Ramesh parekh image

Punyatithi of writer Ramesh Parekh: સાહિત્યકાર રમેશ પારેખની પુણ્યતિથિ પર વાંચો માતૃભાષા અને ગુજરાતી સાહિત્ય સાથે ફરી એક વાર પ્રેમ થઇ જાય તેવો લેખ

Punyatithi of writer Ramesh Parekh: (વિશેષ નોંધ : મારી જેમ આ મૂર્ધન્ય સાહિત્યકાર ર.પા.ની રચનાઓનાં ગળાડૂબ પ્રેમમાં હો તો આ લાંબો લેખ આજે એમની પુણ્યતિથિ પર એક વાર સમય કાઢી જરૂરથી વાંચશો શક્ય છે કે આપણી માતૃભાષા અને ગુજરાતી સાહિત્ય સાથે ફરી એક વાર પ્રેમ થઇ જાય.)

તમે નાનાં હતા ત્યારે આ ગીત ન ગાયું હોય એવું બને ખરાં ?

‘એકડો સાવ સળેખડો, બગડો ડિલે તગડો,
બંન્ને બથ્થંબથ્થા બાઝી, કરતા મોટો ઝગડો’ કે પછી
‘હું ને ચંદુ છાનામાનાં કાતરિયામાં પેઠાં,
લેસન પડતું મૂકી ફિલમ ફિલમ રમવા બેઠાં.’
કે યુવાનીમાં તરુણીઓએ આ ગીત ન ગાયું હોય એવું બને ?
‘સાવરિયો રે મારો, સાવરિયો,
હું તો ખોબો માગું ને દઈ દે દરિયો..’ કે
‘હું તને કેટલી ગમું? એમ પુછું તો,
તાણે તલવાર મારો સાહ્યબો.’
કોઇ વાર અણધાર્યા વરસાદમાં નખશીખ ભીંજાતા હો ને આ પંક્તિઓ યાદ ન આવે એવું બન્યું હશે ખરાં ?
‘આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે,
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે’
કે ક્યાંક વળી વાસંતી વાયરા વાતાં હોય એવામાં તમને આ યાદ આવ્યું હશે,
‘શહેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,
એક જણ નખશીખ ઉજ્જડ રહી ગયું કોને ખબર ?’
કે કોઈ દિવસ પ્રાર્થનાં કરતા હો ને આ ગીત મોઢે ન આવ્યું હોય એવું બને ખરાં ?
‘કે કાગળ હરિ લખે તો બને, અવર લખે
તો એકે અક્ષર નથી ઊકલતા મને’ કે
‘મીરાં કે’ પ્રભુ અરજી થઈને ઊભાં છીએ લ્યો, વાંચો !’
તમે તમારાં ગામ કે શહેરમાં ક્યાંય ચાલ્યાં જતા હો ને આવો અહેસાસ થયો છે કદી ?
‘આ શહેર તમારાં મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં,
આ ચહેરાં પર બીજો ચહેરો ચિપકાવી દે, કહેવાય નહીં’
કે આવું કહેવાનું મન થયું હોય..
‘આંખોમાં આવી રીતે તું દ્રશ્યો ન મોકલાવ,
ખાલી થયેલા ગામમાં, જાસો ન મોકલાવ…
એનાથી આગળ વધી ને કહું તો જીવતે જીવ કોઈએ આવું લખ્યું હશે કે?
‘હું મરી ગયો. અંતરિયાળ. તે શબનું કોણ ? તે તો રઝળવાં લાગ્યું.’ કે
‘તારાં સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં,
કોશિશ હું આપઘાતની એકાદ કરી જોઉં.’

Banner Vaibhavi joshi


મને નથી લાગતું કે જીવનનાં કોઈ પણ તબક્કામાં આ વ્યક્તિની રચનાઓ પાર કર્યા વગર આપણે મોટા થયાં હોઈશું. ફક્ત આટલું વાંચ્યા પછી પણ જો એ છ અક્ષરનું નામ તમારી આંખો સામે નથી તરવરતું તો કદાચ તમે બીજું કંઈ પણ હશો પણ ગુજરાતી તો ન જ હોઈ શકો.
ગુજરાતી સાહિત્યનાં ઇતિહાસમાં એક સીમાચિહ્ન કે પછી અતિશયોક્તિ માટે વપરાતાં બધાં જ વિશેષણો જ્યાં ખૂટી પડે તોય કહેવાનું મન થાય કે જેની રગેરગમાં લોહી નહિ પણ ભાષા વહે છે. જેમનાં રોમેરોમમાં બસ ગઝલોની જ મહેંક છે. જે પોતે જ નખશીખ અણમોલ રત્નો જેવાં ગીતોથી મઢેલાં અખૂટ ખજાનાનાં માલિક છે. બહુ ઓછી પ્રતિભાઓ જેનાં માટે આપણે ક્યારેય ‘હતાં’ નથી વાપરતાં એમાંની એક આ બહુમુખી પ્રતિભા, એ છ સ્વર્ણિમ અક્ષરો એટલે શ્રી રમેશ પારેખ.

ઘણી વાર આપણે લોકોને એવું કહેતા સાંભળીયે છીએ કે “હતાં, છે અને રહેશે” પણ આવનારાં કંઈ કેટલાય યુગો સુધી અથવા એમ કહું કે ગુજરાતી ભાષા જ્યાં સુધી જીવંત છે ત્યાં સુધી શ્રી રમેશ પારેખ તો છે, છે અને છે જ.

અનેક પ્રકારની છાંદસ, અછાંદસ કવિતા, ગીત, ગઝલ, સોનેટ, બાલ કવિતાઓ, બાલ કથાઓ, ચિંતનાત્મક લેખો, સંપાદન, વાર્તાસંગ્રહ, નાટક, સોનલ કાવ્યો, આલા ખાચર કાવ્યો, મીરાં કાવ્યો સહિત અનેક પ્રકારનાં કાવ્ય પ્રકારોમાં ખેડાણ કરનાર અને લોકગીતો-ભજનોને આત્મસાત કરીને તેનું અદ્યતન સંવેદનાની અભિવ્યક્તિમાં આગવું રૂપાંતર સાધીને પોતાનું નામ અંકિત કરનાર આ પ્રતિભાની આજે પુણ્યતિથિ છે.


એમનાં વિશે લખવાનું મારું તો કોઈ ગજું જ નહિ પણ છતાંય આજે એમની પુણ્યતિથિ પર સાદર વંદન કર્યા વગર રહેવાયું પણ નહિ કેમકે મેં પણ હજી સુધી મારાં જીવનનાં દરેક તબક્કે એમની એક-એક રચનાઓ પાર કરી છે અને હજી પણ કરી રહી છું. મોટા ભાગે એમનું વ્હાલસોયું નામ ર.પા. જાણીતું થયું છે માટે લખવામાં અંત્યત આદર સાથે આ નામ લખતી હોઉં છું.


એમની સ્મૃતિમાં અવારનવાર ગુજરાતી કવિતા અને સંગીતનાં જલસા યોજાતા હશે પણ મારાં મતે તો ર.પા. એટલે પોતે જ એક જીવતો જાગતો જલસો. એમની કવિતા એટલે ઊર્મિઓનો ઘૂઘવતો દરિયો. સોનલ એમનું મનગમતું પાત્ર, કે જેનો ઉલ્લેખ એમની ઘણીય કવિતાઓમાં જોવા મળે છે. એમાંય ડો. નિખિલ જયારે એમની સર્જનાત્મકતાનું વર્ણન કરે ત્યારે તો અહો! અહો ! થઇ જવાય.
તગતગતાં તડકાઓમાંથી પસાર થઈને ગુલમ્હોરી છાંયડે વિસામો લેતો એમની કવિતાનો શબ્દ ક્યારેક કોઈ કાળા કાગડાની પાંખ પર સવાર થઈને ઊતરે છે સીધો આલા ખાચરનાં આંગણે, તો ક્યારેક ઝાડનાં લીલેરા પાંદડાં પરથી લસરીને ઘરની ઓસરીએ આડો પડે છે.
એમની કવિતાનો શબ્દ રણ સોંસરવો નીકળીને એ કવિતાનો કૈફ સરોવરનાં સરનામે પહોંચાડે છે. એમનાં ગીતોનો લય આખ્ખાય આકાશની વાટકીમાં ઘોળીને ચાંદાના અજવાળાની ચમચી કરીને કંઠ ઉપર લેપ કરવાનું જાણે કે ઉત્તમ ઔષધ છે. એમની ગઝલનાં શેર હંમેશા સવાશેર જ રહ્યાં છે એમાં જરાય અતિશયોક્તિ નથી.

એ જ્યારે મીરાંની વાત કરે છે ત્યારે લાગે છે કે મીરાંની આંખની બારાક્ષરી એમણે કડકડાટ મોઢે કરીને રાખી’તી. ધોધમાર વરસેલાં કેટલાંય ચોમાસાને જાણે કે એમની કલમ એવા ને એવા આખ્ખે આખ્ખા પી ગઈ હશે. એમનાં ચશ્માંનાં કાચ પર બાઝેલી ઝાકળ કદાચ એમનાં કાગળ પર શાહી બનીને ઊતરવાં જ જાણે કે આવતી હશે. મોરનાં ટહુકાઓ વીણી-વીણીને આ માણસે ગજવાં ભર્યા ને પછી એનાં ગીત મઢીને જ્યારે ઓશીકે મૂક્યાને ત્યારે કમખાઓને પણ ટહુકાઓ ઊગી નીકળ્યા એનું નામ ર.પા.ની કવિતા.


સોળ વરસની કુંવારી છોકરીનાં સ્મિત જેટલું જ નિખાલસ એને કવિતાનું કુળ. ખોબલે ને ખોબલે તો ઉલેચી પણ ન શકાય એવા અને એટલાં ધોધમાર એમનાં ગીતો, રગેરગમાં લોહીનું તોફાન મચાવે એવી એમની ગઝલો અને ચક્રવાતે ચડેલો પવન જરા હેઠો બેસીને એક આકાર લે એવી એમની અછાંદસ કૃતિઓ.

ને વળી સહુથી મજાની વાત કે આટઆટલું કવિત્વ કર્યા પછી પોતે તો કહે છે કે મારે કવિ ન’તું થવું અને તોય કવિ તરીકેની ખુમારી ક્યાંય કોઈ સંસ્થા કે વ્યક્તિ વિશેષ પાસે સ્હેજ પણ એમણે ઝૂકવા દીધી નથી. ક્યારેક એમની કવિતાનો શબ્દ છાતી સોંસરવો નીકળી જાય એને માટે જ કદાચ આજે પણ એ ભાવકની ત્વચાની આરપાર નીકળી એનાં લોહીને એકાદ વેંત ઊંચુંનીચું કરી દેવાં સક્ષમ છે.

સમગ્ર ગુજરાતી સાહિત્યને પોતાની કવિ પ્રતિભા દ્વારા ઉજાગર કરનાર, સૌરાષ્ટ્રનાં સાચુકલાં કહી શકાય એવા આ કવિનો જન્મ ૨૭મી નવેમ્બર ૧૯૪૦માં અમરેલી ખાતે કપોળ વણિક કુટુંબમાં મોહનલાલ અને નર્મદાબેનને ત્યાં થયો હતો. તેમણે પારેખ મહેતા વિદ્યાલય ખાતે અભ્યાસ કર્યો હતો.


