anupam shayam

Anupam shyam: અનુપમ શ્યામે માત્ર 63 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું- વાંચો વિગત

Anupam shyam: ઠાકુર સજ્જનસિંહનું જાણીતું પાત્ર નિભાવતા એક્ટરનું ઓર્ગન ફેલ્યોરને કારણે નિધન

બોલિવુડ ડેસ્ક, 09 ઓગષ્ટઃ Anupam shyam: ફિલ્મ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના મશહૂર અભિનેતા અનુપમ શ્યામનું 63 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી કિડનીની બીમારી સામે લડી રહ્યા હતા. મુંબઈની લાઇફલાઇન હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. મન કી આવાઝ પ્રતિજ્ઞા સિરિયલમાં ઠાકુર સજ્જન સિંહનો રોલ ભજવી ઘરે ઘરે જાણીતા બન્યા હતા.

ફિલ્મ-નિર્માતા અશોક પંડિતે સોશિયલ મીડિયામાં તેમના નિધનની જાણકારી આપી હતી. તેમણે લખ્યું હતું કે ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીને મોટું નુકસાન થયું છે. દિગ્ગજ અભિનેતા શ્યામ (Anupam shyam)નું મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરને કારણે નિધન થયું છે.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે અનુપમ શ્યામને બીમારીને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમના ભાઈએ ખરાબ આર્થિક સ્થિતિને જાણકારી આપી લોકો પાસે મદદની અપીલ કરી હતી. સારવાર પછી તેમની હાલત સ્થિર થઈ હતી. ત્યાર બાદ તેઓ કામ પર પરત ફર્યા હતા. તેમને અઠવાડિયામાં ત્રણ વાર ડાયાલિસિસ માટે જવું પડતું હતું.

આ પણ વાંચોઃ Public V/s Government: મફત – માફામાફીનું તિકડમ : લે મફત – દે મફત

અનુપમ શ્યામનો જન્મ 20મી સપ્ટેમ્બર 1957માં ઉત્તરપ્રદેશના પ્રતાપગઢમાં થયો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ પ્રતાપગઢમાં જ થયું હતું. લખનઉના ભારતેન્દુ નાટ્ય અકાદમીમાંથી તેમણે થિયેટરનું શિક્ષણ લીધું હતું. ત્યાર બાદ તેમણે દિલ્હી સ્થિત શ્રીરામ સેન્ટર રંગમંડળમાં કામ કર્યું હતું. પછી તેઓ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં જોડાઈ ગયા હતા.

અનુપમ શ્યામને ફિલ્મોમાં મોટા ભાગે નેગેટિવ રોલ જ મળ્યા છે. તેમણે કેટલીક ઇન્ટરનેશનલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે, જેમાં ધ લિટલ બુદ્ધા અને ઓસ્કાર વિનિંગ ફિલ્મ સ્લમડોગ મિલેનિયર સામેલ છે. આ ફિલ્મમાં અનુપમે ભીખ માગવા બાળકોને આંધળા બનાવે એવું પાત્ર ભજવ્યું હતું. તેઓ શેખર કપૂરની ફિલ્મ બૈન્ડિટ ક્વીનનો પણ મહત્ત્વનો ભાગ રહ્યા હતા. આ સિવાય ધ વોરિયર અને થ્રેડ ફિલ્મોમાં પણ તેમણે કામ કર્યું હતું.

આ પણ વાંચોઃ 100 plastic surgeries: બાર્બી ડોલબનવાની ઇચ્છા પૂર્ણ કરવા 16 વર્ષની છોકરીએ 3 વર્ષમાં કરાવી 100થી વધુ પ્લાસ્ટિકસર્જરી

હિન્દી ફિલ્મોમાં શક્તિ, હલ્લાબોલ, રક્તચરિત, પરજાનિયા, દાસ કેપિટલ, પાન સિંહ તોમર, હજાર ચોરાસી કી મા, દુશ્મન, સત્યા, દિલ સે, કચ્ચે ધાગે, તક્ષક, બવંડર, નાયક, કસૂર, લગાન અને લજ્જા બહુચર્ચિત રહી હતી.

Whatsapp Join Banner Guj