shriram puja

Shriram Pran Pratishtha: ભગવાન રામચંદ્રજીની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા; ગુજરાત વિધાનસભા ગૃહમાં પસાર થયો ઐતિહાસિક સંકલ્પ

Shriram Pran Pratishtha: સર્વાંગી વિકાસની-દરેક પરિવારને માથે પાકી છતની-પોષણ અને આરોગ્ય સુખાકારીની-હર ઘર જલ અને ઘર ઘર બિજલીની-સહકારથી સમૃદ્ધિની મોદીજીની ગેરંટી એ રામરાજ્યની નિશાની છે: મુખ્યમંત્રી

  • Shriram Pran Pratishtha; રામ મંદિર નિર્માણ અને રામચંદ્ર ભગવાનની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને વિધાનગૃહે અભિનંદન પાઠવ્યાં
  • અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામચંદ્રજીની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સહસ્ત્રાબ્દી સુધી યાદ રહે એવું ઐતિહાસિક સાંસ્કૃતિક દાયિત્વ છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
  • રામલલ્લાના ભવ્ય મંદિર ઉપરાંત વડાપ્રધાનએ દેશના અન્ય મહત્વપૂર્ણ યાત્રાધામોના હોલિસ્ટિક ડેવલપમેન્ટની નવી દિશા આપી છે.
  • એક ભારત – શ્રેષ્ઠ ભારતના મંત્ર સાથે દેશભરમાં સાંસ્કૃતિક અને ધાર્મિક નવજાગરણની સંસ્કૃતિ નરેન્‍દ્રભાઇ મોદીએ વિકસાવી છે: મુખ્યમંત્રી

ગાંધીનગર, 05 ફેબ્રુઆરી: Shriram Pran Pratishtha: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરાવીને કરોડો હિન્દુઓની આસ્થા અને શ્રદ્ધાને વધુ બળવત્તર કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવતો સંકલ્પ પ્રસ્તાવ વિધાનસભા ગૃહમાં રજૂ કર્યો હતો. મુખ્યમંત્રીએ આનંદ અને ગૌરવની લાગણી સાથે ઐતિહાસિક ઠરાવ રજૂ કરતા કહ્યું હતું કે, ૫૦૦થી વધુ વર્ષથી પ્રતીક્ષા કરનાર ભક્તિમય હિન્દુ સમાજ એક દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનને કારણે રામલલ્લાને અયોધ્યામાં ભવ્ય મંદિરમાં પ્રતિષ્ઠિત કરી શક્યો છે. ૨૨મી એ અભિજીત મુહૂર્તમાં ગુજરાતના જ સુપુત્ર અને આ સભાગૃહના સન્માનનીય ભૂતપૂર્વ નેતા નરેન્દ્રભાઈ મોદીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી ત્યારે ગુજરાતની પ્રજા એ ક્ષણે ભાવવિભોર બની ગઈ હતી તેમજ ગુજરાતીઓ માટે ગૌરવ અને સન્માન વધારનારી ક્ષણ હતી તેનો પણ મુખ્યમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, સદીઓથી લાખો સંસ્કૃતિ ભક્તોએ બલિદાનો આપ્યા તેના પરિણામે આપણે બંધારણીય માર્ગે અયોધ્યામાં રામમંદિરનું પુનર્નિમાણ કરી શક્યા છીએ તે એક સુદીર્ઘ ચાલેલા જનજાગૃતિના મહાઅભિયાનનું પરિણામ છે. આ સમગ્ર કાળખંડમાં ત્યાગ અને બલિદાનની પરંપરા રચનારા સૌ રામભક્તોનું આ વેળાએ આદરપૂર્વક સ્મરણ કર્યું હતું.

મુખ્યમંત્રીએ ગૃહમાં કહ્યું હતું કે, નરેન્દ્રભાઈ ૧૪૦ કરોડ ભારતવાસીઓના શ્રદ્ધાકેન્દ્ર એવા રામલલ્લાના પરમ ભક્ત છે, ભારતની શાશ્વત અને શ્રેષ્ઠ ભારતીય સંસ્કૃતિના નરેન્દ્રભાઈ એક મનીષિ કહી શકાય એવા પ્રતિનિધિ છે. જ્યારે અયોધ્યા તીર્થધામમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે આવશ્યક એવી તપશ્ચર્યા કરવાની હતી અને વ્રત રાખવાનું હતું, તે પણ નરેન્દ્રભાઈ મોદીએ એક તપસ્વી ઋષિની જેમ ત્રણ દિવસને બદલે ૧૧ દિવસ તપશ્ચર્યા કરી હતી. તેમની આ સંસ્કૃતિભક્તિ અને ભક્તિપરાયણતાથી ભારતના કરોડો લોકો શ્રધ્ધા અને ભક્તિથી ગૌરવ અનુભવે છે એમ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ગૃહ સમક્ષ પ્રજાપાલક રાજાધિરાજ રામની પૂજા-અર્ચના કરીને વડાપ્રધાનશ્રીએ ગુજરાતની પ્રજાને ગૌરવ અપાવ્યું છે તેના માટે પ્રજાના પ્રતિનિધિઓ તરીકે હર્ષ અને ગૌરવની લાગણી અભિવ્યક્ત કરવાની ઘડી ગણાવી હતી.

ગુજરાત વિધાનસભા આદરણીય નરેન્દ્રભાઈ મોદીને આ સહસ્રાબ્દીઓ સુધી યાદ રહે તેવું ઐતિહાસિક સાંસ્કૃતિક દાયિત્વ નિભાવવા બદલ અભિનંદન પાઠવે છે. માનનીય નરેન્દ્રભાઈ માટે ગૌરવ અનુભવતું આપણું આ સભાગૃહ નરેન્દ્રભાઈના કઠોર વ્રત, ભક્તિ અને શ્રદ્ધા દ્વારા સમગ્ર દેશના લોકોને આનંદ અને ગૌરવ બક્ષવા બદલ ધન્યવાદ પાઠવે છે. ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર વડાપ્રધાન નરેન્દ્રભાઈ આ સભાગૃહના સન્માનનીય નેતા હતા તેનું પૂરી વિનમ્રતાથી સ્મરણ કરી આ ઠરાવ ગૃહ સમક્ષ મૂક્યો હતો.

Shriram Pran Pratishtha

મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવતો આ સંકલ્પ રજૂ કરતા કહ્યું હતું કે, અયોધ્યામાં રામ મંદિર અને રામચંદ્ર ભગવાનની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બનવાનું સૌભાગ્ય વિશ્વનેતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અપાવ્યું છે.

તેમણે ભગવાન રામચંદ્રજી અને અયોધ્યા નગરીની પુરાતન ભવ્યતા અને ઇતિહાસનો અંદાજ વર્તમાન અને આવનારી પેઢીને આવે તે માટે ગૃહમાં ઐતિહાસિક અયોધ્યાનગરીના ઇતિહાસનો ઉલ્લેખ કર્યો હતો. આ અંગે તેમણે કહ્યું કે, ઇક્ષ્વાકુ વંશના ૬૫માં વંશજ પ્રભુ શ્રીરામના જીવનની કથા ભારતભૂમિના પ્રત્યેક ઘરમાં જાણીતી છે. રામચંદ્રજીની આ અયોધ્યા નગરી મૂળ રૂપે મંદિરોની નગરી હતી.

મુખ્યમંત્રીએ ભગવાન આદિનાથ સહિત પાંચ તીર્થંકરોનો તેમજ અસંખ્ય ધર્મપ્રેમી રાજા તથા સંતોએ અયોધ્યાની ભૂમિ પર જન્મ લીધો હતો તેનો ઉલ્લેખ કર્યો હતો. ઉપરાંત ભગવાન બુદ્ધ અયોધ્યાની ભૂમિ ઉપર મહિનાઓ સુધી રહ્યા હતા અને મહર્ષિ વાલ્મિકીએ તો અયોધ્યાની તુલના ઇન્દ્રલોક સાથે કરી છે તે અંગે પણ જણાવ્યું હતું. મુખ્યમંમંત્રીએ ઇતિહાસનો હવાલો આપતા કહ્યું હતું કે, અહીં વિક્રમાદિત્યએ કાળા પથ્થરના ૮૪ સ્તંભો ધરાવતું પ્રથમ મંદિર નિર્માણ કરાવ્યું હતું. તેમજ મંદિરને બચાવવા અસંખ્ય યુદ્ધો થયા અને સંતો-ભક્તોએ કેટલીય ખુમારી વહોરવી પડી હતી અને શીખોના દસમા ગુરુ ગોવિંદ સિંહે રામ જન્મભૂમિ માટે બ્રહ્મકુંડ નજીક યુદ્ધ કર્યું હતું. આ અંગે વધુમાં તેમણે કહ્યું કે, આ જ રામ મંદિરના નિર્માણ માટે ત્રણ-ત્રણ ધર્મ પરિષદ યોજાઇ, શિલા પૂજન કાર્યક્રમ અને કારસેવાનું આહવાન થયું હતું. જનજાગરણ માટે રામજાનકી રથમાં મહંત અવૈદ્યનાથની આગેવાનીમાં સીતામઢીથી અયોધ્યા માટે ધર્મયાત્રા નીકળી હતી.

મુખ્યમંત્રીએ ગૌરવભેર કહ્યું હતું કે, આઝાદ ભારતમાં રામ મંદિર માટેનું આંદોલન કરનારી સૌ પ્રથમ રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે. અયોધ્યામાં અરણી મંથનથી અગ્નિ પ્રગટાવ્યો તેને રામ જ્યોતિ નામ આપીને આ જ્યોતિ ભારતના પ્રત્યેક ગામડા સુધી લઈ જવાઈ હતી. તેમજ ૧૯૯૦માં પ્રથમ કાર સેવા થઈ, તે સમયે કારસેવકોએ ગુંબજ ઉપર ભગવો ધ્વજ લહેરાવ્યો હતો અને ૧૯૯૨માં ‘ગીતા જયંતી’ના દિવસે કારસેવાનો પુનઃ આરંભ થયો, જેમાં બાબરી ધ્વંશ થયો તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.

મુખ્યમંત્રીએ રામલલ્લાના તંબુમાં બિરાજમાન થવાની ઘટના અંગે કહ્યું કે રામભક્તોએ પાંચ ફૂટ ઊંચી અને પચ્ચીસ ફૂટ લાંબી દીવાલો ચણી, જેમાં અસ્થાયીરૂપે પ્રભુ શ્રી રામ બિરાજ્યા હતા. અત્યાર સુધી સૌ શ્રદ્ધાળુઓએ જે તંબુમાં રામલલ્લાના દર્શન કર્યા તે સ્થાન ૧૯૯૨માં અસ્તિત્વમાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ ભવ્ય મંદિર અયોધ્યામાં નિર્માણ થયું છે તેની પાછળ નરેન્દ્રભાઈનું અવિરત તપ, ત્યાગ અને તપસ્યા રહેલા છે એ દેશ આખાએ સ્વીકાર્યું અને વધાવ્યું છે તેનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે રામ મંદિરનું નિર્માણ માટે સંઘર્ષના સૂત્રધારોને યાદ કર્યા હતા અને તેમના યોગદાનને બિરદાવતા કહ્યું હતું કે, દેવરહા બાવાજી, અભિરામદાસજી મહારાજ, રામચંદ્રજી મહારાજ, કે. કે. નાયર, ઠાકુર ગુરુદત્ત સિંહ, ગોપાલસિંહ વિશારદ, મહંત અવૈદ્યનાથ મહારાજ, ઔકાર ભાવે, દેવકીનંદન અગ્રવાલ, શિવરામ આચાર્યજી, સ્વામી શતાનંદ સરસ્વતીજી, જગતગુરુ માધવાચાર્યજી, વિષ્ણુહરી દાલમીયા, સ્વામી રામદેવજી, સત્યમિત્રાનંદજી, સંઘના તૃતીય સરસંઘચાલક બાલા સાહેબ દેવરસજી, મોરાપંત પીંગળે-સંઘ પ્રચારક, સંઘના ચોથા સરસંઘચાલક રજ્જુ ભૈયાજી, આચાર્ય ગિરિરાજ કિશોરજી, રાજમાતા વિજયારાજે સિંધિયા, અશોક સિંઘલ… આવા અનેક સમર્પિત નેતૃત્વકર્તા જેમણે પ્રાણોની આહૂતિ કે વૈચારિક યોગદાન, સમયનું યોગદાન, આર્થિક યોગદાન, આપ્યું છે તેઓને યાદ કરવાનો આ અવસર છે.

મુખ્યમંત્રીએ નરેન્દ્રભાઈ મોદીના રામમંદિર માટેના સંઘર્ષને યાદ કરતા કહ્યું હતું કે, રામજન્મ ભૂમિ ઉપર રામ મંદિર બનવું જોઇએ એ આખા દેશની લાગણી હતી પરંતુ વિધાતાને જાણે યોગ્ય સમયની રાહ હતી. સોમનાથ મહાદેવના આશિષ લઈને ૧૯૯૦ની ૨૫મી સપ્ટેમ્બરે ભારતીય જનતા પાર્ટીના તત્કાલીન રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથથી અયોધ્યા સુધી રથયાત્રાનો પ્રારંભ કર્યો હતો. ૧૦ હજાર કિલોમીટરના પ્રવાસ બાદ આ યાત્રા અયોધ્યા પહોંચવાની હતી.

તેમણે નરેન્દ્રભાઈના વડાપ્રધાન બન્યા બાદના રામ મંદિર નિર્માણના પ્રયાસો અંગે કહ્યું કે, ૨૦૧૪માં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સુદીર્ઘ નેતૃત્વમાં કેન્દ્રમાં ભાજપાની સરકાર બની, દેશમાં કાયદો અને વ્યવસ્થાનો માહોલ સુનિશ્ચિત થયો. ૯ નવેમ્બર ૨૦૧૯માં આદરણીય સુપ્રીમ કોર્ટ દ્વારા રામ જન્મભૂમિનો ઐતિહાસિક ચુકાદો આવ્યો હતો. રામ મંદિર નિર્માણ માટે શ્રી નરેન્દ્રભાઈનું સમર્પણ અંગે તેમણે કહ્યું કે, ઓગષ્ટ-૨૦૨૦માં રામ મંદિરનું ભૂમિ પૂજન તેમના હસ્તે થયું અને તેના માટે ૧૫૦૦થી વધુ સ્થળોની માટી, ૧૦થી વધુ પ્રવિત્ર નદીઓના જળથી આ રામ મંદિરનો પાયો સિંચવાની પ્રેરણા તેમણે આપી હતી. . મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ૧૪ જાન્યુઆરી ૨૦૨૧થી ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી સમગ્ર દેશમાં નિધિ સમર્પણ અભિયાન યોજાયું હતું. ૪૦ લાખ સમર્પિત કાર્યકર્તાઓના માધ્યમથી ૪૪ દિવસના અભિયાનમાં રૂપિયા ૨૧૦૦ કરોડ એકત્રિત થયા અને પ્રતિષ્ઠાની તારીખ નક્કી કર્યા બાદ સમગ્ર દેશમાં ૧ જાન્યુઆરી ૨૦૨૪ થી ૧૫ જાન્યુઆરી ૨૦૨૪ સુધી ઘરઘર સંપર્ક દ્વારા અક્ષત અને કળશના કાર્યક્રમો થયા હતા તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.

મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને નોખા માનવી અને કોઈ અલૌકિક અને આધ્યાત્મિક વિચારધારા ધરાવતા રાજપુરુષ ગણાવતા કહ્યું હતું કે, રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે તેમણે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન રૂપે તપ-સાધનાની આરાધના અને અનુષ્ઠાન કર્યાં. ૧૧ દિવસ અનશન, ભોંય પર સૂઈ જવું, પ્રભુ શ્રીરામ દક્ષિણના જે સ્થાનોને પોતાના પદચિન્હોથી પાવન કર્યા તે તમામ સ્થાન ઉપર દર્શન કરી ધન્ય થયા. તેઓએ ગુરુવાયુર, શ્રીરંગમ, રામેશ્વર જેવા તીર્થોનું પરિભ્રમણ કર્યું હતુ અને ત્યારબાદ ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ ૫૦૦ વર્ષના સંઘર્ષ પછી અભિજાત નક્ષત્રમાં પ્રભુ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વરદ હસ્તે સંપન્ન થઈ છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રામ લલ્લાના ભવ્ય મંદિર ઉપરાંત નરેન્દ્રભાઈએ દેશના અન્ય યાત્રાધામોના પણ હોલિસ્ટિક ડેવલપમેન્ટની એક નવી દિશા આપી છે. વડાપ્રધાન તરીકેનું સેવા દાયિત્વ સંભાળ્યા પછી નરેન્દ્રભાઈએ એક ભારત – શ્રેષ્ઠ ભારતના મંત્ર સાથે દેશભરમાં સાંસ્કૃતિક અને ધાર્મિક નવજાગરણની સંસ્કૃતિ વિકસાવી છે. કાશી વિશ્વનાથ કોરિડોર, મહાકાલેશ્વર મંદિર પરિસરનો વિકાસ કે બાબા કેદારનાથ ધામમાં અનેક યાત્રી સુવિધાઓ, આદ્યશક્તિ અંબાજી શક્તિપીઠનો સર્વાંગી વિકાસ અને મહાકાલી ધામ પાવાગઢમાં સૈકાઓ પછી થયેલું ધ્વજારોહણ આ બધું જ એમની વિઝનરી લીડરશીપ અને કરોડો ભારતીયોના તેમના પરના ભરોસાથી પાર પડ્યું છે તેમજ હવે, અયોધ્યામાં રામમલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાથી સાંસ્કૃતિક નવજાગરણના ઇતિહાસમાં નવું પૃષ્ઠ ઉમેરાયું છે તેમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ રામ મંદિરને આપણી રાષ્ટ્રીય ભાવનાનું પ્રતિક ગણાવતા કહ્યું હતું કે, રામ મંદિરના નિર્માણની આ પ્રક્રિયા નરને નારાયણ સાથે જોડવાનો, લોકોને આસ્થા સાથે જોડવાનો, વર્તમાનને અતિત સાથે જોડવાનો અને સ્વયંમને સંસ્કાર સાથે જોડવાનો પ્રયાસ છે.

તેમણે જણાવ્યું હતું કે, ભગવાનના ચરણ જ્યાં જ્યાં પડ્યા તે સ્થળોને આવરી લઇને રામ સર્કીટનું નિર્માણ થઈ રહ્યું છે. પ્રભુ શ્રીરામના આદર્શો સાથે આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત આગળ વધી રહ્યું છે. ભારતની આસ્થામાં રામ છે, ભારતના આદર્શોમાં રામ છે. પ્રભુ શ્રી રામના ચરિત્ર સૌથી વધુ જે કેન્દ્રબિંદુ પર ફરે છે તે છે, સત્ય ઉપર અડગ રહેવું. આપણે પોતાનું મન અયોધ્યા જેવું બનાવવાનું છે. મુખ્યમંત્રીએ ગૌરવની અનુભૂતિ કરતા કહ્યું કે, અયોધ્યાના રામ મંદિર માટેનો સાડા પાંચ હજાર કિલોનો ધ્વજ સ્તંભ તેમના મતવિસ્તારમાં બન્યો છે. મંદિરના કપાટ માટેના બે કિલોથી લઇને ૩૬ કિલોના કડા પણ ગુજરાતમાં બન્યા છે. અયોધ્યા રામમંદિરમાં જે નિત્ય દિવ્ય નાદ ગજવશે એ નગારું ગુજરાતના ડબગર સમાજે તૈયાર કર્યું છે. પ્રભુ શ્રી રામને જે બાણ અર્પણ થયું છે તે પણ ગુજરાતમાં બન્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આપણે રામ રાજ્ય એવું અત્યાર સુધી રામચરિત માનસમાં સાંભળતા અને વાંચતા આવેલા, પરંતુ વડાપ્રધાનએ પ્રભુ શ્રી રામના રામરાજ્યના વિચારોને રામચરિત માનસ સાથે જનમાનસમાં પણ વ્યાપક બનાવ્યાં છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ કરોડો ભારતીયોના આરાધ્ય દેવ અને સાંસ્કૃતિક એકતાની ધરોહર છે. પ્રભુ શ્રી રામ દીનબંધુ કહેવાય છે અને નિર્બલ કે બલ રામ એવું તુલસીદાસજી કહે છે.

આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રામ રાજ્યની કલ્પનાને વર્તમાન યુગમાં ધરાતલ પર ઉતારવાની નેમ સાથે નિર્બલ કે બલ રામ પણ સાકાર કરીને દેશના ગરીબ, વંચિત, પીડિત, શોષિત, સમાજના અંતિમ છોરના દરેકની ચિંતા કરીને તેમને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવનારું સુરાજ્ય સ્થાપવાની નવી શરૂઆત કરી છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ મોદીજીની ગેરંટીથી સાકાર થઈ રહેલા સપનાઓને રામ રાજ્યની નિશાની ગણાવતા કહ્યું હતું કે, સુરાજ્ય-ગુડ ગવર્નન્સ એ રામરાજ્યની દિશામાં નરેન્દ્રભાઈનું આવું જ એક આગવું કદમ છે. મિનિમમ ગવર્મેન્ટ, મેક્સિમમ ગવર્નન્સના મંત્ર સાથે દીનબંધુ, વનબંધુ સહિત જરૂરતમંદ વર્ગોને સરકારની યોજનાઓના લાભ પહોચ્યાં છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, સર્વાંગી વિકાસની, દરેક પરિવારને માથે પાકી છતની, પોષણ અને આરોગ્ય સુખાકારીની, હર ઘર જલ અને ઘર ઘર બિજલીની તેમજ સહકારથી સમૃદ્ધિની મોદીજીની ગેરંટી એ રામરાજ્યની નિશાની છે. ઉપરાંત વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ ગામેગામ પહોંચીને લોકોને ઘેર બેઠા યોજનાના લાભ આપે છે. મોદીજીની એ ગેરંટી પણ રામરાજ્યની નિશાની છે એમ તેમણે જણાવ્યું હતું મુખ્યમંત્રીએ ગૃહ સમક્ષ જણાવ્યું હતું કે, વડાપ્રધાનએ અયોધ્યામાં ભવ્યાતિભવ્ય રામ મંદિરમાં રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાવીને દેશ આખામાં સાંસ્કૃતિક ચેતનાના અજવાળા પાથર્યા છે અને રામ રાજ્યની આલબેલ પોકારતી જ્યોત પ્રજ્જવલિત થઈ છે. શ્રી રામચંદ્રજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે દેશભરમાં દિવાળી જેવો માહોલ રચાયેલો અને દીપમાળાના અજવાળા રેલાયાં હતા તેનો વિશેષ ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કાવ્યપંક્તિઓ ટાંકી હતી.

નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામચંદ્રજીની પ્રાણ-પ્રતિષ્ઠા દ્વારા એકતા, સમતા અને સમરસતાના અજવાળા દેશભરમાં પથરાયા છે. ‘દેવથી દેશ’ અને ‘રામથી રાષ્ટ્ર’ની આદરણીય વડાપ્રધાનએ જે સંકલ્પના આપી છે તેનાથી સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસનો મંત્ર ચરિતાર્થ થયો છે તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. નરેન્દ્રભાઈ મોદીએ વસુધૈવ કુટુમ્બકમ-એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્યનો ધ્યેય હંમેશા અગ્રસ્થાને રાખ્યો છે તેમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું.

તેમણે વડાપ્રધાનની મોટી સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ૨૦૧૯માં બીજી વખત દેશના વડાપ્રધાનનો પદભાર તેમણે સંભાળ્યા પછી કોરોનાની ભયંકર મહામારી વખતે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન વડાપ્રધાનના નેતૃત્વમાં ચાલ્યું. દુનિયાની સૌથી મોટી હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમ- આયુષ્માન ભારત યોજના તેમણે આપી છે. દેશના કરોડો ખેડૂતોને કિસાન સન્માન નિધિ આપીને જગતના તાતને ગૌરવ આપ્યું છે.

તેમણે કહ્યું હતું કે, ભારતમાં મોટા પાયે રોડ-રસ્તા-બ્રીજ બની રહ્યા છે, રેલવે અને એર-વે સહિત કનેક્ટીવિટીના કામ થઇ રહ્યા છે તે વડાપ્રધાનના વિઝનને આભારી છે. વડાપ્રધાનના દિશાદર્શનમાં ભારતે જી-ટ્વેન્ટીની પ્રેસિડેન્સીથી ભારતની ક્ષમતા, ભારતનું ગૌરવ વિશ્વ સમક્ષ ઉજાગર કર્યું છે. ચંદ્રયાન-થ્રી અને આદિત્ય એલ-૧ની ભવ્ય સફળતાથી ભારતના સ્પેસ પ્રોગ્રામને નવું બળ મળ્યું છે. આવાં અનેક પગલાંઓને પરિણામે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીના સુશાસનને લોકોએ જનકલ્યાણ અને વિકાસની ગેરંટી તરીકે અને રામરાજ્યના પગરણ તરીકે નવાજ્યું છે.

Cochlear Implant Surgery: ગુજરાતમાં વર્ષ ૨૦૧૪-૧૫ થી ૨૦૨૩-૨૪ સુધીમાં ૩૦૧૮ બાળકોનું વિનામૂલ્યે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરાયું

મુખ્યમંત્રીએ વડાપ્રધાનના માર્ગદર્શનમાં કેન્દ્ર સરકારે તાજેતરમાં ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના ઉત્કર્ષને લક્ષ્યમાં રાખીને ઇન્ટરીમ બજેટ રજુ કર્યું છે તે સંદર્ભમાં નારી શક્તિ અંગેના વડાપ્રધાનના પ્રયાસોને બિરદાવ્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશમાં નારી શક્તિ વંદન અધિનિયમ બિલ પસાર થયું છે ત્યારે રામ મંદિર સાથે જોડાયેલી દિવ્ય નારીશક્તિને પણ બિરદાવવાનો અવસર ગણાવ્યો હતો. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, વિરાંગના મહારાણી જયા કુમારીએ બાબરના પુત્ર હુમાયુ સામે ૩૦ હજાર મહિલા સૈન્ય સાથે આક્રમણ કરી મંદિરનો કબજો પ્રાપ્ત કર્યો હતો. આ ઉપરાંત રાજમાતા વિજયા રાજે સિંધિયા, ઉમા ભારતીજી, સાધ્વી ઋતંભરાજી, રાજસ્થાનના વર્તમાન નાયબ મુખ્યમંત્રી રાજકુમારી દિયા કુમારીજીને પણ રામમંદિર નિર્માણના યોગદાન માટે યાદ કર્યા હતા.

મુખ્યમંત્રીએ જેમની કૂખે ભારતના સપૂત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો જન્મ થયો, એવા સ્વર્ગસ્થ પૂજ્ય હીરાબાને પણ આ પ્રસ્તાવ વિધાનસભા ગૃહમાં પ્રસ્તુત કરતાં યાદ કર્યા હતા. તેમણે પૂજ્ય હીરાબાને વંદન કરતા કહ્યું હતું કે, ઈશ્વરે મહાન પ્રતાપી પુરુષના જન્મ માટે કૃપાપાત્ર બનાવી ધન્ય કર્યા છે તેમજ પ્રભુ શ્રી રામે આદરણીય નરેન્દ્રભાઈ મોદીને પ્રાણ પ્રતિષ્ઠાની ઐતિહાસિક અને અનમોલ ભેટ દેશને આપવા નિમિત્ત બનાવ્યા છે. મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપતા કહ્યું કે, આવા સપૂત, વિકાસપુરુષ અને રાજપુરુષ રૂપે આપણને નરેન્દ્રભાઇ મોદી મળ્યા છે. વિકાસની રાજનીતિના પ્રણેતા આદરણીય વડાપ્રધાન દેશના જ નહિ, સમગ્ર વિશ્વભરના લોકોના અભિનંદનને પાત્ર છે.

મુખ્યમંત્રીએ સભાગૃહ સમક્ષ રામ મંદિરનું નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને આવકારતો અને વડાપ્રધાનને અભિનંદન આપતો પ્રસ્તાવ રજૂ કરતા કહ્યું કે, આ ઐતિહાસિક સાંસ્કૃતિક નવજાગરણમાં જેમનું દૃષ્ટિવંત નેતૃત્વ, ભારતીય સંસ્કૃતિની સમજ અને વ્યક્તિગત તપશ્ચર્યાએ અપ્રતિમ પ્રદાન કરેલું છે, એવા ગુજરાતના પનોતા પુત્ર અને આ ગૃહના ભૂતપૂર્વ નેતા, અને દેશના હાલના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને વિધાનસભા ગૃહ અભિનંદન પાઠવે છે. તેમજ દેશના કરોડો લોકોની આસ્થાને પુનઃ પ્રસ્થાપિત કરીને, સાંસ્કૃતિક અને ધાર્મિક નવજાગરણ માટે વડાપ્રધાનશ્રીનો આભાર માને છે.

ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના આ પ્રસ્તાવને પ્રતિપક્ષના વરિષ્ઠ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, ભાજપાના ધારાસભ્યો અમિતભાઈ ઠાકર, અનિરુદ્ધભાઈ દવે, મહેશભાઈ કસવાલા, સંગીતાબેન પાટીલ, મનિષાબહેન વકીલ સહિત અન્ય સભ્યઓએ સમર્થન કર્યું હતું અને વિધાનસભા ગૃહમાં આ સંકલ્પ સર્વાનુમતે પસાર થયો હતો.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *