RJT Kit vitaran scaled

જેતપુર ધોરાજી જામકંડોરણા ઉપલેટા તાલુકાના સખી ૫૯ મંડળોને માનવ ગરીમા કીટ વિતરણ કરવામાં આવ્યું

RJT Kit vitaran

માનવ ગરીમા યોજના કીટ દ્વારા વસ્તુ બનાવી તેનું વેચાણ કરી સખીમંડળની બહેનો આર્થિક રીતે મજબૂત બનશે:જયેશભાઇ રાદડીયા

રાજકોટ, તા. ૧૧, ઓગસ્ટ – દિનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન હેઠળ માનવ ગરીમા યોજના અંતર્ગત જેતપુર, ઉપલેટા, જામકંડોરણા અને ધોરાજી તાલુકાના વિવિધ સખીમંડળોને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે ૫૯ દિવેટ બનાવવાના મશીનની કીટનું જેતપુર તાલુકા પંચાયત સભાગૃહ  ખાતે વિતરણ કરવામાં આવ્યું હતું. 

RJT Kit vitaran 2

            આ પ્રસંગે મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારમાં બહેનો દ્વારા સખીમંડળો કાર્યરત છે, અને આ સખી મંડળો દ્વારા ખૂબ સારી કામગીરી કરી બહેનો પોતે જ આર્થિક રીતે પગભર થઇ રહી છે, ત્યારે આ સખીમંડળો વધુ આર્થિક રીતે સમૃદ્ધ થાય તેવા પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. તે અનુંસંધાને આજે ચાર તાલુકાના સખી મંડળોને માનવ ગરીમા યોજના હેઠળ દિવેટ બનાવવાનું મશીન  અપાઇ રહ્યું છે. તેનાથી સખીમંડળોની બહેનોને વધુ આર્થિક ઉપાર્જન થશે અને સખીમંડળોમાં કાર્યરત બહેનોને વધુ આવક ઊભી થશે

RJT Kit vitaran 3

       આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જયેશભાઇ પટેલે માનવ ગરીમા યોજના અંતર્ગત વિતરણ થયેલ દિવેટ મશીન કિટની વિસ્તૃત માહિતી આપતાં જણાવ્યું હતું કે, પૂજા માટે વાપરતા  દીવાની વાટ બનાવવા માટેનું આ મશીન બહેનોને પગભર થવા માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થશે અને સખીમંડળો વધુ મજબૂત બનશે.

RJT Kit vitaran 4

આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ભુપતભાઈ સોલંકી, અગ્રણી શ્રી દિનકરભાઇ ગુંદરિયા, શ્રી વિપુલભાઈ સંચાણીયા, શ્રી રમેશ જોગી, તાલુકા વિકાસ અધિકારીશ્રી કુંગસિયા, મિશન મંગલમ યોજનાના શ્રી વિરેન્દ્રભાઈ બસિયા સહિત મહાનુભાવો અને ઉપલેટા ધોરાજી જેતપુર  જામકંડોરણા તાલુકાના સખીમંડળોની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

સંકલન:ગુજરાત માહિતી બ્યુરોરાજકોટ