યું. મહેન્દ્રભાઈ એટલે ‘લોકમિલાપ’નો પર્યાય. ગયા સાત દાયકા દરમિયાન ‘લોકમિલાપે’ બહાર પાડેલાં બસો કરતાંય વધુ પુસ્તકોનાં નિર્માણની કામગીરી લગભગ સંપૂર્ણપણે મહેન્દ્રભાઈના શબ્દકર્મને આભારી છે.


પુસ્તક તરીકે પ્રસિદ્ધ કરવા માટેની સામગ્રીની પસંદગી તેમજ તેની મઠારણીથી શરૂ કરીને પુસ્તક એક પણ ભૂલ વિના છપાય, બંધાય, ટપાલી કે દુકાનદાર થકી સમયસર તે વાચકના હાથમાં અને ત્યાંથી સોંસરું તેના હૈયામાં પહોંચે ત્યાં લગીની આખીય સાંકળની દરેક કડીમાં ‘શબદના સોદાગર’ મહેન્દ્ર મેઘાણીની મંજાયેલી સમજ અને સખત મહેનત હતી. એમના અત્યંત લોકપ્રિય થયેલા પુસ્તકો લોકમિલાપ, અડધી સદીની વાચનયાત્રા ભાગ 1-૫, વિક્ટર હ્યુગોનાં પુસ્તકો, કોન ટીકી, સાત વર્ષ તિબેટમાં અને નહીં વીસરાતાં કાવ્યો જે મારાં પણ પ્રિય છે.

Banner Vaibhavi joshi


‘ઈતિહાસમાં બૅલટ કે બુલેટથી ક્રાન્તિઓ આવી હશે, ‘લોકમિલાપ’ બુક્સથી ક્રાન્તિ લાવવા ધારે છે’, એવું મહેન્દ્રભાઈનું જાણીતું કથન હતું. મહેન્દ્રભાઈને વિશ્વાસ હતો કે લોકો પુસ્તકો વાંચે તો બદલાવ આવે પણ લોકો પુસ્તકો વાંચતાં નથી એની તેમને ખબર હતી. એટલે લોકો જે કારણસર પુસ્તકો વાંચતાં નથી તે બધાં કારણોનું તેમણે લોકમિલાપ પ્રકાશન થકી નિવારણ કર્યું.

લોકોને લાંબાં લખાણો વાંચવાનો સમય નથી એટલે તેમણે ટૂંકાં લખાણો આપ્યાં. પુસ્તકો મૂકવા માટે જગ્યા નથી, તો મહેન્દ્રભાઈએ નાનાં કદનાં છેક ખિસ્સામાં સમાઈ જાય એવડાંક પુસ્તકોય બનાવ્યાં. લોકો કહેતા કે ‘વાંચવાનું અઘરું પડે છે’, મહેન્દ્રભાઈએ કહેતા કે ‘લો સરળ સોંસરું વાંચન’. લોકો કહેતા કે રસ નથી પડતો, મહેન્દ્રભાઈએ કહ્યું કે ‘લેખકો કંઈ બધું કંટાળાજનક નથી લખતાં, લો હું તમારા માટે એકદમ સરસ લખાણો વીણી લાવ્યો છું’.


આપણા દેશમાં કરોડો લોકોને ખરેખર પુસ્તકો પોષાતાં નથી એ જાણનાર મહેન્દ્રભાઈએ પુસ્તકપ્રકાશક તરીકે કરકરસર અને સાદગીભર્યું જીવન સ્વીકારીને વાચકોને ઓછી કિંમતે પુસ્તકો પૂરાં પાડ્યાં. આ આખીય વ્યવસ્થાને મહેન્દ્રભાઈ ‘પુણ્યનો વેપાર’ કહેતા અને તેનાં રૂડાં ફળ ગુજરાતને મળ્યાં છે. ૧૯૬૮માં ‘લોકમિલાપ કાર્યાલય’નું ‘લોકમિલાપ ટ્રસ્ટ’માં રૂપાંતર કરીને તેને સારાં પુસ્તકોના પ્રચાર અને બીજી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરવા મટેની બિનધંધાદારી સંસ્થા બનાવી.

આ પણ વાંચોઃ 12th Supplementary Exam Result: ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની જુલાઈ 2022માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર


લોકમિલાપ પુસ્તકભંડારની સુવાસ ફેલાતી ગઈ. તેમાં મૂકવામાં આવતાં પુસ્તકોની પસંદગી, ગ્રાહક માટેની કદરબૂજ, સંચાલકોની સહજ સંસ્કારિતા અને એકંદર આહ્લાદક વાતાવરણને કારણે લોકમિલાપ વાચકો માટે મિલનસ્થાન, વાચનસ્થાન, પુસ્તકતીર્થ બનતું ગયું. પુસ્તકોનાં વેચાણમાંથી ધોરણસરની આવક થતી ગઈ એટલે સમાજ માટે ઘસાઈને ઊજળા થવામાં માનનાર મહેન્દ્રભાઈએ ‘નહીં નફો નહીં નુકસાન’નાં ધોરણે ઉત્તમ સાહિત્ય સસ્તા દરે લોકોને પૂરું પાડવા માટે જાણે ઝુંબેશ હાથ ધરી.


માત્ર ભાવનગરની જ નહિ પણ સમસ્ત ગુજરાતી પ્રજાએ અમને આટલાં વર્ષો નર્યો પ્રેમ આપીને એક આદર્શ પુસ્તકભંડાર ચલાવવાની હોંશ સંતોષી છે. એમને, સમગ્ર ગુજરાતનાં તથા વિદેશનાં પુસ્તકપ્રેમીઓ તરફથી મહેન્દ્રભાઈ મેઘાણીની વિદાયની પળે નતમસ્તકે પ્રણામ અને અશ્રુભરી શ્રદ્ધાંજલિ..!!- વૈભવી જોષી

(સૌજન્ય : ઘણી ખરી માહિતી પ્રો.સંજય શ્રીપાદ ભાવેનાં બીબીસીનાં લેખ તરફથી સાભાર)

Gujarati banner 01