cm bhupendra Patel inauguration

E-Khatmuhrat of Development Works: મુખ્યમંત્રીના હસ્તે મહુધા, મહેમદાવાદ અને ખેડા તાલુકાના રૂપિયા ૨૧.૪૭ કરોડના વિકાસ કાર્યોનું ઈ – ખાતમુહૂર્ત

E-Khatmuhrat of Development Works: નીતિ આયોગના માપદંડોમાં નાણાંકીય વ્યવસ્થાપનમાં ગુજરાત દેશમાં મોખરે

ગાંધીનગર, 03 સપ્ટેમ્બરઃ E-Khatmuhrat of Development Works: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે મહુધા ખાતે અંદાજિત રૂપિયા ૨૧.૪૭ કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઈ – ખાતમુહૂર્ત કરતા જણાવ્યું હતું કે, મજબૂત નાણાંકીય વ્યવસ્થાપન વિકાસને વેગ આપે છે, વિકાસમાં નાણાંકીય વ્યવસ્થાપનનો મજબૂત પાયો ગુજરાતમાં છે. નીતિ આયોગના માપદંડોમાં નાણાંકીય વ્યવસ્થાપનમાં ગુજરાત દેશમાં મોખરે રહ્યું છે.


વિકાસની રાજનીતિના વિઝનરી લીડર વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ગુજરાત વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે તેમ જણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાનએ આપેલી વિકાસની પરિભાષાને આત્મનિર્ભર ગુજરાતના માધ્યમથી આત્મનિર્ભર ભારતના મંત્રને ચરિતાર્થ કરવા સરકાર પ્રતિબધ્ધ છે. મુખ્યમંત્રી પટેલે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં નાના – નાના ગામો હોય, શહેરો હોય કે વિસ્તારો હોય તમામ ક્ષેત્રો સુધી વિકાસ પહોંચ્યો છે. વિકાસના મજબૂત પાયા ઉપર ગુજરાત સર્વગ્રાહી વિકાસ ક્ષેત્રે અગ્રેસર બની રહે તે દિશામાં કાર્ય થઇ રહ્યું છે.


રાજ્યમાં થયેલા છેલ્લા બે દાયકાના વિકાસને આલેખતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં રસ્તા, વીજળી, પાણી, કૃષિ, શિક્ષણ સહિતના તમામ ક્ષેત્રોમાં નોંધપાત્ર વિકાસ થયો છે. બે દાયકા પહેલા ગુજરાતમાં ધાન્ય પાકોનું ઉત્પાદન ૨૩.૪૮ લાખ મેટ્રિક ટન હતું જે આજે ૮૩.૨૫ લાખ મેટ્રિક ટને પહોંચ્યું છે. તેવી જ રીતે બાગાયતી પાકોનું ઉત્પાદન ૬૨ લાખ મેટ્રિક ટનમાંથી આજે ૨૫૦ લાખ મેટ્રિક ટન થયું છે. શિક્ષણમાં પણ બે દાયકા પહેલા ડ્રોપઆઉટ રેટ ૩૭ ટકા હતો તે ઘટીને આજે બે થી ત્રણ ટકા થયો છે. ઔદ્યોગિક ઉત્પાદન ૧.૨૭ લાખ કરોડ હતું, જે આજે ૧૬ લાખ કરોડ એ પહોંચ્યું છે. ગુજરાતમાં વિકાસની આ પરિભાષા રહી છે. કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે, ખેડા જિલ્લામાં માત્ર બે દિવસમાં જ રૂપિયા ૨૨૧ કરોડના કામોની સાથે ૨૦૦ કરોડના કામોની જોગવાઈની જાહેરાત કરી છે, ખેડાના આંગણે આજે સુખનો – વિકાસનો સૂરજ ઉગ્યો છે.

આ પણ વાંચોઃ Bhadarvi poonam mela time: અંબાજી ભાદરવી મેળા દરમિયાન માંગલ્ય વન સવારે 6 થી રાત્રિના 8 સુધી ખુલ્લું રહેશે


વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે ભારત એક વિકસિત રાષ્ટ્ર તરીકે ઉભરી રહ્યું છે, તેમ જણાવતા દેવુસિંહ ચૌહાણ ઉમેર્યું કે, આઈ.એન.એફ.ના રિપોર્ટ પ્રમાણે ભારત વિકસિત દેશોની સરખામણીમાં ૧૦ વર્ષ પહેલા ૧૧ મા ક્રમે હતું જ્યારે આજે વડાપ્રધાનના માર્ગદર્શન નીચે ભારતે બ્રિટનને પણ પાછળ રાખી, સમગ્ર વિશ્વમાં ભારત પાંચમાં ક્રમની અર્થવ્યવસ્થા બન્યું છે. વિશ્વગુરુ બનવા તરફની દિશામાં ભારત આગળ વધી રહ્યું છે. ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે પણ દેશ ઝડપભેર આગળ વધી રહ્યો છે, આગામી ૨૦૪૭ માં ભારત વર્ષ તેની આઝાદીના ૧૦૦ વર્ષ ઉજવતું હશે ત્યારે દેશની સંપૂર્ણ જન સંખ્યા ડિજિટલ પેમેન્ટ સાથે જોડાયેલી હશે તેવો દ્રઢ નિર્ધાર પણ તેમણે આ તકે વ્યક્ત કર્યો હતો.


ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે “સૌના સાથ, સૌના વિકાસ”ના મંત્રને ચરિતાર્થ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકાર કાર્ય કરી રહી છે, તેમ જણાવી તેમના વિસ્તારમાં નિર્માણ પામનાર વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.


મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ જણાવ્યું કે, આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી દરમિયાન આત્મ નિર્ભર ગુજરાતના સંકલ્પને સિધ્ધ કરવાની સાથે સમાજના તમામ વર્ગ, વયજૂથ તથા તમામ સ્તરના લોકોની સુખાકારીની ચિંતા કરતા મુખ્યમંત્રીએ રાજ્યના વંચિતો, ગરીબો, વિચરતી વિમુક્ત જાતિઓ, મહિલાઓ તથા યુવાનોના ઉત્કર્ષ માટે અનેકવિધ યોજનાઓ સુલભ બનાવીને સર્વ સમાજના ઉન્નત વિકાસના ધ્યેયને ચરિતાર્થ કર્યું છે. આ તકે મુખ્યમંત્રીએ ઈ-તકતી અનાવરણ દ્વારા મહુધા, મહેમદાવાદ અને ખેડા તાલુકાના અંદાજિત રૂપિયા ૨૧.૪૭ કરોડના ૯ વિકાસ કામોનું ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું.


આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ તથા પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી, ડૉ. આંબેડકર આવાસ યોજના, દુધઘર બાંધકામ સહાય યોજના, એન.આર.એલ. એમ (સી.આઇ.એફ) અને જી.યુ.એલ.એમ. સહિતની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી હુકમ, પ્રમાણપત્ર, આવાસની ચાવી તેમજ સહાય ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી તેમજ મહાનુભાવોએ બાવીસ ગામ પાટીદાર સમાજ વાડી પરીસરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.


આ પ્રસંગે મુખ્યમંત્રીનું વિવિધ મહાનુભાવો, સંસ્થા, સમાજ – સંગઠનોએ અદકેરું સ્વાગત કર્યું હતું. પ્રારંભમાં નડિયાદના પ્રાંત અધિકારી જે. એમ. ભોરણીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.કે.દવે, માતરના ધારાસભ્યશ્રી કેશરીસિંહ સોલંકી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ બાબુભાઈ પરમાર, અગ્રણી વિપુલભાઈ પટેલ, અગ્રણીઓ, તાલુકા – જિલ્લા પંચાયતના સદસ્યો, યોજનાના લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ Deesa protest against religious conversion: માલગઢમાં બનેલી ધર્મ પરિવર્તનની ઘટનાને પગલે બનાસકાંઠાનું ડીસા શહેર આજે સજ્જડ બંધ, પોલીસે કર્યો લાઠીચાર્જ

Gujarati banner 01