Teacher’s Day Special: સતત પાંચ વર્ષથી ધો. ૧૦માં ૯૫ ટકા પરિણામની નોંધપાત્ર સિધ્ધી

Teacher’s Day Special: અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓના ઉજજ્વળ ભવિષ્ય માટે કાર્યરત રાજકોટ અનુસુચિત જાતિ આદર્શ નિવાસી કુમાર શાળા

  • નિઃશુલ્ક શિક્ષણ, આવાસની આદર્શ સુવિધા, આહારનું રોજિંદુ મોનીટરીંગ, કમ્પ્યુટર્સ, ઇતર પ્રવૃત્તિઓ, શૈક્ષણિક પ્રવાસ વગેરેની આધુનિક સવલતો

આલેખન- પૂજા, ભાર્ગવ

રાજકોટ, 05 સપ્ટેમ્બરઃTeacher’s Day Special: શિક્ષણ એ માનવજીવન માટે મહત્વપુર્ણ છે. શિક્ષણ થકી માનવનું સામાજીકરણ શકય બને છે. કોઈ પણ ચારિત્ર્યવાન સમાજના ઘડતર માટે શિક્ષણ અનિવાર્ય છે. વર્તમાન સમયમાં શિક્ષણના મહત્વને સમજીને પછાત વર્ગના લોકોના વિકાસ અને સશક્તિકરણ કરવાના હેતુથી રાજ્ય સરકારનો ‘‘સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ’’ કાર્યરત છે. આ વિભાગ હેઠળ સમાજના આર્થિક અને સામાજીક ઉત્કર્ષ માટે અનેક યોજનાઓ અમલી છે. જે પૈકી આદર્શ નિવાસી શાળા દ્વારા પછાત વર્ગના વિદ્યાર્થીઓને નિઃશૂલ્ક શિક્ષણ સુવિધા અગ્રીમ છે. શિક્ષણ દ્વારા અનુસુચિત જાતીના વિદ્યાર્થીઓ દેશ રાજય અને તેમના ગામનું ગૌરવ વધારી અને સમાજના વિકાસમાં સહભાગી બને તે માટે ખાસ ઘડતર અને કૌશલ્યોનું સિંચન કરવામાં આવે છે.

આ વિભાગ હેઠળ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ દ્વારા રાજયભરમાં અનેક નિવાસી શાળાઓનું સંચાલન કરવામાં આવે છે. આ શાળાઓમાં અનૂસૂચિત જાતિના વિદ્યાર્થીઓને નિ:શુલ્ક શિક્ષણ સાથે સમુહજીવનની કેળવણી આપવામાં આવે છે. એટલુ જ નહિ રહેવા, જમવા તેમજ અભ્યાસલક્ષી પુસ્તકો, સ્ટેશનરીનો તમામ ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે. નાયબ નિયામક સી.એન.મિશ્રા દ્વારા માર્ગદર્શન તથા હોસ્ટેલનુ સંચાલન મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી પી.એલ.કોઠિયા દ્વારા કરવામાં આવે છે.

આવી જ એક ઉત્તમ શૈક્ષણિક સંસ્થા એટલે રાજકોટના કણકોટ રોડ પર સ્થિત આદર્શ નિવાસી (કુમાર) શાળા. અહી અત્યંત ઉત્સાહી અને પ્રતિભાશાળી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ તેમજ વ્યક્તિત્વ વિકાસની તાલીમ આપવામાં આવે છે. અનેક વિશેષતાઓ ધરાવતી આ શાળામાં એક વર્ગદીઠ ૪૦ વિદ્યાર્થીઓની મર્યાદિત સંખ્યા છે. ૫ વર્ગખંડ, ૧૬ કમ્પ્યુટરોથી સજ્જ અદ્યતન કોમ્પ્યુટર લેબ, પ્રોજેક્ટર તેમજ ડીજીટલ ટીવી તથા સાયન્સ લેબ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. હાલમાં ધો. ૯ અને ૧૦ ના કૂલ ૭૬ વિદ્યાર્થીઓ અહી અભ્યાસ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રભરના વિવિધ વિસ્તારોમાંથી આવતા આ વિદ્યાર્થીઓને ધોરણ-૯નો અભ્યાસક્રમ શરૂ કરતા પહેલા એક મહિના સુધી એજ્યુકેશન ગેપની પૂર્તતા કરી તેમનો શૈક્ષણિક પાયો મજબુત કરવામાં આવે છે. જેથી, તમામ વિદ્યાર્થીઓનું અભ્યાસનું સ્તર જળવાઇ રહે છે.

8fea509f d08a 44b7 81b1 528811c6a2ff 1

શાળામાં અભ્યાસનો સમય બપેારે ૧૧ થી ૫ નો છે. ત્યાર બાદ સાંજે ૬ થી ૮ દરમ્યાન સામાન્ય જ્ઞાન, ગણિત, વિજ્ઞાન સહીતના સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતા વિષયના ટયુશન આપવામાં આવે છે. અહી શિક્ષકો ડો. ભાર્ગવ દવે, કમલેશ જોષી, ભરતભાઈ પરમાર, રાજેશભાઈ મેર તેમજ અન્ય શિક્ષકોની મહેનત અને ઉત્સાહને પરિણામે વિદ્યાર્થીઓ ખુબ સારો અભ્યાસ કરે છે. જેથી આ શાળાનું ધો.૧૦ નું પરિણામ ગત વર્ષે ૯૬% આવેલું છે. તેમજ છેલ્લા પાંચ વર્ષથી સરેરાશ ૯૩% થી પણ વધારે પરિણામ મેળવ્યું છે. જે સરાહનીય છે.

બાળકોના ભોજન અને સ્વાસ્થ્ય સહિત અન્ય સુવિધાઓની વિશેષ દરકાર આ નિવાસી શાળામાં લેવામાં આવે છે. શાળા તેમજ હોસ્ટેલમાં આર.ઓ. પાણીની સુવિધા છે. પોષણક્ષમ અને વિવિધતાસભર પૌષ્ટીક અને આરોગ્યપ્રદ આહારનું મેનુ નિશ્ચિત કરવા સાથે વિદ્યાર્થીઓ માટે જમવાની ખુબ ઉત્તમ વ્યવસ્થા છે. આ વિદ્યાર્થીઓની શાળામાં હાજરી સાથે આહારનું પણ મોનીટરીંગ સીધું નિયામકની કચેરી દ્વારા રોજીંદા ધોરણે કરવામાં આવે છે. દર પંદર દિવસે મિષ્ટાન્ન તેમજ રજાના દિવસોમાં ગરમ નાસ્તો અપાય છે. હોસ્ટેલમાં છાત્રોને તેમની રોજિંદી જરૂરિયાતની તમામ વસ્તુઓ નિ:શૂલ્ક આપવામાં આવે છે. તથા સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. ઉપરાંત વાલીઓ વિદ્યાર્થીઓને દર મહિનાના બીજા રવિવારે મળીને સમય વીતાવે છે.

આ પણ વાંચોઃ Cyrus mistry dies: ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું નિધન, મુંબઈ નજીક પાલઘરમાં હાઈવે પર ઘટી દુર્ઘટના

વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે રમતગમતની પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. શારીરિક શિક્ષણના વર્ગો સાથે અન્ય રમતોની તાલીમ પણ આપવામાં આવે છે. ક્રિકેટ, ટેનિસ, વોલીબોલ, કબડ્ડી જેવી આઉટડોર રમત માટે બે મેદાન છે. તથા ચેસ, કેરમ જેવી ઇન્ડોર ગેમ્સના સાધનો પણ ઉપલબ્ધ છે. ઉપરાંત યોગની તાલીમ પણ આપવામાં આવે છે. વળી, વાંચનમાં રૂચી ધરાવતા વિદ્યાર્થીઓ માટે અભ્યાસલક્ષી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના પુસ્તકો, બાળ સાહિત્ય, આત્મકથા સહીતના અનેક જ્ઞાનસભર અને પ્રેરણાદાયી પુસ્તકોના ભંડારરૂપ ૪૦૦૦ થી વધુ પુસ્તકોની લાઈબ્રેરીની સુવિધા પણ છે.

વળી, રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે વિવિધ સમાચારપત્રો દરરોજ મંગાવવામાં આવે છે. વિદ્યાર્થીઓની વિવિધ સમિતિઓ બનાવી તેમને જવાબદારી આપી તેમની આયોજન શક્તિને નીખારવામાં આવે છે. પ્રાર્થના સમિતિ, રમત-ગમત સમિતિ, સાંસ્કૃતિક સમિતિ વગેરે સમિતિઓમાં ભાગ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓને તેમની રૂચિ મુજબ વિવિધ સમિતિઓમાં સામેલ કરવામાં આવે છે. શનિવારે યોજાતી બાલસભામાં વિદ્યાર્થીઓ દ્વારા ગાયન, વકતૃત્વ વગેરે કલાઓ રજુ કરવામાં આવે છે. જે ભવિષ્યમાં યોજાતી જિલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં તેમને મદદરૂપ બને છે.

45817a7c 161b 4158 b62d a2324118fbd5

શાળાની મુલાકાત દરમ્યાન અહીં અભ્યાસ કરતા ધો.૯ ના વિદ્યાર્થીએ જણાવ્યું કે, વિવિધ જીલ્લાના વિવિધ ગામના વિદ્યાર્થીઓ સાથે રહેતા હોવાથી અહીં અમને દરેક જિલ્લાની વિશેષતાઓ, બોલીઓ તેમજ એકબીજામાંથી ઘણું જાણવા અને શીખવા મળે છે. અહિં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીના જીવનમાં નિશ્ચિત સિધ્ધી હાંસલ કરી ઉજવવળ ભવિષ્ય મેળવવાના સ્વપ્નાઓ છે.

આ શાળામાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી એડમીશનના સમયે https://esamajkalyan.gujarat.gov.in પરથી કરવાની હોય છે. ધો. ૮માં મેળવેલા માર્ક્સ પરથી મેરીટના ધોરણે સીટ મુજબ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. આચાર્ય વીનુભાઈ કૈલાના જણાવ્યા અનુસાર રાજકોટ ખાતે ૧૯૮૯ થી કાર્યરત આદર્શ નિવાસી શાળા ૦૦૮ થી કણકોટ રોડ ખાતેના ૮ એકરમાં પથરાયેલા સુવિધાસભર સંકુલમાં શિફટ કરાઇ છે. ઉપરાંત અહી વિજ્ઞાન પ્રવાહના ધો. ૧૧-૧૨ના વર્ગો પણ શરૂ કરવાનું આયોજન છે. આ શાળામાં અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચતર અભ્યાસ કરી આગળ વધ્યા છે. આ શાળાના અનેક ભુતપુર્વ વિદ્યાર્થીઓ પોલીસ, ડોકટર જેવા સરકારી પદો પર ફરજ બજાવી રહ્યા છે, તેમ આચાર્યએ ઉમેર્યું હતું.

આ પણ વાંચોઃ One More Actor Left Serial Anupama:સીરિયલ અનુપમા માંથી કિંજલ નહીં, પણ આ પાત્રની થઇ એક્ઝિટ- વાંચો વિગત

Gujarati banner 01