ઈ.સ.૧૯૫૮માં પ્રથમ વર્ગ સાથે તેમણે એસ.એસ.સી.ની પરીક્ષા ઉતીર્ણ કરી અને ઈ.સ.૧૯૬૦માં તેઓ અમરેલી જિલ્લા પંચાયત કચેરીમાં જોડાયા. તેમની પ્રથમ વાર્તા ‘પ્રીત ની દુનિયા’ એક સામયિકમાં તેઓ જ્યારે શાળામાં અભ્યાસ કરતાં હતા ત્યારે પ્રગટ થઈ હતી. ચિત્ર કળા અને સંગીતનો શોખ તેમણે જાળવી રાખ્યો હતો, તેમજ વાર્તાઓ લખવાનું પણ ચાલુ રાખ્યું અને સંગીત કલબની સ્થાપના પણ કરી હતી.
શરૂઆતમાં તેમણે ગદ્ય વધુ લખ્યું. ઈશ્વર પેટલીકરની નવલકથા ‘તરણા ઓથે ડુંગર’ એક મેગેઝીનમાં વાંચીને ખુબ પ્રભાવિત થયાં ને તેમની લખવાની ઈચ્છા જોર કરી ગઈ. તેમણે ‘કાળું ગુલાબ’, ‘ગુલાબનો છોડ’ અને ‘પ્રેતની દુનિયા’ લખ્યું. આમ લગભગ ૧૯૬૨ સુધી વાર્તાઓ લખી. કવિતાઓ લખતા ખરા પણ બરાબર નથી એમ લાગતાં છપાવવાનું માંડી વાળતા.

૧૯૬૬-૬૭માં કવિ અનીલ જોશી અમરેલી આવ્યાં અને તેમની મિત્રતા અને લખાણ બંનેમાં ચાર ચાંદ લાગ્યા. આ બંને જિગરજાન મિત્રો અનીલ જોશી Anil Joshi અને Rajnikumar Pandya રજનીકુમાર પંડ્યાની પ્રેરણાથી તેમનું નવતર ‘કાવ્ય સર્જન’ શરુ થયું. ગુજરાતી સાહિત્યનાં તમામ મોટાં પુરસ્કારો જીવતેજીવ મેળવનાર અને એ છતાંય એમનો જીવ હંમેશા ધરતીને ખોળે જ રહ્યો અને આ બધાં જ પારિતોષિકો એમણે પોતાનું રમેશપણું અક્બંધ રાખીને મેળવ્યા છે.


૧૯૭૦માં તેમને કુમાર સુવર્ણ ચંદ્રક, ૧૯૮૩માં ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચંદ્રક, ૧૯૮૬માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક અને ૧૯૮૯માં કલા ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ખડિંગ પુસ્તક માટે તેમને ૧૯૭૮માં નર્મદ સુવર્ણ ચંદ્રક અને ૧૯૭૮-૭૯નો ઉમા-સ્નેહરશ્મિ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. મીરાં સામે પાર માટે તેમને ગિજુભાઇ બધેકા સુવર્ણ ચંદ્રક (૧૯૮૮) અને શ્રી અરવિંદ સુવર્ણ ચંદ્રક, રાજ્ય ક્ક્ષાનો ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૭૯) મળ્યો હતો.
આ પણ વાંચોઃ Parivartan yatra at Una: ઉના શહેરમાં AAPની પરિવર્તન યાત્રા નીકળી બોહળી આમ આદમી પાર્ટીના સંખ્યામાં જોડાયા યાત્રાનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું

તેમનાં કાવ્ય સંગ્રહ વિતાન સુદ બીજ માટે ૧૯૯૪માં તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. આ જ પુસ્તક માટે તેમને રાજકુમાર ભુવલ્કા પુરસ્કાર પણ મળ્યો હતો. તેમનાં સમગ્ર સર્જન માટે તેમને ૧૯૮૮માં સંસ્કાર પુરસ્કાર અને અમરેલી જિલ્લા પંચાયત કચેરી તરફથી કલાગૌરવ સુવર્ણ ચંદ્રક (૧૯૮૯) મળ્યો હતો. ૨૦૦૪માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર એનાયત થયો હતો. ૧૯૮૨-૮૩માં નસીબની બલિહારી ચલચિત્ર અને ૧૯૯૩-૯૪માં માનવીની ભવાઇ ચલચિત્ર માટે તેમને શ્રેષ્ઠ ગીતરચનાકારનો પુરસ્કાર ગુજરાત સ્ટેટ ફિલ્મ એવોર્ડમાં મળ્યો હતો. (ઈન્ટરનેટ પર પ્રાપ્ત માહિતી અનુસાર)


વાસ્તવિક દુનિયાની ઘટનાઓ સાથે હૃદયની ભાવનાઓને બહુ સહજ શબ્દોથી કાવ્યસ્વરૂપે જોડી આપતાં આ કવિનું ગુજરાતી કાવ્યસૃષ્ટિમાં એક અલગ જ સ્થાન છે. કવિ શ્રી સુરેશ દલાલનાં વાક્યોમાં કહીયે તો, “સર્જકતાથી ફાટફાટ થતો કવિ. એમની કવિતામાં આવતી સોનલ પૂર્વજન્મની સ્મૃતિ છે, આ જન્મની અટકળ છે અને આવતા જન્મનું આશ્વાસન છે”. આલા ખાચરનાં કાલ્પનિક પાત્ર વડે કાઠિયાવાડનાં બાપુઓની મનોદશા અને દશાનું વ્યંગાત્મક અને કરુણ આલેખન આપણી કવિતામાં નોખું જ સ્થાન ધરાવે છે.

મીરાંકાવ્યોમાં ર.પા.ની આધ્યાત્મિક્તાં એવી તો સહજતાથી ઊઘડે છે કે કૃષ્ણને પણ અદેખાઈ આવે. ચમત્કૃતિથી ભરપૂર કવિતામાં ક્યાંય સસ્તી ચાલાકી કે શબ્દરમત જોવા ન મળે એ ર.પા.ની વિશેષતા. અરૂઢ વિષયોને અરૂઢતાથી, અવનવાં કલ્પનોને લયઢાળો દ્વારા મૂર્ત કરવાની એમની સહજ ફાવટ એ એમની કવિતાનું ઘરેણું. ગીત, ગઝલ, છંદોબદ્ધ કાવ્યો, સૉનેટ, અછાંદસ જેને એનો ‘મિડાસ ટચ’ મળે એ ભાષાની ખાણનું સોનું બની જાય. ભાવજગતથી માણસને ઓળખતાં પૂજ્ય મોરારીબાપૂએ તેમના માટે એમ કહ્યું હતું કે આ કવિ કઇંક ભાળી ગયેલો કવિ છે.


જયારે ધરતી ધખતી હોય ત્યારે લોકકવિ પોતાની હૈયાવરાળ શબ્દરૂપે કાઢી અને એવાં વેણ લખી નાખે છે કે અસહ્ય બની જાય અને જયારે ધરતી ભીની હોય ત્યારે મોરની ગહેંક જેવાં મીઠા ટહુકારાં દેતાં ફુલાઈ-ફુલાઈને એવું લખે કે હૈયે ટાઢક થઇ જાય. લોકકવિ પોતાની જાતને ભૂલી અને લોકોનો બની જાય છે અને લોકો એને ખૂબ પ્રેમ કરવાં લાગે. આવી જ લાગણી અને આવું જ હેત આપણાં ર.પા.ને મળ્યું છે.
અમરેલી શહેરની ધરતી પર બેસીને આખા સાહિત્યજગતને પોતાની રચનાઓ દ્વારા ડોલાવનાર આ કવિએ સાહિત્યક્ષેત્રે ગુર્જરગીરા ને ધન્ય બનાવવાનું કામ કર્યું છે. તેઓ બનેલાં નહિ પણ જન્મેલાં કવિ છે. મા સરસ્વતીનાં જેમનાં પર ચાર-ચાર હાથ છે એવા સૌરાષ્ટ્રનાં આ પનોતા સંતાનને આજે એમની પુણ્યતિથિ પર સાદર વંદન જ હોઈ શકે..

આ પણ વાંચોઃ Property case issue: અમદાવાદમાં કુખ્યાત કાલુ ગરદનની મિલકત પર AMCનું બુલડોઝર ફરી વળ્યું

Gujarati banner 01