VDR Fruit tree 4

ખેતરના શેઢે ઉછેરેલા પોમેલો વૃક્ષો ભાડું ચૂકવે છે

ભાડુઆત વૃક્ષો!!

VDR Fruit tree

ભાડુઆત વૃક્ષો!!સાવલી તાલુકાના વાંકાનેરના ખેડૂત ધર્મેશ પટેલ કહે છે કે ખેતરના શેઢે ઉછેરેલા પોમેલો વૃક્ષો એમને ભાડું ચૂકવે છે

ખેતરના શેઢે ઉછરેલા વૃક્ષો ઊગવા માટે મળેલી જમીનનું ભાડું ઉછેરનાર ખેડૂતને ચૂકવે એવું બને ખરું…!!?..

સાવલી તાલુકા નો ભાદરવા વાંકાનેર વિસ્તાર ગૌ આધારિત કુદરતી ખેતીની પાઠશાળા બનતો જાય છે

અહેવાલ: સુરેશ મિશ્રા, વડોદરા

સાવલી તાલુકાના વાંકાનેરના અને ગાય આધારિત ખેતીને,કુદરતી સત્વશીલ ખેતીને વરેલા ખેડૂત ધર્મેશ પટેલ કહે છે એમણે ખેતર શેઢાની નકામી પડી રહેતી જમીનમાં વિટામિનો થી સમૃદ્ધ પોમેલો ફળના સાત વૃક્ષો વાવ્યા છે જે તેમને નિયમિત ભાડું ચૂકવે છે.ગૂગલ જણાવે છે કે દેશી ભાષામાં આ ફળ ચકોતરું નામે ઓળખાય છે અને અંગ્રેજી માં તેને ગ્રેપ ફ્રૂટ તરીકે ઓળખ મળેલી છે.

VDR Fruit tree 2

ગુજરાતના વર્તમાન રાજ્યપાલ શ્રીમાન આચાર્ય દેવવ્રત ગાય આધારિત ખેતીનું અનુસરણ કરનારા અને હિમાયતી છે.રાજ્ય સરકારે ગાય આધારિત ખેતી માટે ગૌ પાલન ને પ્રોત્સાહિત કરતી યોજના અમલમાં મૂકી છે જેના થી સાવલી તાલુકાના ભાદરવા અને વાંકાનેર વિસ્તારના ધર્મેશભાઈ પટેલ સહિત 15 જેટલા મિત્રોનો ઉત્સાહ ખૂબ વધ્યો છે.તેઓ ગાય આધારિત ખેતીના વિવિધ પ્રયોગો કરી રહ્યાં છે અને જાણે કે તેમણે આ વિસ્તારને ગાય આધારિત કુદરતી ખેતીની પાઠશાળા બનાવવાનો સંકલ્પ કર્યો છે.

આ તો થઈ આડવાત.મુખ્ય વાત ધર્મેશભાઈ એ ખેતરના શેઢે ઉછેરેલા પૉમેલો ફળના સાત વૃક્ષો એમના માટે ભાડુઆત કેવી રીતે બની ગયા એ છે.બેંગ્લોર થી આવેલા કોઈ મહેમાન એમના ઘેર પોમેલો ફળ લાવ્યા હતા.ગણેશ ઉત્સવ ચાલી રહ્યો હોવાથી મોટા કદની મોસંબી જેવા અને લીંબુ કુળની આ વનસ્પતિના ફળનો તેમણે ગણપતિ દાદાને ભોગ ધર્યો અને આ ફળમાં થી મળેલા બીજમાં થી એમણે ખેતર શેઢા ની અને બિન ઉપયોગી પડી રહેતી જમીનમાં 7 પોમેલો વૃક્ષો ઉછેર્યા.આજે ઘટાટોપ ઉગી નીકળેલા આ વિરાટ વૃક્ષો લગભગ ચોમાસાની શરૂઆત થી શિયાળા સુધી મહાકાય કહી શકાય એવા ફળ આપે છે.

હાલમાં કોરોના સંકટ ચાલી રહ્યું છે અને જેની કોઈ દવા કે રસી હજુ શોધાઈ નથી તેવા આ રોગનો એકમાત્ર ઈલાજ શરીર ની રોગ પ્રતિકારક શક્તિ વધારીને તેનાથી મુક્ત રહેવાનો છે એવું દૃઢપણે મનાય છે.ત્યારે આ ફળ ઇમ્યુનિટી વધારનારું હોવાથી એની સારી એવી માંગ છે તેવું ખેડૂતનું કહેવું છે. તેઓ કહે છે મોસમમાં એક વૃક્ષ સરેરાશ 250 જેટલા પોમેલો ફળ આપે છે જેના વેચાણ થી એમને વૃક્ષ દીઠ વાર્ષિક 15 હજાર થી વધુ આવક થાય છે.તેના ઉછેર થી બિન ઉપયોગી પડી રહેતી જમીન નો આવક આપતો વપરાશ શક્ય બન્યો છે અને ખેતરનો લુક વધુ હરિયાળો બન્યો છે.તેમના કહેવા મુજબ છેક અમદાવાદ થી લોકો આ ફળ લઈ જાય છે,ઘેર બેઠાં વેચાણ થાય છે.

આ વૃક્ષના ફળને તમે નારિયેળ જેવડું લીંબુ કે મોસંબી ગણાવી શકો.ખૂબ જાડી દળદાર છાલ વચ્ચે દડા જેવી રસભર પેશીઓ આ ફળની ખાસિયત છે.એના ફળ અને છાલના વિવિધ ઔષધીય ઉપયોગો છે. ધર્મેશભાઈ ના મિત્રોએ ભેટ રૂપે મળેલા આ ફળમાં થી તેમના ખેતરોમાં પ્રયોગ રૂપે આ વૃક્ષો ઉછેર્યા છે. ધર્મેશભાઈ કહે છે કે ખેતરના શેઢા પાળા ની જમીન બિન વપરાશી પડી રહે છે ત્યારે આ ફળની વૃક્ષ ખેતી કરવા જેવી છે.તેનાથી વધારાની આવક થાય છે અને આ ફળના સેવન થી પરિવારની તંદુરસ્તી ની કાળજી લઈ શકાય છે.

VDR Fruit tree 4

તાજેતરમાં સાવલી ખાતે એક કૃષિ કાર્યક્રમમાં તેમણે ઉછેરેલા આ વૃક્ષના ફળની ટોપલી આપીને મહેમાન ગૃહ મંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારે સહુના મનમાં આ ફળ અંગે કુતૂહલ જાગ્યું હતું.આ ફળના ઉછેરને ઘણાં લોકોએ ખર્ચ વગરની ખેતી ગણાવી છે. કદમાં કદાચ ફૂટબોલનો મુકાબલો કરે એવું આ ફળ કાચું હોય ત્યારે લીલું કે આછો પીળો રંગ ધરાવે છે જે પાકવાની સાથે વધુ પીળાશ પકડે છે.

ધર્મેશભાઈ અને દશરથસિંહ,જયદીપભાઈ જેવા તેમના મિત્રોએ છેક વડતાલ જઈને પ્રાકૃતિક ખેતીના હિમાયતી સુભાષ પાલેકરજી ની શિબિરમાં ગાય આધારિત સાત્વિક ખેતીની તાલીમ લીધી હતી અને આ સહુ મિત્રો આજે સમર્પિત થઈને તેમની ખેતીમાં ગાયના છાણ,મૂત્રનો વિવિધ રીતે ઉપયોગ કરી રહ્યાં છે.રસાયણો થી શક્ય તેટલા ખેતરો ને મુક્ત રાખવા અને શુદ્ધ ખેતી કરવી એ એમનું ધ્યેય છે.

ધર્મેશભાઈ ગાય પાળે છે અને એમના ખેતરમાં ગાયના મૂત્ર અને ગાયના દૂધમાં થી બનાવેલી ખાટી છાશ ના પિપડા ભરેલા પડ્યા છે.તેઓ કહે છે કે મોંઘા યુરિયાનો સસ્તો વિકલ્પ આ ખાટી છાસ અને ગૌ મૂત્રમાં થી બનાવેલું જીવામૃત છે.તેઓ એટલે સુધી દાવો કરે છે કે ગ્લોબલ વોર્મિંગ ને લોકલ લેવલે ટાળવાનો ઉત્તમ ઉપાય ગાય આધારિત ખેતી બની શકે છે.

ભારતના ,ગુજરાતના ખેડૂતો હંમેશા પ્રયોગશીલ રહ્યાં છે.તેમના પ્રયોગો મોટેભાગે દેશ અને રાજ્ય માટે,ખેતી અને ખેડૂતો માટે લાભપ્રદ અને દિશા સૂચવનાર બની રહ્યાં છે. તેવા સમયે ધર્મેશભાઈ અને તેમના સાથી ખેડૂતોની ગાય આધારિત ખેતીના પ્રયોગોની અન્ય ખેડૂતો પરખ કરે,થોડી જમીનમાં એનો પ્રયોગ કરી જુવે એ લાભકારક બની શકે એવું લાગે છે.
( ધર્મેશ પટેલ,વાંકાનેર 9428582582)

banner still guj7364930615183874293.