Samudra manthan: સમુદ્રમંથન વખતે ક્ષીર સાગરમાંથી આસો વદ અમાસનાં દિવસે મા લક્ષ્મી પ્રગટ થયા હોવાનું મનાય છે

પૌરાણિક માન્યતાઓ અનુસાર દેવો અને દાનવોએ કરેલા સમુદ્ર મંથનમાં(Samudra manthan) ૧૪ રત્નો ઉત્પન્ન થયાં હતાં. એ હતાં હળાહળ ઝેર, કામઘેનુ ગાય, ઉચ્ચૈશ્રવા નામનો ઘોડો, ઐરાવત, કૌસ્તુભમણી, કલ્પવૃક્ષ, અપ્સરાઓ, લક્ષ્મીદેવી, અર્ધચન્દ્ર, હાલા નામની સૂરા, ધનુષ્ય, શંખ અને છેલ્લે અમૃત કળશ ધારણ કરેલા ભગવાન ધન્વંતરિ. સમુદ્રમંથન વખતે ક્ષીર સાગરમાંથી આસો વદ અમાસનાં દિવસે મા લક્ષ્મી પ્રગટ થયા હોવાનું મનાય છે.

માતા વરલક્ષ્મીને મહાલક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં દેવી મહાલક્ષ્મીની પૂજા કરવા માટે આ દુર્લભ એવા વરલક્ષ્મી વ્રતનો પણ ઉલ્લેખ છે. વર એટલે કે ‘વરદાન’ અને લક્ષ્મી એટલે ‘ધન-વૈભવ’. વરલક્ષ્મી વ્રત કરનારા વ્યકિતનાં આખા કુટુંબને ધન, વૈભવ, ઐશ્વર્ય, સુખ અને સમૃધ્ધિની પ્રાપ્તિ થાય છે તેવી માન્યતા છે.

વરલક્ષ્મી વ્રત શ્રાવણ માસની પૂનમ એટલે કે રક્ષાબંધનથી ઠીક પહેલા આવનારા શુક્રવારે કરવામાં આવે છે. આ વર્ષે આ વ્રત આજે એટલે કે ૨૫ ઓગસ્ટે કરવામાં આવી રહ્યુ છે. આ વ્રત આંધ્ર પ્રદેશ, તૈલંગાણા, કર્ણાટક, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા ખૂબ મોટા પાયે કરવામાં આવે છે.

devi

આ વ્રતની પાછળ પણ એક રસપ્રદ પૌરાણિક કથા જોડાયેલી છે. મગધ દેશમાં કુંડી નામનું શહેર હતું. ચારુમતી નામની સ્ત્રી આ શહેરમાં રહેતી હતી. ચારૂમતી માતા લક્ષ્મીની પરમ ભક્ત હતી. તે દર શુક્રવારે દેવી લક્ષ્મી માટે ઉપવાસ કરતી હતી અને દર શુક્રવારે ઉપવાસ રાખતી હતી. એક વાર દેવી લક્ષ્મી ચારુમતીનાં સ્વપ્નમાં આવ્યા અને તેમને કહ્યું કે શ્રાવણ મહિનાની પૂર્ણિમા પહેલાં શુક્રવારે વરલક્ષ્મીનું વ્રત કરો.

માતાની આજ્ઞાનું પાલન કરીને ચારુમતીએ આ ઉપવાસ પદ્ધતિસર રાખ્યા અને નિયમો અનુસાર દેવી લક્ષ્મીની પૂજા કરી. ચારુમતીની પૂજા પૂર્ણ થતાં જ એનું ઘર ધન ધાન્યથી ભરાઈ ગયું હતું. ચારુમતીને સમૃદ્ધ જોઈને શહેરની બાકીની મહિલાઓએ પણ આ વ્રત રાખવાનું શરૂ કર્યું અને માં લક્ષ્મીની કૃપા એમના પર પણ થઈ. ત્યારથી આ વ્રતને વરલક્ષ્મી વ્રત તરીકે ઓળખવામાં આવે છે.

માન્યતા છે કે, વરલક્ષ્મી વ્રત કરવાથી અષ્ટલક્ષ્મીની પૂજા સમાન ફળ મળે છે. વરલક્ષ્મી વ્રત કરનારી સ્ત્રીઓ અને પુરુષો આ દિવસે ઉપવાસ કરે છે. દિવાળીમાં જે રીતે લક્ષ્મીની પૂજા થાય છે તે જ રીતે આ પૂજા પણ કરવામાં આવે છે. એક કળશ સજાવી તેના પર શ્વેત રંગની રેશમી સાડીનો શણગાર કરવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે.

દેવી લક્ષ્મીનાં શાસ્ત્રોનુંસાર કુલ આઠ રૂપ છે. વરલક્ષ્મી વ્રત કરવાથી આ આઠ પ્રકારની સિધ્ધિઓ એકસાથે પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે. તો મને થયું આજે વરલક્ષ્મી વ્રત નિમિત્તે મહાલક્ષ્મીનાં આઠેય રૂપો વિશે થોડું અછડતું જાણવાનો પ્રયાસ કરીયે.

આદી લક્ષ્મી: આદી લક્ષ્મીને મહા લક્ષ્મીનાં નામે પણ ઓળખાય છે, લક્ષ્મીજીનાં આ સ્વરૂપને ભૃગુ ઋષિનાં દીકરી અને પ્રભુ શ્રી વિષ્ણુનાં પત્ની માનવામાં આવે છે. આદી લક્ષ્મીને શાંતિ અને ખુશીનું સ્વરૂપ ગણવામાં આવે છે. શાંતિ સ્વરૂપે ધન જે લોકોને જોઈએ છે તે લોકો આદી લક્ષ્મીની આરાધના કરે છે.

ધન લક્ષ્મી: મોટાં ભાગનાં લોકો લક્ષ્મીનાં જે સ્વરૂપને જાણે છે તે સ્વરૂપ એટલે ધન લક્ષ્મી, લક્ષ્મીજીનું આ સ્વરૂપ ધનની સાથે સાથે આંતરીક શક્તિ, પ્રતિભા, ગુણનાં પર્યાય પણ ગણવામાં આવે છે. આ લક્ષ્મી દરેક સ્વરૂપે ધનની વૃદ્ધિ કરતાં દેવી છે. ધન પ્રાપ્તિ માટે ધન લક્ષ્મી દેવીની પૂજા સૌથી પહેલી કરવામાં આવે છે.

ધાન્ય લક્ષ્મી: પૈસા, મિલકત, સોનુ, ચાંદી, હિરા, ઝવેરાતને જેમ આપણે અત્યારનાં સમયમાં ધન ગણીએ છીએ. તેમ ધાન્ય મતલબ કે ખોરાકને પણ સંપત્તિનું જ એક સ્વરૂપ ગણવામાં આવતું. સજીવ વ્યક્તિનાં જીવનમાં ખોરાકનું વિશેષ મહત્ત્વ રહેલું છે. તેથી લોકો ધન લક્ષ્મીની સાથે ધાન્ય લક્ષ્મીની પણ પૂજા કરતાં. ખાસ કરીને ખેડૂત વર્ગ ધાન્ય લક્ષ્મીની અવશ્ય પૂજા કરે છે. પોતાના ખેતરમાં સારો પાક આવે અને ખેતર ધાન્યથી ભરપૂર થઇ જાય તે માટે ખેડૂતો ખેતરે જ ધાન્ય લક્ષ્મીની પૂજા કરતા હોય છે.

ગજ લક્ષ્મી: લક્ષ્મીજી સાથે જોડાયેલી એક માન્યતા અનુસાર દેવી લક્ષ્મી સમુદ્રમંથનમાંથી પ્રગટ્યાં હતાં, તેથી તેમને સમુદ્રની દીકરી ગણવામાં આવે છે. તેથી તેમના આ સ્વરૂપમાં તેમની આજુબાજુ બે હાથીને દર્શાવવામાં આવ્યા છે, જે સતત લક્ષ્મીજી ઉપર પાણીનો વરસાદ વરસાવે છે.

આ પણ વાંચો:-Festival in Shravan: શ્રાવણ માસ જ એવો છે કે જેમાં અનેક તહેવારોની હારમાળા જોવા મળે છે: વૈભવી જોશી

સંતાન લક્ષ્મી: સંતાન લક્ષ્મીનું આ સ્વરૂપ પરિવારને આગળ વધારવા માટેનું સ્વરૂપ છે. પોતાના પરિવારને આગળ વધારવા માંગતી મહિલાઓ સંતાન લક્ષ્મીની આરાધના કરે છે.

વીર લક્ષ્મી: લક્ષ્મીજીનું આ સ્વરૂપ એ બહાદુરીનું પ્રતીક છે. હિંમત, બહાદુરી, શક્તિ, વીરતા પ્રાપ્ત કરવાનાં લક્ષણ, તાકાત, યુદ્ધમાં ગમે તેટલાં આકરા દુશ્મનોને પણ માત આપવાની વીરતાને વીર લક્ષ્મીનું સ્વરૂપ સૂચવે છે. વર્ષો પહેલાં જ્યારે આપણાં દેશમાં રાજ-રજવાડાનું રાજ હતું ત્યારે તેઓ દર વર્ષે વીર લક્ષ્મીની પૂજા કરતાં. વીર લક્ષ્મીની આરાધના કરી શસ્ત્રોની પૂજા પણ કરતા. હાલના સમયમાં વીર લક્ષ્મીની પૂજા જીવનમાં આવતી દુશ્મનરૂપી મુશ્કેલીઓને માત આપવાની હિંમત મનુષ્યમાં આવે તે માટે કરવામાં આવે છે.

વિદ્યા / ઐશ્વર્ય લક્ષ્મી: શાસ્ત્રોમાં કહેવાયું છે કે માણસ માત્રનું સાચું ધન એટલે વિદ્યા, માણસ પાસે વિદ્યા હશે તો તે જીવનમાં દરેક રીતે આગળ વધી શકશે, તે કેમેય કરીને પોતાના આ ધન થકી બીજા તમામ ધન પ્રાપ્ત કરી શકશે, તેથી વિદ્યાની દેવી સરસ્વતિ તો છે જ પણ વિદ્યાને આપણા શાસ્ત્રોમાં ધન ગણવામાં આવ્યું હોવાથી લક્ષ્મીજીનું સાતમું સ્વરૂપ વિદ્યા લક્ષ્મી કે ઐશ્વર્ય લક્ષ્મી માનવામાં આવ્યાં છે.

વિજયા લક્ષ્મી: વિજયા મતલબ વિજય, દેવી લક્ષ્મીનું વિજયા લક્ષ્મી સ્વરૂપ એ જીવનનાં તમામ તબક્કે માણસનો વિજય સૂચવે છે. જીવનનાં દરેક તબક્કે તમે જે પણ કાર્ય હાથમાં ધરો છો. તે કાર્યમાં સફળતાનું પ્રતિક વિજયા લક્ષ્મી છે. સામાજિક તેમજ પારિવારિક જીવનનાં સંઘર્ષમાં પણ લક્ષ્મીનું આ સ્વરૂપ વિજય પ્રાપ્ત કરાવે છે.

મા લક્ષ્મીનાં તમામ સ્વરૂપો આપ સહુ પર એમની કૃપા હંમેશા વરસાવતાં રહે એવી આજનાં વરલક્ષ્મી વ્રત નિમિત્તે અઢળક શુભેચ્છાઓ..!!

વૈભવી જોશી
Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *