Kumkum Mandir Akshaya tritiya

Kumkum Mandir Akshaya tritiya: કુમકુમ મંદિર ખાતે અખાત્રીજે ભગવાનને ચંદનના વાઘાનાં શણગાર ધરારવવામાં આવ્યાં

Kumkum Mandir Akshaya tritiya: ભગવાનને ગરમીમાંથી રાહત મળે ઠંડી પ્રાપ્ત થાય માટે ભગવાનને ઝીણાં વસ્ત્રો ધરાવવામાં આવે છે અને ભગવાનની આગળ એરકંડીશન મૂકવામાં આવે છે

અમદાવાદ, 22 એપ્રિલઃ Kumkum Mandir Akshaya tritiya: આજે રર એપ્રિલ (શનિવાર) ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર- કુમકુમ-મણિનગર ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરાગત અનુસાર વૈશાખ માસની ગરમીમાં ભગવાનને ઠંડક મળે તેવા હેતુથી શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર સજવામાં આવ્યા હતા.

અખાત્રીજથી ચંદનના વાઘા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધરાવવામાં આવે છે તે અંગે શ્રી સ્વામિનારાયણ મંદિર- કુમકુમ- મણિનગરના સાધુ પ્રેમવત્સલદાસએ જણાવ્યું હતું કે, શ્રી સ્વામ્નારાયણ ભગવાને પોતે સ્વયં વચનામૃત ગ્રંથના છેલ્લા પ્રકરણના ૨૩માં વચનામૃતમાં કહ્યું છે કે, ઋતુ અનુસાર ભગવાનની સેવા ચાકરી કરવી જોઈએ.

શિયાળો, ઊનાળો અને ચોમાસુ એ ત્રણ ઋતુ અનુસાર ભગવાનને શણગાર સજવા અને થાળ આદિ ધરાવી ભગવાનની પરિચર્યા કરવી. તે પ્રમાણે જ્યારે શિયાળો આવે છે ત્યારે ભગવાનને ગરમ વસ્ત્રો ધરાવવામાં આવે છે અને હીટર મૂકવામાં આવે છે. તેવી રીતે જ્યારે ઊનાળો આવે છે ત્યારે ભગવાનને ગરમીમાંથી રાહત મળે ઠંડી પ્રાપ્ત થાય માટે ભગવાનને ઝીણાં વસ્ત્રો ધરાવવામાં આવે છે અને ભગવાનની આગળ એરકંડીશન મૂકવામાં આવે છે. પરંતુ વૈશાખ માસની અસહ્ય ગરમીમાં ભગવાનને ઠંડક પ્રાપ્ત થાય માટે ભગવાનને ચંદનનાં વાઘાનાં શણગાર સજવામાં આવે છે.

વૈશાખ સુદ-ત્રીજ એટલે અખાત્રીજ જેને અક્ષયતૃતીયા કહેવાય છે. તે અંગે માહિતી આપતા શ્રી સ્વામિનારાયણ મંદિર- કુમકુમ-મણિનગર- સાધુ પ્રેમવત્સલદાસએ જણાવ્યું હતું કે, વૈશાખ સુદ- ત્રીજ ને અક્ષયતૃતીયા કહેવામાં આવે છે. આ દિવસે અક્ષત્‌ કહેતાં ચોખાથી ભગવાનનું-પૂજન કરવામાં આવે છે.

  • મહાભારતનું યુદ્ધ આ દિવસે પુર્ણ થયું હતું…
  • દ્વાપરયુગનું સમાપન આ દિવસે થયું હતું.
  • વૈષ્ણવધર્મમાં વૃંદાવનમાં બાંકે બિહારીના દર્શન આજ દિવસે થાય છે.
  • નાથદ્વારામાં શ્રીનાથજી પ્રભુનું સ્વરુપ વલ્લભાચાર્યજીએ ગિરીરાજ પર આજ દિવસે પધરાવ્યું હતું.
  • સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં ચંદનના વાઘા ધરાવાનો પ્રારંભ કરવામાં આવે છે.
  • જગન્નાથપુરી અને અમદાવાદમાં રથયાત્રા જે યોજાય છે તેના રથોના નિર્માણનું કાર્ય આ જ દિવસે પ્રારંભ થાય છે.
  • આ દિવસ વણજોયા મુહુર્તનો કહેવાય છે. શુભકાર્યો વગર મુહુર્તે કરવામાં આવે છે.આ દિવસે વર્ષ દરમ્યાન સૌથી વધુ લગ્નો થાય છે.
  • આ દિવસે સોના-ચાંદીની ખરીદી પણ પુષ્કળ પ્રમાણમાં થાય છે.

આ પણ વાંચો… Surat Swachhta Abhiyan: ‘સ્વચ્છતા અભિયાન’માં સહભાગી બન્યા સાંસદ સી.આર.પાટીલ અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લભાઇ પાનશેરિયા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો