Rakhi article

Importance of Rakshabandhan: શું ખરેખર રાખડી બાંધીને કોઇની રક્ષા થઈ શકે?

Importance of Rakshabandhan: શું રાખડી બાંધીને કોઇની રક્ષા ખરેખર થઈ શકે? મહત્વ રક્ષાબંધનનું નથી, મહત્વ છે અંતરનાં જે અમી ઘૂંટીને રાખડી બાંધતી વખતે આશીર્વાદ આપે તેનું છે.

Importance of Rakshabandhan: ભારત તહેવારોનો દેશ છે જેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ. શ્રાવણ મહિનાની પૂનમે આવતો રક્ષાબંધનનો તહેવાર એ ભારતની સંસ્કૃતિનો એક અગત્યનો તહેવાર છે. આ વર્ષે આ તહેવાર આજે અને આવતીકાલે બંન્ને દિવસ મનાવી શકાશે અને પછી તરત શનિ-રવિની રજા હોવાથી દરેક ઘરમાં આનંદનું મોજું ફરી વળ્યું છે.

આ તહેવારનું બીજુ નામ ‘બળેવ’ પણ છે. બળેવ એટલે બળ અને બલિ ઊભયની ભાવના જેમાં પાયામાં પડી છે, ત્યાગ અને તિતિક્ષાની તમન્ના જેમાં ભરી છે. પ્રેમ અને સંસ્કારની સૌરભ જેની ઉજવણીમાં મહેકતી જોવા મળે છે, એવા આ પવિત્ર દિવસે ભારતનાં ભડવીર સાગરખેડુ બનીને વહાણવટે ઊપડતા અને અખૂટ જળભંડારને ખોળે ખેલતાં ખેલતાં નારિયેળ પધરાવી સાગરનું પૂજન કરી આખી દુનિયા ખૂંદી વળતા. આ પ્રસંગમાં ખલાસીઓ, વહાણવટીઓ અને વેપારીઓ પણ શામેલ થતા. તે વખતે ઐક્ય સાથે ઉમંગની છોળો ઊડતી અને સાચા ભાતૃભાવનો પરિમલ પથરાઇ રહેતો. માટે આ તહેવાર ‘નારિયેળી પૂનમ’ તરીકે પણ ઓળખાયો. આમ આ એક ઉત્સવમાં અનેક ઉત્સવ સમાયા છે.

Importance of Rakshabandhan, Vaibhavi Joshi

રક્ષાબંધનની શરૂઆત ક્યારથી થઈ તે અંગે આપણે અનેક પ્રસંગો સાંભળ્યા છે. એક પૌરાણિક કથા મુજબ દેવ-દાનવોનો બાર વર્ષ સુધી સંગ્રામ થયો, ભારે યુદ્ધ થયું. દાનવોનું પલ્લુ જીતમાં પરીણમે તેવું હતું. ઇન્દ્ર પણ લાચાર બની ગયા હતાં. ઈન્દ્રની પીછેહઠ થવાથી તે દુઃખી હતાં અને કહેલું કે હવે દાનવો સામે યુદ્ધમાં જીતવું મુશ્કેલ છે ત્યારે ઇન્દ્રાણીએ કહ્યું કે વીર રાજાને પીછેહઠ શોભે નહીં એમ કહી ‘રક્ષા’ બાંધી. દાનવોને હરાવી ઇન્દ્ર ફરી શ્રેષ્ઠ દેવ બન્યા. ‘રક્ષા’ બાંધતી વખતે ઇન્દ્રાણીએ કહ્યું કે આ ‘રક્ષા’ તમારું રક્ષણ કરશે અને જીત અપાવશે આમ રાખડીનું મહત્વ પણ સમજાવ્યું.મહાભારતમાં કુંતી એ અર્જુન પુત્ર અભિમન્યુને અમર રક્ષા બાંધીને કીર્તી વધારી હતી. જ્યારે મહાભારતમાં શિશુપાલવધમાં સુદર્શન ચક્રને લીધે શ્રીકૃષ્ણ ભગવાનની આંગળી કપાઈ જાય છે ત્યારે દ્રૌપદી તરત જ પોતાની સાડીનાં છેડાથી પાટો બાંધી દે છે. કહેવાય છે કે આ દિવસે પણ શ્રાવણી પૂનમનો પાવન દિવસ જ હતો.

