kisan andolan bharat band edited

કિસાન આંદોલન: સરકાર સાથે બેઠક કરતા પહેલા આજે ખેડૂતો કરશે શક્તિ પ્રદર્શન

kisan andolan bharat band edited

નવી દિલ્હી, 07 જાન્યુઆરીઃ છેલ્લા કેટલાય દિવસોથી દિલ્હી ખાતે ખેડૂતો પ્રદર્શન કરી રહ્યાં છે. નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન આજે 43માં દિવસે પણ ચાલુ છે અને દિલ્હીની તમામ સરહદો પર ડટેલા ખેડૂતો આજે ટ્રેક્ટર માર્ચ કાઢવાના છે. ખેડૂતો તેને 26 જાન્યુઆરીએ થનારી ટ્રેક્ટર પરેડનું રિહર્સલ ગણાવી રહ્યા છે. અત્રે જણાવવાનું કે ગણતંત્ર દિવસ પર દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં ટ્રેક્ટર પરેડ કાઢવાની ખેડૂતોએ ચેતવણી આપી છે. 

ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે કિસાન રેલી અંગે જાણકારી આપી અને કહ્યું કે ટ્રેક્ટર રેલીનો એક જથ્થો ડાસનાથી અલીગઢવાળા રૂટ પર જશે જ્યારે બીજો જથ્થો નોઈડાથી પલવલ રૂટ પર જશે. અમે પ્રશાસનને અમારા રૂટ અંગે જણાવી દીધુ છે. આ સાથે જ તેમણે કહ્યું કે ટ્રેક્ટર રેલી દિલ્હીમાં પ્રવેશ કરશે નહીં અને ડાસના તથા પલવલ સુધી યાત્રા કર્યા બાદ સંબંધિત સીમાઓ પર પૂરી થઈ જશે. 

Whatsapp Join Banner Guj

જમુરી કિસાન સભાના મહાસચિવ કુલવંત સિંહ સંધૂએ કહ્યું કે સિંઘુ અને ટિકરી બોર્ડરથી કુંડલી-માનેસર-પલવલ (KMP) કે વેસ્ટર્ન એક્સપ્રેસ વે સુધી સેંકડો ટ્રેક્ટર માર્ચ કરશે. તેમણે કહ્યું કે બંને સીમાથી સેંકડો ટ્રેક્ટર લગભગ 11 વાગે નીકળશે અને કેએમપી એક્સપ્રેસવે તરફ આગળ વધશે અને ત્યાંથી પોતાના શિબિરોમાં પાછા ફરશે. આ બાજુ ભારતીય કિસાન યુનિયન-ભાનુ(BKU Bhanu)  સાથે જોડાયેલા ખેડૂત મહામાયા ફ્લાયઓવરથી ચિલ્લા બોર્ડર (દિલ્હી-નોઈડા લિંક રોડ) સુધી ટ્રેક્ટર માર્ચ કરશે. 

પોલીસે પોતાના નિવેદનમાં જણાવ્યું કે બીલ અકબરપુર અને સિરસા કટથી પલવલ તરફ જનારી ગાડીઓને બપોરે 12 વાગ્યાથી બપોર બાદ 3 વાગ્યા સુધી ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર જવાની મંજૂરી હશે નહીં. આ ઉપરાંત સિરસા કટ અને બીલ અકબરપુરથી સોનીપત તરફ જનારી ગાડીઓ બપોરે 2 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી એક્સપ્રેસ વે પર જઈ શકશે નહીં. 

કૃષિ કાયદાઓ સામે પ્રદર્શન કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે સોમવારે થયેલી સાતમા રાઉન્ડની વાતચીતનું પણ કોઈ પરિણામ આવ્યું નહીં. કિસાન સંગઠન બેઠકમાં કાયદાને સંપૂર્ણ રીતે રદ કરવાની માગણી પર અડી રહ્યાં જ્યારે સરકાર કાયદાની ખામીઓવાળા પોઈન્ટ પર ચર્ચા કરવા માંગતી હતી. ખેડૂતો અને સરકાર વચ્ચે આગામી રાઉન્ડની બેઠક હવે 8 જાન્યુઆરીએ થશે. 

આ પણ વાંચો…

હેલ્થ ટિપ્સઃ દૂધ સાથે ભુલથી પણ ન ખાઓ આ વસ્તુ,પહોંચી શકે છે સ્વાસ્થ્યને નુકશાન