Ntural farming CM Meeting

Ntural farming CM Meeting: રાજ્યપાલ અને CMએ રાજ્યના તમામ 33 જિલ્લાના કલેક્ટર-જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજી

• જિલ્લા કલેક્ટર દર મહિનાના પ્રથમ અઠવાડિયામાં એક દિવસે એક કલાકની બેઠક માત્ર પ્રાકૃતિક ખેતીની સમીક્ષા પ્રગતિની ચર્ચા માટે ગોઠવે
• દેશી ગાય ધરાવતા અથવા દેશી ગાયના પાલનપોષણ માટે સહાય મેળવતા ખેડૂતોનો સંપર્ક કરી પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરિત કરીએ- ગૌશાળા-પાંજરાપોળને જીવામૃત-ઘન જીવામૃત તૈયાર કરી ખેડૂતોને આપવા પ્રોત્સાહિત કરીએ.
• જિલ્લા કક્ષાએ પ્રાકૃતિક કૃષિ માર્ગદર્શન સંમેલનો યોજી વધુને વધુ ખેડૂતોને તાલીમબદ્ધ કરીએ
• જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોની સાફલ્યગાથાને અન્ય ખેડૂતો સુધી પહોંચાડીને પ્રેરણા પૂરી પાડીએ
• પ્રત્યેક જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે વ્યવસ્થા તંત્ર ગોઠવવામાં આવે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ:-
– આપણી આખી પેઢી અને આવનારી પેઢીના સ્વાસ્થ્ય-જમીનના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી ઉપકારક માધ્યમ બની શકે

– જિલ્લા અધિકારીઓ ટીમ વર્કથી પ્રાકૃતિક ખેતીની મુહિમ દ્વારા વડાપ્રધાનનો સૌનો સાથે, સૌનો વિકાસ મંત્ર સાકાર કરે

ગાંધીનગર, 06 મેઃ Ntural farming CM Meeting: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ગુજરાતની પાવન ધરાને રાસાયણિક કૃષિના ઝેરથી મુક્ત કરી પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાતને દેશનો રોલમોડેલ બનાવવા વહીવટી તંત્રના સૌ અધિકારીઓ સંકલ્પબદ્ધ બને

આ કોન્ફરન્સમાં રાજ્યના તમામ જિલ્લાના ખેતીવાડી અધિકારી, જિલ્લા પશુપાલન અધિકારી સહિત સંબંધિત અધિકારીઓ પણ જોડાયા હતા. રાજ્યપાલએ આ વર્ચ્યુઅલ બેઠકમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના પરિણામલક્ષી પ્રયાસો અને ખેડૂતોના પુરુષાર્થથી પ્રાકૃતિક કૃષિનું જનઅભિયાન ગ્રામીણ સ્તર સુધી પહોંચ્યું છે, ત્યારે જિલ્લા પ્રશાસનના સહયોગથી ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે દેશભરને પ્રેરણા પૂરી પાડી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રાકૃતિક કૃષિના જનઅભિયાનને રાષ્ટ્રવ્યાપી બનાવવાના સંકલ્પને સાકાર કરી શકાશે.
રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિના મિશનને રાજ્યવ્યાપી બનાવવા રાજ્ય સરકાર દ્વારા થઈ રહેલા ઘનિષ્ઠ પ્રયાસો બદલ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યા હતા.


તેમણે જણાવ્યું હતું કે, રાસાયણિક કૃષિને કારણે જળ, જમીન અને પર્યાવરણ દૂષિત થાય છે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યામાં ૨૪ ટકા હિસ્સો રાસાયણિક કૃષિનો છે. રસાયણોથી દૂષિત આહાર આરોગવાથી લોકો અસાધ્ય રોગનો ભોગ બની રહ્યા છે. કેન્દ્ર સરકાર રાસાયણિક ખાતરો પાછળની સબસિડીને કારણે ૧,૬૦,૦૦૦ કરોડનો આર્થિક બોજ ઊઠાવે છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના બેફામ ઉપયોગથી જમીનનો ઓર્ગેનિક કાર્બન દિન પ્રતિદિન ઘટતો જાય છે અને જમીન બંજર બની રહી છે. કૃષિ ખર્ચ સતત વધતો જાય છે અને ઉત્પાદન ઘટતું જાય છે, સરવાળે ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળે છે.

રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિને રાસાયણિક કૃષિના મજબૂત વિકલ્પ તરીકે ગણાવી ઉમેર્યું હતું કે પ્રાકૃતિક કૃષિમાં ખર્ચ નહીવત આવે છે. જળ, જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે. દેશી ગાયનું જતન સંવર્ધન થાય છે. અને પાણીનો વપરાશ ૫૦ ટકા સુધી ઘટાડી શકાય છે.
પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોની દિન પ્રતિદિન માગ વધતી જાય છે અને સરવાળે ખેડૂતોને આર્થિક ફાયદો થાય છે. તેમણે જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિથી જમીનની ફળદ્રુપતા વધે છે. અને ઉત્પાદન ઘટતું નથી.

આ પણ વાંચોઃ Harsh sanghvi meets grishma’s family: ફેનિલને ફાંસની સજા થતાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગ્રીષ્માના પરિવારને સાંત્વના આપી- વાંચો વિગત
રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિને લોકોની સ્વાસ્થ્ય રક્ષા માટેનું ઈશ્વરીય કાર્ય ગણાવી, ઉપસ્થિત જિલ્લા કલેક્ટરઓ અને જિલ્લા વિકાસ અધિકારીઓ તેમ જ સંબંધિત અધિકારીઓને રાજ્યના પ્રાકૃતિક કૃષિ જનઅભિયાનમાં પૂર્ણ મનોભાવથી સહયોગી બનવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પ્રત્યેક જિલ્લામાં દેશી ગાય ધરાવતા અથવા દેશી ગાયના પાલનપોષણ માટે પ્રતિમાસ રૂપિયા ૯૦૦ની સહાય મેળવતા ખેડૂતોનો સંપર્ક કરી તેઓ પ્રાકૃતિક કૃષિ કરે છે કે નહીં તેની માહિતી મેળવવામાં આવે અને યોગ્ય માર્ગદર્શન દ્વારા તેમને પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરિત કરવામાં આવે.


રાજ્યપાલએ વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે જિલ્લામાં ખેડૂત સંમેલનો યોજવા અનુરોધ કર્યો હતો. તેમણે પ્રત્યેક જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ જનઅભિયાનની પ્રગતિ માટે પ્રતિ માસ સંબંધિત અધિકારીઓની સમીક્ષા બેઠક યોજવા પણ માર્ગદર્શન આપ્યું હતું.
રાજ્યપાલએ રાજ્યની ગૌશાળા અને પાંજરાપોળમાં જીવામૃત-ઘન જીવામૃત તૈયાર કરી જરૂરતમંદ ખેડૂતોને પહોંચાડવા માટે પ્રોત્સાહિત કરવા પ્રાકૃતિક કૃષિ કરનારા પ્રગતિશીલ ખેડૂતોની સાફલ્યગાથા અન્ય ખેડૂતો સુધી પહોંચાડી પ્રેરણા પૂરી પાડવા અને પ્રત્યેક જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે વ્યવસ્થા ઊભી કરવા જિલ્લાના અધિકારીઓને અનુરોધ કર્યો હતો.


રાજ્યપાલએ આ તકે ઉમેર્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવ સંદર્ભે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રત્યેક ગામમાંથી ૭૫ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તેવો અનુરોધ કર્યો છે, ત્યારે ગુજરાતના પ્રત્યેક ગામમાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે પ્રેરિત થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. જિલ્લા વહીવટી તંત્રના શ્રેષ્ઠ પુરુષાર્થ દ્વારા ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે દેશભરમાં ઉદાહરણરૂપ કાર્ય કરશે તેવો દૃઢ વિશ્વાસ પણ રાજ્યપાલએ વ્યક્ત કર્યો હતો.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રાકૃતિક ખેતી સંવાદમાં જોડાયેલા સૌ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીઓ અને ખેતીવાડી, પશુપાલન અધિકારીઓને ટીમ વર્કથી કાર્યરત રહેવા આહવાન કર્યું હતું. તેમણે કહ્યું કે આવા ટીમ વર્કથી પ્રધાનમંત્રીના સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રને સાકાર કરી પ્રાકૃતિક ખેતીથી સર્વગ્રાહી કૃષિ વિકાસ થઈ શકશે

મુખ્યમંત્રીએ શિક્ષણ સ્વાસ્થ્ય અને સુરક્ષા ત્રણ પાયા પર વિકાસની બુનિયાદ બુલંદ બની શકે તેની વિભાવના આપતા જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી-રસાયણમુક્ત ખેતીથી જમીનનું સ્વાસ્થ્ય અને આવી ખેતીના ઉત્પાદનોથી માનવીનું સ્વાસ્થ્ય સુધરી શકે તે નિશ્ચિત છે. તેમણે ઉમેર્યું કે આદરણીય વડાપ્રધાનના વિઝનરી નેતૃત્વમાં ગુજરાતે પ્રાકૃતિક ખેતીની જે મુહિમ ચલાવી છે તે ગ્લોબલ વોર્મિંગનો ઉપાય અને જમીન, જળ રક્ષણનું એક આગવું ઉદાહરણ છે.


આ સંદર્ભમાં ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે દેશ અને દુનિયા જે આજે વિચારે છે તે નરેન્દ્રભાઈ દીર્ઘદ્રષ્ટિથી આગોતરું વિચારી લે છે. એટલા માટે જ લોકો હવે નેચરલ ફાર્મિંગ માટે જાગ્રત થયા પરંતુ ગુજરાતે તો તેને જનઆંદોલન બનાવ્યું છે. તેમણે કહ્યું કે પ્રાકૃતિક ખેતીનું આ એવું મોટું કામ છે જે આખી પેઢી યાદ કરશે. અને આજની તથા આવતીકાલની પેઢીને આપણે સ્વાસ્થ્ય સુરક્ષાની મોટી ભેટ આપી શકીશું
આ પણ વાંચોઃ BJP leader Tajinder Bagga arrested: ભાજપ પ્રવક્તા તેજિંદર બગ્ગાની પંજાબ પોલીસે કરી ધરપકડ, વાંચો શું છે મામલો?

મુખ્યમંત્રીએ આવા કૃષિહિતકારી કાર્યોને લોકો સુધી પહોંચાડવાનો બેઈઝ આવા પરિસંવાદ બન્યા છે તેમ પણ સૌ જિલ્લા અધિકારીઓને પ્રેરણા આપતા જણાવ્યું હતું આ વિડિયો કોન્ફરન્સ પરિસંવાદના પ્રારંભે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને આદરણીય રાજ્યપાલના માર્ગદર્શનમાં સતત પ્રોત્સાહન મળી રહ્યું છે. અત્યાર સુધીમાં ૨,૪૪,૦૦૦ ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તેમ જ દેશી ગાયઆધારિત ખેતી માટે ૨૧૩ કરોડ રૂપિયા તથા ડાંગ જિલ્લા માટે ૩૧ કરોડ રૂપિયા સરકારે ફાળવ્યા છે. તેની વિગતો રાઘવજીભાઈ પટેલે આપી હતી.


મુખ્ય સચિવ પંકજ કુમારે રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ પ્રાકૃતિક ખેતીના વ્યાપ વધારવા જે આહવાન કર્યું છે, તેને સૌ જિલ્લા તંત્રવાહકો ઝીલી લેશે તેવી ખાતરી આપી હતી. કૃષિ સહકારના અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરીએ પરિસંવાદનો હેતુ સ્પષ્ટ કરી સૌને આવકાર્યા હતા.
આત્માના નિયામક બારોટ, નિયામક ફાલ્ગુનીબહેન, વગેરેએ પ્રાકૃતિક ખેતી, છાણ આધારિત ખાતર-બાયોગેસ અંગેના પ્રેઝન્ટેશન પ્રસ્તુત કર્યા હતા.


આ વિડિયો કોન્ફરન્સ પરિસંવાદ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાશનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, તથા કૃષિ પશુપાલનના વરીષ્ઠ અધિકારીઓ ગાંધીનગરથી જોડાયા હતા. ડાંગ-ભાવનગર વગેરે જિલ્લાના કલેક્ટરોએ પોતાના જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની ગતિ-પ્રગતિની વિસ્તૃત માહિતી આપી હતી.

આ પણ વાંચોઃ Kartik finally broke the silence: દોસ્તાના 2ને લઈ કરણ જોહર સાથેના વિવાદને લઇ, કાર્તિકે આખરે મૌન તોડ્યું- વાંચો શું કહ્યું?

Gujarati banner 01