Makarsankranti Part-2: બીજા મણકામાં ઉત્તરાયણ ને મકરસંક્રાંતિ સાથે જોડાયેલા ધાર્મિક તત્ત્વો વિશે આજે જાણીશું

Makarsankranti Part-2: આ તહેવાર પર સૂર્ય દેવ પોતાના પુત્ર શનિને મળવા માટે આવે છે. શનિ એ મકર રાશિનાં સ્વામી છે. મકરસંક્રાંતિ પર સૂર્ય શનિની સાધના અને એનાથી સંબંધિત દાન કરવાથી બધા જ શનિનાં દોષ દૂર થાય છે એવી માન્યતા છે.

Makarsankranti Part-2; Vaibhavi Joshi

Makarsankranti Part-2: (વિશેષ નોંધ : ઉત્તરાયણની લેખમાળાનો આ બીજો મણકો છે. પહેલાં મણકામાં આપણે ઉત્તરાયણ ને મકરસંક્રાંતિ સાથે જોડાયેલા ખગોળીય પાસાની વાત કરી હવે બીજા મણકામાં આ ઉત્સવ સાથે જોડાયેલા ધાર્મિક તત્ત્વો વિશે જાણીશું.) અગાઉનાં લેખમાં ઉત્તરાયણ કે મકરસંક્રાંતિ સાથે જોડાયેલા ખગોળીય પાસાઓની મેં વાત કરી. એ પણ જાણ્યું કે મોટા ભાગે આ દિવસો મા ધરતીનો ઋણ સ્વીકાર કરી આભાર માનવાનો ઉત્સવ છે. હવે આજે વાત કરવી છે ઉત્તરાયણ કે મકરસંક્રાંતિ સાથે જોડાયેલા ધાર્મિક તત્ત્વની. આપણા દરેક વાર તહેવારની જેમ આ તહેવાર સાથે પણ ઘણી બધી માન્યતાઓ અને કથાઓ જોડાયેલી છે. તો આજે થોડું એમાં પણ ઊંડા ઊતરીએ. સૌથી પહેલાં વાત કરીયે તો મકરસંક્રાંતિની તિથિએ દિવસ અને રાત બંને બરાબર હોય છે. આપણા ધર્મગ્રંથો અનુસાર સૂર્યનાં દક્ષિણાયન થતાં ૬ માસ દેવતાઓની રાત્રિ અને સૂર્યનાં ઉત્તરાયણ થતાં ૬ માસ દેવતાઓનાં દિવસ ગણાય છે. એ સિવાય પણ જો હું વાત કરું તો પ્રાચીનકાળથી સૂર્યઉપાસનાનું ખુબ મહત્ત્વ રહેલું છે. વિશ્વનાં સૌથી પ્રાચીન ગ્રંથ ગણાતા ઋગ્વેદમાં સૂર્ય માટે ‘પતંગ’ શબ્દ વપરાયો છે. (શક્ય છે હું કદાચ ખોટી પણ હોઉં પણ આવું કઈંક વાંચ્યાનું મને યાદ છે.)

એક એવી પણ માન્યતા છે કે આ તહેવાર પર સૂર્ય દેવ પોતાના પુત્ર શનિને મળવા માટે આવે છે. શનિ એ મકર રાશિનાં સ્વામી છે. મકરસંક્રાંતિ પર સૂર્ય શનિની સાધના અને એનાથી સંબંધિત દાન કરવાથી બધા જ શનિનાં દોષ દૂર થાય છે એવી માન્યતા છે. સૂર્ય અને શનિનો સંબંધ આ તહેવાર સાથે હોવાને કારણે ખૂબ મહત્વપૂર્ણ મનાય છે. આર્યો સૂર્યતત્ત્વની પ્રાચીન કાળથી ઉપાસના કરતા હતાં. સુર્ય ઉપાસનાની એક એ વિશેષતા પણ જાણવા જેવી છે. આ એક એવા દેવ છે કે જેની પૂજા-અર્ચના ૨,૦૦૦ વર્ષ પહેલાની હર એક સંસ્કૃતિઓ કરતી હતી. ભારત અને જ્યાં-જ્યાં તેમની સંસ્કૃતિ પ્રસરી હતી તે વિસ્તારોમાં, જેવા કે નેપાળ, તિબેટ, ચીન, લંકા, મ્યાનમાર, ઈન્ડોનેશીયા, મલેશિયા, થાઈલેન્ડ જેવા દેશોમાં તો સુર્ય-દેવ અનેક નામોથી પૂજાતા. અતિ આધુનિક સમયમાં નિસર્ગમાં ભગવાન જોનારાઓને મુર્ખા ઠેરવીને નૈસર્ગિક સંપત્તીની બેફામ લુંટ ચલાવી છે. હવે જ્યારે હાથનાં કર્યા હૈયે વાગે છે અને “ક્લાઈમેટ-ચેંજ”, “ઓઝોન-હોલ”, “ગ્લોબલ-વોર્મીંગ”, “પોલ્યુશન” વગેરેથી મૃત્યુઘંટનો નાદ બહુ પાસેથી સંભળાવા લાગ્યો છે ત્યારે “ઈકોલોજીકલ-બેલેન્સ”ની ડાહી-ડાહી વાતો કરે છે. પણ હું એમ કહું કે ખરેખર ડાહ્યા કોણ? આધુનિકો કે સુર્ય ઉપાસકો? ખેર આ અલગથી ચર્ચાનો વિષય બની શકે માટે હું મૂળ મુદ્દા પર પછી આવું.

તો આપણા સૂર્યનારાયણનું મહત્વ સમજ્યા પછી હવે વાત કરીયે બીજા એક નૈસર્ગીક તત્ત્વની અને એ છે આપણી અતિ પૂજનીય નદી ગંગા. એક પૌરાણિક માન્યતા અનુસાર, ગંગાજી રાજા ભગીરથનાં અથાગ પ્રયાસથી જ્યેષ્ઠ શુક્લ દશમીનાં દિવસે પૃથ્વી પર અવતરીત થઈ સગર વંશનાં ૬૦,૦૦૦ પિતૃઓનો મોક્ષ કરી ગંગાસાગરમાં વિલીન થયાં ત્યારથી મકરસંક્રાંતિનાં પર્વે ગંગાસાગરમાં સ્નાનનો વિશેષ મહિમા છે. આમ તો જો હું ગંગાજીનું ધરતી પર અવતરણ લખવા બેસું તો એક આખો અલગથી લેખ લખી શકાય કેમ કે મહાભારત અનુસાર કથા થોડી અલગ છે તો વળી શિવપુરાણ મુજબ કથામાં થોડાં અલગ વળાંકો છે પણ એના વિશે વિસ્તારથી ફરી ક્યારેક લખીશ. પણ આજે ટૂંકમાં કહું તો રાજા ભગીરથનાં પૂર્વજોને શ્રાપ મળ્યો હતો. જેના કારણે તેમણે ગંગાને ધરતી પર લાવવા માટે ઘોર તપ કર્યું હતું. તેની તપસ્યાથી પ્રસન્ન થઈને માતા ગંગાએ દર્શન આપ્યા. રાજા ભગીરથે કીધું કે તમે મૃત્યુલોક ચાલો. તો ગંગાજી એ કહ્યું કે જે સમયે હું પૃથ્વી પર પડું, તે સમયે મારા વેગને કોઈ સંભાળવા માટે હોવું જોઈએ. આવું ન થાય તો હું પૃથ્વીને ફાડીને રસાતળમાં ચાલી જઈશ. (જાણ ખાતર : વિષ્ણુપુરાણ અનુસાર સાત પ્રકારનાં પાતાળલોક હોય છે અને રસાતળ એટલે સાત પાતાળમાંનું એક.)

ત્યારબાદ ભગીરથે ભગવાન શિવની તપસ્યા કરી. ભગવાન શિવજી પ્રસન્ન થઈને ગંગાજીને તેમની જટામાં રોકવા માટે તૈયાર થઈ જાય છે. એવો પણ ઉલ્લેખ છે કે ગંગાજીને એમના વેગનું ખૂબ અભિમાન હતું અને માટે જ શિવજીએ કેટલાંય સમય સુધી એમને પોતાની જટાઓમાં અટવાવી દીધેલા જ્યાં સુધી એમનું અભિમાન નહોતુ ઓગળ્યું.

Planning: તમારા રોજિંદા જીવનમાં પ્લાનિંગનું કેટલુ મહત્વ; અહી જાણો…

Makarsankranti: ઉત્તરાયણ કે મકરસંક્રાતિ એટલે પતંગોત્સવ નહિ પણ એ સિવાય બીજું ઘણું બધું…

ત્યારબાદ શિવજી ગંગાજીને પોતાની જટાઓમાં રોકીને બિંદુસર તરફ છોડે છે. એ સાત ધારાઓમાં પ્રવાહિત થાય છે અને અંતે ભગીરથ એમને પાતાળમાં લઈ જાય છે જ્યાં પિતૃઓની ભસ્મને ગંગાજળથી સિંચિત કરી તેમને શ્રાપમુક્ત કરે છે અને આ રીતે ગંગાનાં જળથી ભગીરથ તેમના પૂર્વજોને મુક્તિ અપાવવામાં સફળ થાય છે. કદાચ એટલા માટે જ અતિ મુશ્કેલ કાર્ય પૂર્ણ કરવા માટે આ શબ્દ ‘ભગીરથ પ્રયાસ’ પ્રચલિત બન્યો હશે.

શાસ્ત્રો અનુસાર મકરસંક્રાંતિનાં દિવસે જ ભગવાન વિષ્ણુનાં અંગુઠાથી નીકળેલી દેવી ગંગાજી ભગિરથની પાછળ-પાછળ ચાલીને કપિલ મુનિનાં આશ્રમ થઈને સાગરને મળી હતી અને ભગીરથનાં પૂર્વજો મહારાજ સગરનાં પુત્રોને મુક્તિ આપી હતી. એટલે એ દિવસે બંગાળમાં ગંગાસાગર તીર્થમાં કપિલ મુનિનાં આશ્રમ પર એક વિશાળ મેળો ભરાય છે. આ જ કારણસર મકરસંક્રાંતિનાં દિવસે ગંગાસાગરમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે.

અને અંતમાં મહાભારતનાં એક બહુચર્ચિત પાત્રનો ઉલ્લેખ કર્યા વગર આજનો લેખ અધુરો જ કહેવાય અને એ છે ગંગાપુત્ર ભીષ્મ જે ભીષ્મ પિતામહ તરીકે પણ જાણીતા છે. તેઓ આજીવન અવિવાહિત રહેશે અને ક્યારેય પણ હસ્તિનાપુરનાં સિંહાસન પર બિરાજશે નહિ તેવુ વચન તેમણે તેમની સાવકી માતા સત્યવતીનાં પિતાને આપ્યું હતું. એમની આ પ્રતિજ્ઞાને કારણે આજે પણ ‘ભીષ્મ પ્રતિજ્ઞા’ શબ્દ ખૂબ જ પ્રચલિત છે. આ જ કારણે મહારાજ શાંતનું એ ભીષ્મને ઇચ્છામૃત્યુનું વરદાન આપ્યું હતું. તે મુજબ જ્યાં સુધી તેઓ હસ્તિનાપુરનાં સિંહાસનને સુરક્ષિત હાથોમાં સોંપશે નહિ, ત્યાં સુધી તેઓ મૃત્યુનું આલિંગન નહિ કરે.

એટલે એક મહત્વનું કારણ આ પણ હતું કે જ્યાં સુધી તેઓ હસ્તિનાપુરને સુરક્ષિત હાથોમાં ન સોંપે ત્યાં સુધી તેઓ દેહત્યાગ કરી શકે નહિ. અને માટે જ પાંડવોનો વિજય ન થાય ત્યાં સુધી તેમનું આખું શરીર ચારણીની જેમ વિંધાઈ ગયા પછી પણ તેમણે પ્રાણ ન ત્યાગતા બાણશૈય્યા પર દિવસો કાઢવા પડ્યાં.

બીજું એક કારણ એ પણ હતું કે માન્યતા અનુસાર જો મૃત્યુ દક્ષિણાયનમાં થાય તો મૃત્યુ પછી નરકની પ્રાપ્તિ થાય અને તેઓ સ્વર્ગમાં જવાની ઈચ્છા રાખતા હતાં. તેમને પિતા શાંતનું પાસેથી ઈચ્છામૃત્યુનું વરદાન મળ્યું હતું. તેથી તેમણે અનેક પીડાઓ સહન કરીને પણ ઉત્તરાયણ થવાની રાહ જોઈ અને એ દિવસે શરીરનો ત્યાગ કર્યો. એમની આ યાતના ભોગવવાનું કારણ અને એમનો શ્રીકૃષ્ણ સાથેનો આ વિષય પરનો સંવાદ પણ ખુબ રસપ્રદ છે જે એમના પૂર્વજન્મ સાથે જોડાયેલો છે પણ એ વાત ફરી ક્યારેક વિસ્તારથી કરીશ.

ભગવાન શ્રી કૃષ્ણએ પણ ઉત્તરાયણનું મહત્વ જણાવતા ગીતાનાં આઠમાં અધ્યાયમાં કહ્યું છે કે ઉત્તરાયણનાં ૬ માસનાં શુભ કાળમાં જ્યારે ભગવાન ભાસ્કર દેવ ઉત્તરાયણ થાય છે તો પૃથ્વી પ્રકાશમય રહે છે અને આ પ્રકાશમાં શરીરનો પરિત્યાગ કરવાથી વ્યક્તિનો પુનર્જન્મ નથી થતો અને આવા લોકો બ્રહ્મને મેળવે છે. એનાથી વિપરીત સૂર્યનાં દક્ષિણાયન થવાથી પૃથ્વી અંધકારમય હોય છે અને આ અંધકારમાં શરીરનો ત્યાગ કરવાથી પુનઃ જન્મ લેવો પડે છે. મકરસંક્રાંતિનાં દિવસે યજ્ઞમાં આપેલા દ્રવ્યને ગ્રહણ કરવા માટે દેવતા ધરતી પર અવતરિત થાય છે તેમજ એ જ માર્ગે પુણ્યાત્મા શરીર છોડીને સ્વર્ગ લોકમાં પ્રવેશ કરે છે એવી પણ માન્યતા છે.

પદ્મપુરાણ અનુસાર ઉત્તરાયણ કે દક્ષિણાયન શરૂ થવાનાં દિવસે જે પુણ્ય કર્મ કરવામાં આવે છે એ અક્ષય હોય છે. મકરસંક્રાંતિનાં દિવસે સૂર્યોદય પહેલાં સ્નાન કરવું જોઈએ. એવું કરવાથી દસ હજાર ગૌદાનનું ફળ પ્રાપ્ત થાય છે. આ સમયે કરેલું તર્પણ, દાન અને દેવ પૂજન અક્ષય હોય છે. એ દિવસે ઉનનાં કપડાં, ધાબળા, તલ અને ગોળમાંથી બનેલી વાનગીઓ કે ખીચડી દાન કરવાથી સૂર્યનારાયણ તેમજ શનિની કૃપા પ્રાપ્ત થાય છે.

શ્રી તુલસીદાસજીએ રામચરિતમાનસમાં લખ્યું છે કે “માઘ માસમાં જ્યારે સૂર્ય મકર રાશિમાં આવે છે ત્યારે બધા લોકો તીર્થોનાં રાજા પ્રયાગ પાવન સંગમ તટ પર આવે છે. દેવતા, દૈત્ય, કિન્નર અને મનુષ્યોનાં સમૂહ બધા આદરપૂર્વક ત્રિવેણીમાં સ્નાન કરે છે.”

તો આમ મકરસંક્રાંતિનાં પર્વ સાથે આપણા અનેક ધાર્મિક તત્ત્વો પણ જોડાયેલા છે અને એ સાથે જ શુભ સમયની શરૂઆત રૂપે પણ આ પર્વ ઉજવવામાં આવે છે. અલગ-અલગ સંસ્કૃતિઓમાં આ ઉજવણી અલગ-અલગ રીતે કરવામાં આવે છે. ઉત્તર ભારતમાં આ દિવસ દાનનો તથા યમુના, ગંગા અને સરસ્વતીનાં સંગમ એવા પ્રયાગરાજ તથા અન્ય તીર્થોમાં સ્નાન કરવાનો મહિમા છે. એ સિવાય અડદ, ચોખા, સોના, કપડાં અને અન્ય ચીજોનું દાન એ પણ ઉજવણીનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

હું માનું છું ત્યાં સુધી મારાં આ બંન્ને લેખ જેમણે વાંચ્યા હશે એમને એટલું તો સમજાઈ જ ગયું હશે કે ઉત્તરાયણ કે મકરસંક્રાતિ એટલે પતંગોત્સવ તો નહિ જ. પણ છતાંય પતંગપ્રેમીઓ માટે પહેલાં મણકામાં કહ્યું તું એમ છેલ્લાં મણકામાં પતંગનો રસપ્રદ ઈતિહાસ સાંકળવાનો પ્રયત્ન ચોક્કસ કરીશ.

તો મળીયે કાલે પર્યાવરણીય પાસાઓ અને પ્રકૃતિને આવરી લેતાં ત્રીજા મણકા સાથે. ત્યાં સુધી આ ઉત્સવની તૈયારીઓની સાથે-સાથે ભોળાં અને નિર્દોષ પક્ષીઓનું ધ્યાન કેમ રાખશો એ વિશે વિચાર અવશ્ય કરજો. – વૈભવી જોશી (એક ઉત્સવપ્રેમી ગુજરાતીની સાથોસાથ જીવદયાપ્રેમી પણ 🙂)

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *