launch of government scheme

launch of government scheme:ભરૂચમાં સામાજિક સુરક્ષાની ચાર યોજનાના સો ટકા-13 હજાર જેટલા લાભાર્થીઓને આવરી લેવાની દેશમાં પહેલરૂપ સિદ્ધિ

launch of government scheme: ગરીબ કલ્યાણની દરેક યોજનાઓમાં ૧૦૦ ટકા લાભાર્થી લક્ષ્ય પ્રાપ્ત થવાથી તુષ્ટિકરણની રાજનીતિ-ભેદભાવની રેખા સમાપ્ત થઇ જાયઃ-વડાપ્રધાન

ભરુચ, 12 મેઃ launch of government scheme: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સ્પષ્ટ પણે જણાવ્યું છે કે, સરકારની ગરીબલક્ષી જનહિત યોજનાઓ હેઠળ સો ટકા લાભાર્થીઓને આવરી લઇ પંથ કે વર્ગના ભેદભાવ વિના સૌના સાથ, સૌના વિકાસ અને સૌના વિશ્વાસ સાથે ગરીબ કલ્યાણની દરેક યોજનાઓથી કોઇ લાભાર્થી વંચિત ના રહે તેવા દ્રઢ સંકલ્પ સાથે દેશ આગળ વધી રહ્યો છે.


સરકારની યોજનાઓનો લાભ, પાત્રતા ધરાવતા તમામ હકદારને મળવાથી સામાજિક ભેદભાવ દૂર થાય છે, તેમ કહેતા વડાપ્રધાનએ ઉમેર્યું કે, જનકલ્યાણ માટે અમલમાં મૂકવામાં આવેલી સરકારી યોજનાના તમામ લોકોને લાભ મળવાથી એક મનોવૈજ્ઞાનિક પરિવર્તન પણ આવે છે. ગરીબોને તેનો લાભ મળવાથી ગરીબ યાચકની ભાવનામાંથી બહાર આવે છે અને સરકારી યોજનાનો લાભ લેવા માટે લાંબી લાઇનમાં ઉભા રહેવું પડતું નથી. સરકાર તેમના ઘરે પહોંચે અને લાભ આપે ત્યારે તેમનામાં કર્તવ્યભાવનાના પણ બીજ પણ રોપાય છે. તૃષ્ટિકરણની રાજનીતિનો પણ અંત આવે છે અને સમાજના અંતિમ છૌર પર રહેલા વ્યક્તિને પણ સરકાર તેમની સાથે છે, તેવો અહેસાસ થાય છે.


સરકારી યોજનાને સો ટકા પરિપૂર્ણ કરવાના વડાપ્રધાનએ આપેલા કોલનો પ્રતિસાદ આપતા ભરૂચ જિલ્લા પ્રશાસન દ્વારા શરૂ કરાયેલી ઉત્કર્ષ પહેલ અંતર્ગત સામાજીક સુરક્ષાની મુખ્ય ચાર યોજનાના સો ટકા લાભાર્થીઓને લાભ વિતરણ કરવાના ભરૂચ ખાતેના કાર્યક્રમમાં વડાપ્રધાન વર્ચ્યુઅલ સહભાગી બન્યા હતા. જિલ્લા વહીવટી તંત્રની ઉત્કર્ષ પહેલ હેઠળ ગંગા સ્વરૂપા બહેનોને રાજ્ય સરકારની નાણાંકીય સહાય માટે કાર્યરત યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના, નિરાધાર વૃદ્ધ નાણાંકીય સહાય યોજના અને રાષ્ટ્રીય પરિવાર સહાય યોજનામાં દેશમાં સૌ પ્રથમ વખત ૧૦૦ ટકા લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે ભરૂચ ખાતે આવી યોજનાઓના કુલ ૧૩ હજાર લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ યોજનાના લાભાર્થીઓ સાથે વડાપ્રધાનશ્રીએ સંવાદ પણ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ગરીબને સરકારી યોજનાનો લાભ મળવાથી તેનામાં આત્મવિશ્વાસનો સંચાર થાય છે અને મુશ્કેલીઓનો સામનો કરવાની શક્તિ મળે છે. આ શક્તિ મળવાથી મુશ્કેલી પણ મજબૂર બને છે અને ગરીબ પોતે સમસ્યાનો સામનો કરવા મજબૂત બને છે.


અત્યાર સુધી એવું બનતું હતું કે, કોઇ યોજનાની જાણકારીના અભાવે લોકો તેના લાભથી વંચિત રહેતા હતા અને તે યોજના કાગળ ઉપર રહેતી હતી. અમારી સરકારે સ્પષ્ટ ઇરાદા, સાફ નિયત અને નેકીથી કામ કરી સૌના સાથ, સૌના વિકાસ અને સૌના વિશ્વાસ, સૌના પ્રયાસથી યોજનાનો લાભ સો ટકા લોકો સુધી પહોંચાડવા સંકલ્પ કર્યો છે.

તેમણે ઉમેર્યું કે, સરકારના છેલ્લા આઠ વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણને સમર્પિત રહ્યા છે. ગરીબ કલ્યાણ યોજનાઓની પાત્રતા ધરાવતો કોઇ પણ લાભાર્થી વંચિત ન રહે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. કોઇ પણ યોજનામાં સો ટકા લક્ષ્ય પ્રાપ્ત કરીએ, તે માત્ર આંકડો નથી. પરંતુ, શાસન, પ્રશાસન ગરીબો પ્રત્યે સંવેદનશીલ છે, સુખદુઃખનો સાથી છે, તેનું મોટું પ્રમાણ છે.


વડાપ્રધાનએ કહ્યું કે, અમારી સરકાર આઠ વર્ષના સુશાસનના અનુભવ સાથે નવા સંકલ્પો, નવી ઊર્જા સાથે આગળ વધી રહી છે. વર્ષ ૨૦૧૪ પહેલા દેશની અડધી વસતીને શૌચાલય, રસીકરણ, વીજળીકરણ, બેંકિંગ વગેરેની સુવિધા પૂરતી મળતી ન હતી. અમે સૌના સહિયારા પ્રયાસોથી ગરીબ કલ્યાણની અનેક યોજનાઓ સો ટકા પરિપૂર્ણ થવાની નજીક લાવી શક્યા છીએ. દેશની પ૦ કરોડ જેટલી વસતીને આયુષ્યમાન ભારત હેઠળ નિઃશુલ્ક આરોગ્ય સારવાર, પ્રધાનમંત્રી જીવન સુરક્ષા યોજના હેઠળ રૂ. ૪ લાખનું વીમાકવચ, પેન્શન, પાકા આવાસો, વીજળી અને પાણી કનેક્શન આપી ગરીબોના જીવનમાં ઉન્નતીનો નવો ઉજાસ પાથર્યો છે.


આઝાદીના અમૃત કાળે દેશના નાગરિકોને મૂળભૂત સુવિધાઓ અને યોજનાઓનો લાભ આપવો એ સામાજિક ન્યાયનું મોટું માધ્યમ છે. ગરીબોને ગરિમા આપી ગુજરાત સરકાર ગરીબોના સર્વાંગી કલ્યાણ માટેના સંકલ્પને સિદ્ધ કરવા મૃદુ છતા મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં નિષ્ઠાથી કામ કરી રહી છે તેની તેમણે સરાહના કરી હતી.


તેમણે ઉમેર્યું કે, દેશમાં સૌ પ્રથમવાર ૯૦ ટકા નાના અને સિમાંત ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજના, માછીમારો માટે ક્રેડીટ કાર્ડ ઉપરાંત શેરી ફેરિયાઓ માટે પીએમ સ્વનિધિ યોજના હેઠળ લોનસહાય ચૂકવવામાં આવી રહી છે. તેનાથી આ વર્ગના લોકો આર્થિક રીતે સક્ષમ બની રહ્યા છે.

ભરૂચ સાથેના પોતાના સંસ્મરણો વાગોળતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, એક જમાનામાં ભરૂચમાં રસ્તા ઉપર રેંકડી લઇ ચાલો તો તેમાંથી વસ્તુ નીચે પડી જાય એવી સ્થિતિ હતી. આજે તે જ ભરૂચ યુવાનોના સપના અને આકાંક્ષાઓનો જિલ્લો બની ગયો છે. મા નર્મદા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી ભરૂચ અને રાજપીપળા જિલ્લાની વૈશ્વિક ઓળખ બની છે. ઔદ્યોગિક વિકાસ સાથે ફ્રેઇટ કોરિડોર, બૂલેટ ટ્રેઇન, એક્સપ્રેસ વેની સુવિધા મળતા ભરૂચને મોટો લાભ થશે. બ્લ્યુ ઇકોનોમીમાં ભરૂચ જિલ્લો મહત્વનું યોગદાન આપી શકે છે. ભાડભૂત બેરેજ યોજનાથી ભરૂચને ફાયદો થશે.


વડાપ્રધાનએ કહ્યું કે, ઉત્કર્ષ સમારોહ સાચા અર્થમાં ઉત્તમ સમારોહ છે. સરકાર પ્રમાણિક્તાથી સંકલ્પ લઇ લાભાર્થી સુધી પહોંચે તો તેના કેવા સાર્થક પરિણામો મળે એ ગુજરાત સરકાર અને ભરૂચ જિલ્લા પ્રશાસને આ સમારોહથી સાબિત કરી બતાવ્યું છે.
આ પણ વાંચોઃ Corona entry into the school: અમદાવાદની આ જાણીતી શાળામાં કોરોનાનો પગપેસારો, વિદ્યાર્થી પોઝિટિવ આવતા સ્કૂલ બંધ કરાઇ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પદચિહ્નો ઉપર ચાલીને ગુજરાતમાં અંત્યોદયનો ઉત્કર્ષ કર્યો છે. ગુજરાતે વંચિત વર્ગોને આત્મનિર્ભર બનાવવા લોકહિત અને લોકકલ્યાણની યોજનાઓમાં સામાન્ય માનવી, ગરીબ વંચિતને કેન્દ્રમાં રાખીને સુશાસનની દિશા વધુ મજબૂત બનાવી છે.


તેમણે ઉમેર્યું કે, નાનામાં નાના માણસ, અબળા એવી ગંગાસ્વરૂપ બહેનો, નિરાધારો, વંચિતોને સામે ચાલીને યોજનાના લાભ આપવાની ઉત્કર્ષ પહેલથી ભરૂચે દેશને દિશાદર્શન કર્યું છે. પટેલે કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ લાલ કિલ્લાથી રાષ્ટ્રને કરેલા સંબોધનમાં સરકારી યોજનાનો લાભ છેવાડાના તમામ લોકો સુધી પહોંચડવાનો કોલ આપ્યો હતો. ભરૂચ જિલ્લા વહીવટી તંત્રએ આ કોલને ઝીલીને લાભાર્થીઓને જિલ્લાના ખૂણેખૂણેથી માત્ર ત્રણ જ માસમાં શોધી કાઢી યોજનાકીય લાભો પહોંચાડી ઘર બેઠા ગંગા આવી એ કહેવતને સાચા અર્થમાં સાર્થક કરી બચાવી છે.


તેમણે એમ પણ કહ્યું કે, નરેન્દ્રભાઇના નેતૃત્વમાં સરકારે તમામ વર્ગના લોકોની ચિંતા કરી છે. જનધનથી બેંક ખાતા, ઉજ્જવલાથી ગેસ કનેક્શન આપી બહેનોને ધુમાડામાંથી મુક્તિ, ઉજાલા દ્વારા વીજળી, પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના દ્વારા ગરીબ વર્ગના લોકોને રૂ. ૫ લાખનો કેશલેસ આરોગ્ય સેવા, કોરોના દરમિયાન ગરીબોને મફત અનાજ અને તમામને વિનામૂલ્યે રસીકરણ તથા વિધવા, નિરાધાર અને દિવ્યાંગોને યોજનાકીય સહાય તથા લાભો આપી આત્મનિર્ભર કર્યા છે.


મુખ્યમંત્રી પટેલે જણાવ્યું કે, ગંગા સ્વરૂપા મહિલાઓને આપવામાં આવતી નાણાંકીય સહાય વધારીને રૂ. ૧૨૫૦ કરવામાં આવી છે. એટલું જ નહીં, યોજનામાં લાભાર્થીનો પુત્ર ૨૧ વર્ષનો થાય એટલે તેમને સહાય મળતી નહોતી. પણ, એ બાધ સરકારે દૂર કર્યો છે. જેના પરિણામે લાભાર્થીઓની સંખ્યા ૩.૭૦ લાખ હતી, જે વધીને ૧૧.૩૬ લાખ સુધી પહોંચી છે. અત્યાર સુધીમાં રૂ. ૧૫૩૦.૭૬ કરોડની સહાય આ યોજનામાં ચૂકવવામાં આવી છે.


વડીલો, દિવ્યાંગોનો સહારો રાજ્ય સરકાર બની છે, તેની ભૂમિકા આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે, ૧૩૦ લાખ વૃદ્ધો અને દિવ્યાંગોને રૂ. ૧૦૩ કરોડ પેન્શન સહાય, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૮.૯૦ લાખ પરિવારોને ઘરના ઘર આપવામાં આવ્યા છે. રાજ્યમાં ૧.૬૮ કરોડથી વધુ લોકોના જનધન ખાતા ખોલવામાં આવ્યા છે. જેમાં રૂ. ૭૪૦૦ કરોડની બચત જમા થઇ છે. એક એક નાગરિકને શોધી સરકારી લાભ આપવામાં આવે છે. આ બાબત વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં ગુજરાતમાં એક સર્વગ્રાહિ, ઇન્ક્લુઝીવ ઇકોસિસ્ટમ ઉભી થઇ છે, તે સૂચવે છે.
રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી ૧.૪૭ કરોડ લાભાર્થીઓને રૂ. ૨૬૬૭૬ કરોડની સહાય હાથોહાથ આપવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.


રાજ્ય સરકારે માનવતાપૂર્ણ અભિગમ દાખવી જનકલ્યાણની ફરજ નિભાવી સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના વડાપ્રધાનના કાર્યમંત્રને અપનાવ્યો છે, એમ કહી મુખ્યમંત્રીએ જણાવ્યું કે, હજુ જે લોકો સરકારી સેવાના લાભથી વંચિત રહી જતાં હોય એવા લોકો માટે ઉત્કર્ષ યોજનાની પહેલ કરી છે. પટેલે કહ્યું કે, વડાપ્રધાનના ડિઝીટલ ઇન્ડિયાના વિચારને મૂર્તિમંત કરવા સરકારની કાર્યપદ્ધતિમાં ટેક્નોલોજીનો વિનિયોગ કરવો આવશ્યક છે. ભરૂચ જિલ્લો ડિઝીટલ ઇન્ડિયાના નિર્માણ તરફ આગળ વધતા ઇ-સંકલન અને વિઝીટર્સ મેનેજમેન્ટ સિસ્ટમ પ્રજાજનોને સમર્પિત કરી છે, જે જનપ્રતિનિધિઓ અને નાગરિકોની સમસ્યાના નિવારણમાં અમૃત અભિગમ બની રહેશે. આ અભિગમ અન્ય માટે પ્રેરણારૂપ છે.


ભરૂચની દૂધધારા ડેરી દ્વારા જિલ્લાના ૫૪૦૦ કુપોષિત બાળકોને પોષણક્ષમ બનાવવા અપાનારા ચણા, મગ અને દૂધનું મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ કહ્યું કે, રાજ્ય પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી હોય છે. આ સરકાર દ્વારા સુશાસનની પહેલ કરવામાં આવી છે. નાગરિકોની આશા અને અપેક્ષા પૂર્ણ કરવાનું કામ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ Gujarat heatwave burns: રાજ્યના 9 શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર, રાત્રે પણ ગરમ પવન ફૂંકાતા માણસો સહિત પક્ષીઓની હાલત ખરાબ

અનેક પ્રકારની યોજનાઓ અમલમાં મૂકી સમાજના શોષિતો, પીડિતો, ગરીબો, વાંચિતોનું જીવન સુશાસન થકી અમૃતમય બને તે દિશામાં વડાપ્રધાન અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કાર્ય કરી રહ્યા છે. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી પ્રદીપભાઇ પરમારે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કુશળ નેતૃત્વમાં દેશ છેવાડાના વ્યક્તિની ચિંતા કરી અંત્યોદયથી સર્વોદય તરફ જઇ રહ્યો છે. તેમણે કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ નાબૂદ કરી દેશને ખરા અર્થમાં એક કર્યો છે. રામજન્મ ભૂમિ પર મંદિરના નિર્માણ થકી લોકઆસ્થાને સન્માન બક્ષ્યું છે.


મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી મનિષાબેન વકીલે જણાવ્યું કે,ઉત્કર્ષ પહેલ હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારની મહિલા ઉત્કર્ષલક્ષી યોજનાઓ લાભાર્થીઓના ઘર સુધી પહોંચાડી તંત્ર દ્વારા સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે. સરકારની યોજનાઓ તો બનાવામાં આવે છે. પણ તેનો લાભ તેના લાભાર્થી સુધી પહોંચે તે ખૂબ જ જરૂરી છે. આ કામ ભરૂચમાં કરવામાં આવ્યું છે.

નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલે જણાવ્યું કે, જિલ્લા પ્રશાસન દ્વારા ઉત્કર્ષ પહેલ હેઠળ ૧૩ હજાર લાભાર્થીઓને લાભ આપવાનું ભગીરથ કાર્ય વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે જે સરાહનીય છે.આ સરકાર છેવાડાના માનવીની સાચા અર્થમાં ચિંતા કરવાવાળી સરકાર છે.કોરોના મહામારીમાં પણ કેન્દ્ર અને રાજ્ય સરકારે ગરીબોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવા સાથે નાગરિકોનું રસીકરણ પણ વિનામૂલ્યે કર્યું છે.


ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે રાજ્ય સરકાર ગુજરાતની પ્રજાની સુખાકારી માટે સતત કામગીરી કરી રહી છે.ભરૂચ જિલ્લાને કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓનો લાભ મળી રહ્યો છે જેને પરિણામે ભરૂચ જિલ્લાનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે.ઉત્કર્ષ પહેલ યોજના થકી ભરૂચ જિલ્લાના લાભાર્થીઓને આવરી લેવા બદલ તેમણે ભરૂચ જિલ્લા પ્રશાસનને અભિનદન પાઠવ્યા હતા.
પ્રારંભમાં કલેકટર તુષાર સુમેરાએ સૌનો આવકાર કરતા જણાવ્યું કે સમાજ ઉત્કર્ષના આ યજ્ઞમાં ગરીબોના ઉત્કર્ષથી અંત્યોદય થકી સર્વોદયની વિભાવના ભરૂચ જિલ્લાએ સાકાર કરી છે.


આ પ્રસંગે સાંસદ સી. આર. પાટીલ,જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલ, ધારાસભ્યો સર્વ ઈશ્વરસિંહ પટેલ, અરૂણસિંહ રણા, મુખ્ય સચિવ પંકજ કુમાર, પદાધિકારીઓ, અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં લાભાર્થીઓ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ Student lost his eye: વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત્, ગાયનું શિંગડું આંખમાં વાગતા વિદ્યાર્થીની આંખ ફૂટી ગઇ

Gujarati banner 01