ભગવાન નારાયણ જ્યારે બલિરાજાને ત્યાં દ્વારપાલ બન્યા ત્યારે લક્ષ્મીજીએ નારાયણને છોડાવવાં ‘બલિ’નાં કાંડે રક્ષા બાંધી ભગવાનને છોડાવ્યા હતા. બલીરાજાને લક્ષ્મીજીએ રક્ષા બાંધી એ બલીરાજાનાં જીવનનો ધન્ય પ્રસંગ હતો. રાખડીનાં આ તાંતણાએ ઇતિહાસમાં સમર્પણ અને બલિદાનની ભાવનાને પણ ઉજાગર કરી છે. મોગલયુગમાં પોતાના રક્ષણ માટે ચિત્તોડનાં રાણી કર્માવતીએ હુમાયુને રાખડી બાંધી હતી. આ રાખડીમાં રક્ષા કરવાની માંગ હતી. સંકટનાં સમયે બહેન કર્માવતીની રક્ષા માટે તે ચિત્તોડ આવી પહોંચ્યો હતો અને બહાદુર સાથે યુદ્ધ કરીને તેની બહેન કર્માવતીની અને મેવાડની રક્ષા કરી હતી. બીજી એક કથા સિકંદર સાથે જોડાયેલી છે. સિકંદરની પત્નીએ તેના પતિનાં હિન્દુ શત્રુ પુરુવાસને રાખડી બાંધી અને તેના પતિને ન મારવાનું વચન લીધું હતું.

પુરુવાસે પણ રણભૂમિમાં બહેને બાંધેલ રક્ષાસૂત્રનું સન્માન કરતાં સિકંદરને જીવતદાન આપ્યું હતું. આવા તો અનેક કિસ્સાઓ છે.બ્રાહ્મણો પણ આ દિવસે પોતાના ૠષિગુરૂ પાસે રાખડી બંધાવે છે. જ્ઞાતિનાં ગોર પોતાના યજમાનને રક્ષા બંધન કરે છે. શ્રાવણી પૂર્ણિમાએ જનોઈ બદલવાની પણ પ્રથા છે જે એક ૠષિ પરંપરા છે. જનોઈએ માનવને નમ્ર બનવાનો પાઠ શીખવે છે. જનોઈ એ પણ એક રક્ષાનું ભાવાત્મક પ્રતિક જ છે. જનોઈ અંગેના નિયમો જે બ્રાહ્મણ પાળે છે તેની ભગવાન રક્ષા કરે જ છે. જનોઈમાં ‘ભગવાન આપણી પડખે છે તે અખંડ રક્ષા કરતો રહેશે’ તેવો ઊંડો ભાવ છે. જનોઈ એ નવ તંતુઓને ત્રણ-ત્રણમાં ગુંથીને બનાવવામાં આવ્યા છે. તેને ‘ત્રિસૂત્રી’ કહેવામાં આવે છે.

આ પણ વાંચો..Raksha bandhan 2022: આદિવાસી સહિત તમામ જ્ઞાતિ ની બહેનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્રમોદી ને રક્ષાપોટલી બાંધવામાં આવી, વાંચો…

આ સૂત્રો ૠગ્વેદ, યજુર્વેદ અને સામવેદનાં પ્રતિક સમાન છે. આપણા ધર્મગ્રંથોનાં પાના ઉથલાવીયે તો એમ લાગે કે મહાભારતનાં કાળથી આ શ્રાવણી પૂર્ણિમાનો દિવસ ‘રક્ષાબંધન’નાં પર્વ તરીકે ઉજવાતો આવ્યો હશે.ભાઈ બહેનની પવિત્ર પ્રીતીનો અવસર એટલે રક્ષાબંધન. બહેનને હંમેશા ભાઈ વ્હાલો હોય છે. આ દિવસે સુતરનાં ધાગાથી ભાઈનું હેમક્ષેમ ઇચ્છે છે. નાનકડી રક્ષામાં તેના હૃદયની ભાવના છે. ભાઈને સુખી બનાવવાનાં અરમાન છે. ભાઈ બહેનનો પ્રેમ નિઃસ્વાર્થ છે. તેમાં ત્યાગની ભાવના વઘુ છે. સ્ત્રી, પૂજાય, તો જ સંસ્કૃતિનું રક્ષણ થાય છે. દેવો રમે છે એટલે કે‌ દેવો પણ આશીર્વાદ આપે છે. રક્ષાબંધન એ સ્ત્રીનાં સન્માનનું પર્વ છે. ભારતીય સ્ત્રીનો મહિમા અપાર છે.

ભારતીય સંસ્કૃતિમાં ત્યાં સુધી દર્શન છે કે (Importance of Rakshabandhan) પોતાની સ્ત્રી સિવાયની બધી જ સ્ત્રીઓ પોતાની બહેન છે. કેવી અદભુત ભારતીય સંસ્કૃતિ છે..!!રક્ષાબંધનનો તહેવાર ભાઈએ બહેનને આપેલું રક્ષાનું અમર વચન છે. ભાઈ કહે છે કે મારી વ્હાલી બ્હેન ! તે મને આજે રક્ષાબાંધી છે હું જીવનભર ગમે તે ભોગે તારૂં રક્ષણ કરીશ. ભાઇનાં જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતીક રક્ષાબંધન પર્વ છે. મારી દૃષ્ટિએ જો મને તક મળે તો હું પહેલી રાખડી આપણા સૈન્યનાં દરેક જવાનને મોકલું જે સમગ્ર દેશની રક્ષા કાજે પોતાના જીવનાં જોખમે વગર કોઈની રાખડીની અપેક્ષા એ તમામ ભારતવાસીઓનું આજીવન રક્ષા કરવાનું પ્રણ લઈને બેઠા છે. એમના પરિવારમાં આવતી મુશ્કેલીઓ કે એમના વાર તહેવારો કે એમની સુખદ પળો કે એમના પરિવારજનો સર્વસ્વ બાજુ પર મૂકી જીવ હથેળીમાં રાખી ફક્ત પોતાના દેશપ્રેમ ખાતર એક પળનો પણ વિચાર કર્યા વગર પ્રાણની આહુતિ આપનાર એ દરેક જવાન ભાઈઓને સાચા હૃદયથી નમન.

આપણા દેશનાં જવાનો આવા કોઈ પણ તહેવાર ઉજવવા ઘરે પણ નથી જઈ શકતા કે એમની હાથો પર એમની બહેને મોકલાવેલી રાખડી બાંધનાર પણ કદાચ કોઈ નહિ હોય ત્યારે એ દરેક જવાન ભાઈ માટે એટલા જ અંતરમનથી એમના લાંબા આયુષ્યની પ્રાર્થના કરીયે જેટલી આપણે આપણા પોતાના ભાઈ માટે કરીયે છીએ.મનુષ્ય જન્મે ત્યારથી તેને કોઇને કોઇ પ્રકારનો ભય તો રહેતો જ હોય છે, અને જ્યાં ભય હોય ત્યાં રક્ષા સ્વયંભૂ પ્રગટ થતી હોય છે. રક્ષાની ભાવના પ્રબળ અને તીવ્ર હોય છે. આ રક્ષણ એટલે અંતરની આશિષનું રક્ષણ, હેતભરી શુભ ભાવનાનું રક્ષણ, અદ્રશ્ય પરમાત્મા અને દેવ-દેવીઓને ગદગદ ભાવે કરેલી પ્રાર્થનાનું રક્ષણ.હિંદુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાનાં દિવસે બધી જ બહેનો પોતાના ભાઇનાં કાંડે રાખડી બાંધી તેની સર્વ પ્રકારની રક્ષા ઇચ્છે છે.

શું રાખડી બાંધીને કોઇની રક્ષા ખરેખર થઈ શકે? મહત્વ રક્ષાબંધનનું નથી, મહત્વ છે અંતરનાં જે અમી ઘૂંટીને રાખડી બાંધતી વખતે આશીર્વાદ આપે તેનું છે. આજનાં યુગમાં આવો ભવ્ય ભાવનાનો તહેવાર માત્ર નિર્જીવ વ્યવહાર ન બની રહે એનું ધ્યાન રાખીયે. આપેલી અને લીધેલી ચીજો કે પૈસા એ ગૌણ વસ્તુ છે એનું મહત્વ નથી પણ ભાઇ-બહેન વચ્ચે સ્નેહમાં અભિવૃદ્ધિ થાય એ વધુ મહત્વનું છે.રાખડી એ માત્ર સૂતરનો તંતુ નથી, એ તો શીલ અને સ્નેહનું રક્ષણ કરતું તેમજ જીવનમાં સંયમની મહત્તા સમજાવતું એક પવિત્ર બંધન છે. ભાઇનાં હાથે રાખડી બાંધીને બહેન માત્ર પોતાનું જ રક્ષણ ઇચ્છે છે એટલું જ નહિ, પરંતુ સમસ્ત સ્ત્રી સમાજને પોતાના ભાઇનું રક્ષણ મળે એવી ભવ્ય ભાવના અને અપેક્ષા રાખે છે. આપ સહુને આ પવિત્ર દિવસ રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!- વૈભવી જોશી

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *