Cyber crime

Cyber crime: સાયબર ક્રાઇમમાં ચિંતાજનક વધારો, પોર્ન વીડિયો મોકલનારે એને જોનારાના ચહેરા રેકોર્ડ કર્યા, છ માસમાં 414ને બ્લેકમેઇલ કર્યા- વાંચો વિગત

Cyber crime: છેલ્લા છ મહિનામાં સોશિયલ મીડિયાથી 414 લોકોને ફસાવી બ્લેકમેઇલ કરવામાં આવ્યાનું રાજકોટ પોલીસ દફતરે નોંધાયું

રાજકોટ, 30 જુલાઇઃ Cyber crime: સાયબર-ગઠિયાઓ દરરોજ હજારો લોકોને મેસેજ કે ફોન કરી પોતાની જાળમાં ફસાવે છે. ખરીદી, લોન કે સ્કીમના નામે આર્થિક છેતરપિંડી કરતા સાયબર-ગઠિયાઓએ છેલ્લા કેટલાક મહિનાઓથી મોબાઇલ યુઝર્સને યુવતીઓના નામે ફોન કરાવી તેને ફસાવી પોર્ન વીડિયો મોકલે છે અને યુઝર્સ એ જોવે ત્યારે તેને ઉશ્કેરીને પણ એવી અભદ્ર હરકત કરવા મજબૂર કરવામાં આવે છે, એ હરકતનું શૂટિંગ કરી એનો વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી પૈસા પડાવવાનો ખેલ શરૂ કરવામાં આવે છે.

રાજકોટમાં છેલ્લા છ મહિનામાં સોશિયલ મીડિયાથી 414 લોકોને ફસાવી બ્લેકમેઇલ કરવામાં આવ્યાનું રાજકોટ પોલીસ દફતરે નોંધાયું છે. મોબાઇલનો ઉપયોગ કરતા લોકોને યુવતીના નામે મેસેજ કે ફોન કરવામાં આવે છે, યુવતી સાથે વાતચીત કરવાની લાયમાં જો તે વ્યક્તિ દ્વારા તે નંબર પર ફોન કરવામાં આવે કે મેસેજ કરવામાં આવે તો એ સાથે જ વીડિયો-કોલ આવે છે.

આ પણ વાંચોઃ Tokyo Olympics update: બેડમિંટનમાં સિંધુ અને બોક્સિંગમાં સતીષ કુમાર ક્વાર્ટર ફાઈનલમાં, મેરી કોમ બહાર- વાંચો વિગત

વીડિયો-કોલ રિસીવ કરવાની સાથે જ પોર્ન વીડિયો દર્શાવવામાં આવે છે અને એ જોનારી વ્યક્તિનું રેકોર્ડિંગ કરી દેવામાં આવે છે અને તે વ્યક્તિને થોડી જ મિનિટોમાં તેનો પોર્ન વીડિયો જોતો વીડિયો મોકલી બ્લેકમેઇલ કરવામાં આવે છે. રાજકોટમાં છેલ્લા છ મહિનામાં 414 લોકોનું રેકોર્ડિંગ કરી બ્લેકમેઇલ કરાયા હતા, કેટલાક લોકોએ રૂ.10 હજારથી માંડી 1 લાખ સુધીની રકમ ગુમાવી છે તેમજ અમુક લોકોને પોલીસનું શરણું લેવું પડ્યું હતું.

શહેરમાં રહેતા એક વિધુર નિવૃત્ત શિક્ષકને કેટલાક દિવસ પૂર્વે એક વીડિયો-કોલ આવ્યો હતો. વીડિયો- કોલ કરનારી યુવતી ન્યૂડ થઇ ગઇ હતી અને નિવૃત્ત શિક્ષકને પણ ન્યૂડ થવા ઉશ્કેરવામાં આવ્યા હતા. નિવૃત્ત શિક્ષક ન્યૂડ થતાં તેમનો વીડિયો ઉતારી લીધો અને રૂપિયા માગ્યા હતા. પોતાનો ન્યૂડ વીડિયો વાઇરલ થશે તો બદનામી થશે એવી ચિંતામાં ગરક થઇ ગયેલા શિક્ષકે રૂ.10 હજાર ગઠિયાને તેણે કહેલા ખાતામાં જમા કરાવી દીધા હતા.

આ પણ વાંચોઃ Punjab-Hariyana HC: લગ્નનું વચન આપ્યા બાદ જો વિવાહિત મહિલાની સહમતિથી સંબંધ બન્યા હોય તો તેવામાં પુરૂષને સંપૂર્ણપણે દોષી નથી -વાંચો વિગત

શહેરના એક રાજકીય આગેવાનને પણ થોડા દિવસ પૂર્વે એક યુવતીએ વીડિયો-કોલ કર્યો હતો અને આગેવાને વીડિયો-કોલ રિસીવ કરતાં જ તે યુવતી ન્યૂડ થઇ ગઇ હતી, સાયબર-ગઠિયાનો ખેલ પામી ગયેલા રાજકીય આગેવાને ગણતરીની સેકન્ડમાં જ વીડિયો કટ કરી નાખ્યો હતો અને પોલીસને જાણ કરી દીધી હતી. આ આગેવાનનું પણ સોશિયલ મીડિયાનું અકાઉન્ટ પોલીસે બંધ કરાવી દેતાં તેઓ બ્લેકમેઇલ થતાં બચી ગયા હતા.

સાયબર સેલના અધિકારીઓએ જણાવ્યું હતું કે પોર્ન વીડિયો મોકલ્યા બાદ સાયબર-ગઠિયાઓ તે વ્યક્તિનું રેકોર્ડિંગ તો કરી જ લે છે. બાદમાં તે વ્યક્તિને તેનો પોર્ન વીડિયો નિહાળતું રેકોર્ડિંગ તેમના સોશિયલ મીડિયા ગ્રુપના તમામ સભ્યોને મોકલવાની ધમકી આપવામાં આવે છે. ભોગ બનનારી વ્યક્તિના સોશિયલ મીડિયા ગ્રુપમાં તેના મિત્રો ઉપરાંત પરિવારના સભ્યો અને પરિચિતો પણ સભ્ય હોવાથી તે લોકોને આવો વીડિયો જશે તો બદનામી મળશે એવા ભયથી લોકો સાયબર-ગઠિયાઓની માગ મુજબ પૈસા આપવા મજબૂર બને છે.

આ પણ વાંચોઃ Akshay kumar: ખેલાડી કુમારે કાશ્મીરમાં સ્કુલ બનાવા માટે ડોનેટ કર્યા એક કરોડ- વાંચો વિગત

સાયબર-ગઠિયાઓ ‘તમારું ક્રેડિટ અને ડેબિટકાર્ડ બંધ થઇ ગયું છે’ તેવી વાતો કરી ઓટીપી મેળવી ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરી ખાતામાંથી પૈસા ઉપાડી લે છે, તેમજ ઓનલાઇન ખરીદી કે સ્કીમના નામે પૈસાની છેતરપિંડી કરવામાં આવે છે. રાજકોટ શહેરમાં છેલ્લા છ મહિનામાં ભોગ બનનારા પૈકીના 62 લોકોએ રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને 62 લોકોએ કુલ રૂ.1,17,17,667 રૂપિયા ગુમાવ્યા હતા. પોલીસે આ અંગે સત્વર કાર્યવાહી કરીને કુલ રૂ.49,39,674 પરત અપાવ્યા હતા.

ઓનલાઇન છેતરપિંડી કરતાં તત્ત્વો સૌથી વધુ શનિવાર-રવિવારે વધુ ખેલ પાડે છે. આ બંને દિવસોમાં બેંકમાં રજા હોય છે. છેતરપિંડી કરતાં તત્ત્વો આ બંને દિવસોમાં સૌથી વધુ ફોન કરી લોકોને પોતાની જાળમાં ફસાવે છે. આ દિવસોમાં જ્યારે કોઇ વ્યક્તિ જાળમાં ફસાઇ જાય અને તેણે પૈસા ગુમાવ્યાનો મેસેજ આવે ત્યારે તે તાત્કાલિક બેંકે જઇ શકતા નથી અને એનો ગેરલાભ તેઓ લે છે.

આ પણ વાંચોઃ Karina olivia: આ મહિલાએ 1187 ડિગ્રી સેલ્સિયસ ધધકતા લાવા પર 100 મીટરનું અંતર કાપી બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ ફર્નાન્ડિઝે જણાવ્યું હતું કે અજાણી વ્યક્તિ દ્વારા ઓટીપી માગવામાં આવે ત્યારે કોઇપણ સંજોગોમાં તેને ઓટીપી આપવો નહીં, કોઇપણ બેંક દ્વારા ફોનથી ઓટીપી માગવામાં આવતો નથી તેમજ બ્લેકમેઇલિંગનો ભોગ બનતા અટકવા માટે અજાણી વ્યક્તિનો વીડિયો-કોલ રિસીવ કરવો નહીં અને જો ફોન રિસીવ થઇ જાય તો તે કહે એમ કરવું નહીં.

Whatsapp Join Banner Guj