Karuna Abhiyan

Karuna Abhiyan: ઘાયલ પક્ષીઓની સારવાર માટે કરૂણા અભિયાન તૈયાર

Karuna Abhiyan: રાજ્યભરમાં ૧૦મી જાન્યુઆરીથી ર૦મી જાન્યુઆરી- ર૦ર૪ સુધી ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતા બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવારનું અનોખું અભિયાન કરૂણા અભિયાન

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણા અને માર્ગદર્શનમાં ‘જીવો-જીવવાદો-જીવાડો’નો જીવદયા અભિગમ સાકાર થશે
  • પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો ૮૩૨૦૦૦૨૦૦૦ નંબર પર વોટ્સઅપ અને વેબસાઇટ દ્વારા મેળવી શકાશે

ગાંધીનગર, 13 જાન્યુઆરીઃ Karuna Abhiyan: આગામી ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગની દોરીથી કોઇ અબોલ પક્ષી-પશુ ઘાયલ ન થાય તેની પૂરતી સતર્કતા સાથે ૧૦મી જાન્યુઆરીથી ર૦મી જાન્યુઆરી-ર૦ર૪ દરમ્યાન રાજ્યવ્યાપી કરૂણા અભિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણા અને દિશા-દર્શનમાં યોજાશે.

આ અભિયાનના દિવસો દરમ્યાન સમગ્ર રાજ્યમાં દરરોજ સવારે ૭ થી સાંજે ૬ કલાક સુધી તમામ તાલુકાઓમાં વન વિભાગ દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવશે. જીવો, જીવવાદો અને જીવાડો’’ની જીવદયા ભાવના સાથે મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં વન વિભાગે આ વર્ષે ઉત્તરાયણ પર્વ દરમ્યાન ઘાયલ થતાં પક્ષીઓની ત્વરિત સારવાર વ્યવસ્થા માટે વોટ્સએપ નંબર તથા વેબસાઇટ પણ કાર્યરત કર્યા છે.

તદ્દઅનુસાર, વોટ્સએપ ૮૩૨૦૦૦૨૦૦૦ ઉપર મેસેજ કે મિસ કોલ કરો ત્યારબાદ એક લિંક પ્રાપ્ત થશે અને એ વેબસાઇટ ઉપર કલીક કરવાથી જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો મળી શકશે. એટલું જ નહીં વનવિભાગના હેલ્પ લાઇન નંબર ૧૯૨૬ તેમજ પશુપાલન વિભાગના હેલ્પ લાઇન નંબર ૧૯૬૨ ઉપર ઘાયલ પક્ષીઓની સારવાર માટે મદદ લઇ શકાશે.

આગામી ઉત્તરાયણ દરમ્યાન જો કોઇ પક્ષી ઘાયલ થાય તો તેની સારવાર માટે રાજ્યભરમાં આ વર્ષે ૯૦૦થી વધુ પક્ષી નિદાન સારવાર કેન્દ્રો, ૭૦૦થી વધારે વેટરનિટી તબીબો તેમજ ૭૭૦૦થી વધુ સેવાભાવી સ્વયંસેવકો સેવારત રહેવાના છે.

ઉત્તરાયણ જેવા તહેવારો અને લોકોત્સવોની ઉજવણી દરમ્યાન અબોલ જીવોની ચિંતા કરી તેની સારવાર-માવજતનું આ કરૂણા અભિયાન ગુજરાતની આગવી પહેલ બન્યું છે. ગયા વર્ષે કુલ ૧૩,૦૦૮ પક્ષીને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

બોક્સ મેટર- ઉત્તરાયણ પર્વ દરમ્યાન નિર્દોષ પશુ-પંખીઓના જીવ ના હણાય અને તેઓની કાળજી લેવા વન વિભાગ તરફથી કરવામાં આવી નમ્ર અપીલ

  • ચાઇનીઝ અને સિન્થેટિક દોરીનું વેચાણ, સંગ્રહ કે ઉપયોગ ટાળવો.
  • પતંગ ઉત્તરાયણના દિવસે જ સવારના ૯:૦૦ કલાક થી સાંજના ૫:૦૦ કલાક દરમ્યાન ચગાવીએ.
  • વૃક્ષો, ઇલેકટ્રીક અને ટેલીફોન લાઇનની ઉપર લટકતા પક્ષીઓને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં ન મૂકીએ.
  • ઘાયલ પક્ષી ઉપર પાણી ન રેડીએ. તેમજ તેની ઉપર દોરી વીંટળાઇ ગઇ હોય તો એને ખેંચીને દૂર કરવાનો પ્રયત્ન ન કરીએ. જરૂર પડે દોરીને કાતરથી કાપીને દૂર કરીએ.
  • ઘાયલ પક્ષી જોવા મળે તો નજીકના પક્ષી બચાવો કેન્દ્રનો સંપર્ક કરીએ તથા વન વિભાગની હેલ્પ લાઇન નંબરને જાણ કરીએ.
  • જો પક્ષીને લોહી નીકળતું હોય તો તેવા સંજોગોમાં એના ઘા ઉપર હળવેથી રૂ મુકી લોહી નીકળતું બંધ કરીએ અને શાંતિથી અને ખલેલ કર્યા વગર નજીકના સારવાર કેન્દ્ર ખાતે લઇ જઇએ.
  • તાત્કાલિક નિકટના પ્રાથમિક સારવાર કેન્દ્ર અથવા ઓપરેશન થિએટરે લઇ જવું કરૂણા અભિયાનમાં જોડાવો અને નિર્દોષ પક્ષીઓને બચાવો.
  • તાલીમ પામેલા સ્વયંસેવકોએ જ પક્ષી બચાવવાની કામગીરી કરવી જોઇએ.
  • દોરીના ગુંચડા જ્યાં ત્યાં ફેંકશો નહીં અને જ્યાં ત્યાં લટકતા દેખાય તો તેનો યોગ્ય નિકાલ કરીએ.
  • ઉત્તરાયણના દિવસે તુક્કલ ન ચઢાવીએ તથા ફટાકડા ફોડવાનું ટાળીએ.
  • “સૌ સાથે મળી અબોલ જીવોને ઘાયલ થતા બચાવીએ”

આ પણ વાંચો… CM Bhupendra Patel Visited Wildlife Care Center: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના બોડકદેવમાં આવેલા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો