VDR Teacher sanman 4

સરકારી શાળાઓને આદર્શ શાળા બનાવવાનું લક્ષ્ય શિક્ષકો રાખે: યોગેશભાઈ પટેલ

  • શિક્ષણની ગુણવત્તા અને વાતાવરણની રીતે સરકારી શાળાઓને આદર્શ શાળા બનાવવાનું લક્ષ્ય શિક્ષકો રાખે
  • વિદ્યાર્થીઓને માત્ર ભણાવે નહિ એમનામાં બહારના વિશ્વને સમજવાની કુશળતા કેળવ:રાજ્યમંત્રી યોગેશભાઈ પટેલ
  • જિલ્લા અને તાલુકા કક્ષાના ૧૨ શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરીને રાધાકૃષ્ણન જયંતીની સાર્થક ઉજવણી કરવામાં આવી
  • મંત્રીશ્રીના અનુરોધને વધાવી લેતા બીઆરજી ગ્રુપ નિ: શુલ્ક સંસ્કૃત શિક્ષણના વર્ગો શરૂ કરશે

૦૫ સપ્ટેમ્બર,વડોદરા:રાધાકૃષ્ણન જયંતિ શિક્ષક દિવસને અનુલક્ષીને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા બિઆરજી ગ્રુપના યજમાન સૌજન્ય હેઠળ ઊર્મિ સ્કુલ ખાતે રાખવામાં આવેલા કાર્યક્રમમાં નર્મદા વિકાસ રાજ્ય મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી કિરણ ઝવેરી સહિત મહાનુભાવોના હસ્તે જિલ્લા કક્ષાના ચાર અને તાલુકા કક્ષાના આઠ મળી ફુલ ૧૨ શિક્ષકોનું ભાવસભર સન્માન અભિવાદન કરવાની સાથે શિક્ષણને વધુ સાર્થક બનાવતી એમની પ્રેરક પહેલોને બિરદાવવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીના અનુરોધને માન આપીને બીઆરજી ગ્રુપના મોભી શ્રી બકુલેશભાઈ ગુપ્તાએ વિનામૂલ્યે સંસ્કૃત શિક્ષણના વર્ગો તેમની શાળામાં શરૂ કરવાની તત્પરતા જાહેર કરી હતી.

જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી એક શિક્ષકો અને અધિકારીઓનું એક ગ્રુપ બનાવે અને શ્રેષ્ઠ ગણાતી ખાનગી શાળાઓનું નિરીક્ષણ કરી સરકારી શાળાઓને મોડેલ શાળા બનાવવાનું આયોજન કરે એવો અનુરોધ કરતાં નર્મદા વિકાસ મંત્રીએ જણાવ્યું કે, શિક્ષકો શિક્ષણની ગુણવત્તા અને વાતાવરણની રીતે સરકારી શાળાઓને શ્રેષ્ઠ શાળા બનાવવાનું આયોજન કરે જેથી આ શાળાઓમાં બાળકોને ભણાવવાનું આકર્ષણ વાલી સમુદાયમાં વધે. તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓને માત્ર ભણાવવાથી કામ પૂરું થઈ જતું નથી, શિક્ષકો એમને બહારના જગતનો પરિચય કરાવે અને એને ઓળખવાની કુશળતા એમનામાં ખીલવે. તેમણે શાળાની શાખ વધે અને નામના કેળવાય એ લક્ષ્ય સાથે શિક્ષકોને કામ કરવા અનુરોધ કર્યો અને કહ્યું કે, કોઈ વિદ્યાર્થી ગેરહાજર રહેતો હોય તો એની ગેરહાજરીનું કારણ જાણી એના નિવારણના પ્રયત્નો શિક્ષકો કરે. તેમણે બીઆરજી ગ્રુપની શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સમાજલક્ષી પ્રવૃત્તિઓ અને કોરોના યોદ્ધાઓનું સન્માન જેવા સૌજન્યોની પ્રશંસા કરી હતી.

માતા બાળકને કેળવણી આપવાની શરૂઆત કરે છે અને શિક્ષક એ કેળવણીને ટોચ સુધી લઈ જાય છે એવી લાગણી વ્યક્ત કરતાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી કિરણ ઝવેરીએ જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિમાં શિક્ષકને દેવ સમાન ગણવામાં આવ્યા છે. સ્વ.પૂર્વ રાષ્ટ્રપતિ ડો. રાધાકૃષ્ણનને આદર અંજલિ આપતાં જણાવ્યું કે, એમણે ભારતીય શિક્ષણને નવી દિશા આપી. તેમણે તાજેતરના કોરોના સંકટ અને ચૂંટણીઓ સહિત સમાજ હિતના તમામ કામોમાં શિક્ષકોના યોગદાનને બિરદાવ્યું હતું.

જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક ને રૂ.૧૫ હજારનો ચેક, પ્રશસ્તિ પત્ર અને શાલ તથા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક ને રૂ.૫ હજારનો ચેક, પ્રશસ્તિ પત્ર અને શાલ અર્પણ કરવામાં આવ્યા હતા. શ્રેષ્ઠ શિક્ષકો પૈકી રોહન ત્રિવેદીએ બાંસુરી વાદન દ્વારા સરસ્વતી વંદના કરી હતી. શાળામાં શાકવાડીના ઉછેરનો અભિનવ પ્રયોગ કરનાર શ્રી નરેન્દ્ર ચૌહાણ સહિત પ્રાથમિક માધ્યમિક શિક્ષકોનો સન્માનિતોમાં સમાવેશ થતો હતો. યાદ રહે કે, વડોદરા જિલ્લાના એક શિક્ષક રાષ્ટ્રીય સ્તરે અને બે શિક્ષકો રાજયસ્તરે શ્રેષ્ઠ શિક્ષક તરીકે આજે સન્માનિત થયા છે.

banner city280304799187766299

કાર્યકારી જિલ્લા શિક્ષણાધિકારી શિવાંગી શાસ્ત્રીએ સહુને આવકાર્યા હતા. બીઆરજી ગ્રુપના મોભી શ્રી બકુલેશ ગુપ્તા, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષણવિદ ડો.નિખિલ દેસાઈ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.