CM bhupendra Patel

Holistic Healthcare Summit Inauguration: પ્રિ-વાઈબ્રન્ટ ઈવેન્ટ અન્‍વયે હોલિસ્ટિક હેલ્થકેર સમિટનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન

Holistic Healthcare Summit Inauguration: વડાપ્રધાનના દિશાદર્શનમાં ગુજરાત દેશનું ફાર્માસ્યુટીકલ હબ બન્યું છેઃ ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, 05 જાન્યુઆરીઃ Holistic Healthcare Summit Inauguration: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે હોલિસ્ટિક હેલ્થકેર સમિટનો શુભારંભ કરાવ્યો હતો. ગુજરાતની ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકેની ખ્યાતિને સુદ્રઢ કરનારી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી કડી યોજાઈ રહી છે, તેના પ્રિ-ઈવેન્ટ તરીકે આ હેલ્થકેર સમિટનું આયોજન થયું છે. આ સમિટનું ઉદઘાટન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનના નેતૃત્વમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને મળેલી વૈશ્વિક ઓળખ અને પ્રસિદ્ધિની સરાહના કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટેનો ટેક ઑફ પોઇન્ટ બનાવી છે. ઉદ્યોગોના વિકાસ સાથે તેને અનુરૂપ માનવ સંસાધન વિકાસ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, અર્બન ડેવલપમેન્ટ, હેલ્થકેર જેવા સોશિયલ સેક્ટર્સનો પણ વર્લ્ડક્લાસ વિકાસ થાય એ માટે આ વાઇબ્રન્ટ સમિટ યોગ્ય પ્લેટફોર્મ સાબિત થઈ છે, તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

‘હોલિસ્ટિક હેલ્થકેર-ગુડ હેલ્થ એન્‍ડ વેલ બિઈંગ ફોર ઓલ’ના વિચાર સાથે યોજાઈ રહેલી આ સમિટનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે તંદુરસ્ત સમાજ અને તંદુરસ્ત રાષ્ટ્ર નિર્માણ માટે આરોગ્યની પ્રાથમિક સેવાઓ-પ્રાઇમરી હેલ્થ ફેસેલિટીઝ મજબૂત હોય તે આવશ્યક છે. આ પ્રિ-વાઇબ્રન્‍ટ હેલ્થ સમિટ વડાપ્રધાનના હેલ્થકેર ફોર ઓલને સાકાર કરવાની દિશામાં વધુ એક કદમ છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

વડાપ્રધાનના દિશાદર્શનમાં ગુજરાતે એવી હેલ્થકેર ઇકોસિસ્ટમ વિકસાવી છે જેમાં ગવર્મેન્ટ અને પ્રાઇવેટ તથા કોર્પોરેટ અને PPP ધોરણે કાર્યરત હેલ્થકેર ઇન્‍સ્ટિટ્યુટ્સ, પ્રિવેન્‍ટીવ હેલ્થકેરથી માંડીને જટીલ રોગોની ટેક્નોલોજીયુક્ત સારવાર, હેલ્થ ઇન્‍શ્યોરન્‍સ, મેડિકલ ટુરીઝમ સુધીની સેવાઓ પૂરી પાડે છે. ગુજરાતમાં આરોગ્ય સેવાઓનું ફલક છેવાડાના માનવી સુધી સરળતાએ પહોચાડ્યું છે. ૮૮૦૦ હેલ્થ એન્‍ડ વેલનેસ સેન્ટર સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે.

રાજ્યમાં પ્રથમ વાર વર્લ્ડ બેન્‍ક દ્વારા ૩૫૦ મિલિયન યુ.એસ. ડોલરની રકમ હેલ્થ એન્ડ વેલનેસના સુદ્રઢીકરણ માટે મંજુર કરવામાં આવી છે. સરકાર સંચાલિત કેન્‍સર હોસ્પિટલ્સમાં સાયબર નાઈફ જેવા રોબોટીક મશીનથી રેડિયો થેરાપીની સારવાર પણ એકમાત્ર ગુજરાત આપે છે તેની ભૂમિકા તેમણે આપી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાનના દિશાદર્શનમાં ગુજરાત દેશનું ફાર્માસ્યુટીકલ હબ બન્યું છે. દેશના કુલ ફાર્મા ઉત્પાદનમાં ૪૦ ટકા અને ફાર્મા એક્સપોર્ટમાં ૨૮ ટકા હિસ્સો ગુજરાત ધરાવે છે. મેડિકલ ડિવાઇસીસ સેક્ટરમાં પણ ગુજરાત દેશમાં ૫૩ ટકાના યોગદાન સાથે અગ્રીમ હરોળમાં છે.

દેશમાં બનતા કાર્ડિયાક સ્ટેન્‍ટના ૭૮ ટકા અને આંખોના લેન્સના ૫૦ ટકા ગુજરાતમાં બને છે. રાજકોટ અને જંબુસરમાં મેડિકલ ડિવાઇસીસ તથા બલ્ક ડ્રગ પાર્ક વિકસાવીને આપણે એમાં પણ અગ્રેસર રહેવાની પરંપરા જાળવી રાખવી છે. મુખ્યમંત્રીએ આ પ્રસંગે ફાર્મા અને હેલ્થકેર સેક્ટરના અગ્રણીઓને ગુજરાતના બલ્ક ડ્રગ પાર્કમાં ફાર્મા ઉદ્યોગો સ્થાપિત કરવા આમંત્રણ પણ આપ્યું હતું.

મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનનાં વિઝનથી હવે આજે આપણો સંપૂર્ણ હેલ્થ રેકોર્ડ ડીજીટલ બન્યો છે. ગુજરાતમાં ટેલી-કન્‍સલ્ટેશન અને ટેલી મેડીસીનનો પાછલા બે વર્ષમાં ૬૦ લાખ લોકોએ લાભ મેળવ્યો છે. આરોગ્ય ક્ષેત્રમાં રોબોટીક્સ અને આર્ટીફિશિયલ ઇન્‍ટેલીજન્‍સ ટેક્નોલોજી આવી ગઈ છે, તેનો વ્યાપ વધારવા ગુજરાતમાં સામૂહિક પ્રયાસો થયા છે, તેમ પણ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું. આ હોલિસ્ટિક હેલ્થકેર સમિટમાં થનારું સામૂહિક વિચારમંથન દેશના અમૃતકાળમાં ગુડ હેલ્થ એન્‍ડ વેલ બીઈંગ ફોર ઓલ સાકાર કરશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને ભારતના અમૃતકાળની પ્રથમ વાઇબ્રન્ટ સમિટ ગણાવતા કહ્યું હતું કે, ગુજરાતના અવિરત વિકાસ અને ભવિષ્ય માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩માં વાઇબ્રન્ટ સમિટનું બીજ રોપ્યું હતું. આ સમિટ આજે વટ વૃક્ષ બની છે તેમજ સમગ્ર વિશ્વ માટે રોલ મોડલ પણ બની છે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પરિણામે ગુજરાતનો સર્વાંગી વિકાસ થયો છે અને લગભગ દરેક ક્ષેત્રે ગુજરાત રાજ્ય વિકાસની હરણફાળ ભરી રહ્યુ છે. આ ૨૦ વર્ષ દરમિયાન ગુજરાત વિકાસ, સમૃદ્ધિ, શાંતિ, સલામતી, ઉદ્યોગીકરણ, શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણનું સાક્ષી બન્યું છે. સાથે જ દેશના વિકાસમાં પણ ગુજરાત સારથીની ભૂમિકા ભજવી રહ્યું છે.

તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “વિકસિત ભારત @ ૨૦૪૭”ના સ્વપ્નને પરિપૂર્ણ કરવામાં ગુજરાત અને ખાસ કરીને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું મહત્વપૂર્ણ યોગદાન રહેશે. ગુજરાતમાં યોજાયેલી વાઇબ્રન્ટ સમિટના પરિણામે ગુજરાતમાં કરોડોના MoU થયા છે, સાથે જ અનેક વૈશ્વિક સંસ્થાઓએ ગુજરાતમાં રોકાણ કરતા રોજગારીનું પણ સર્જન થયું છે, જેનો લાભ રાજ્યના નાગરિકોને મળ્યો છે. રાજ્યમાં વર્ષ ૨૦૦૩માં ઔદ્યોગિક રોજગાર ૭ લાખ જેટલા હતા, તે આજે વધીને ૨૩ લાખ જેટલા થયા છે. એ જ દિશામાં આગળ વધતા મેડીકલ અને ફાર્મા ક્ષેત્રે પણ ગુજરાતને અગ્રેસર રાખવામાં આ પ્રિ-વાઇબ્રન્ટ હેલ્થ સમિટ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

આરોગ્ય ક્ષેત્રે ગુજરાતના વિકાસને વર્ણવતા મંત્રી પટેલે કહ્યું હતું કે, ગુજરાતે ગત ૨૦ વર્ષ દરમિયાન મેડીકલ કોલેજોમાં ૨૩૩ ટકા અને મેડીકલ સીટ્સમાં ૩૬૦ ટકા વધારો કર્યો છે. વર્ષ ૨૦૧૦માં ગુજરાત પાસે માત્ર ૧૧ ડાયાલીસીસ સેન્ટર હતા, જે આજે વધીને ૨૫ ગણા એટલે કે ૨૭૨ થયા છે. ડે-કેર કિમો થેરાપીમાં ત્રણ ગણો અને ૧૦૮ એમ્બ્યુલન્સ સર્વિસમાં ૧૬ ગણો વધારો થયો છે. આ ઉપરાંત પીએચસી, સીએચસી, સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ, ડાયાલીસીસ યુનિટ, મોતિયાના ઓપરેશન, ફાર્મા મેન્યુફેક્ચરીંગ યુનિટ, સેલ્સ યુનિટમાં પણ ઉત્તરોત્તર વધારો થયો છે. તેમ તેમણે ઉમેર્યું હતું.

આરોગ્ય અગ્રસચિવ ધનંજય દ્વિવેદીએ સમિટનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કર્યો હતો. આ સમિટમાં પ્રમોટિંગ ફાર્માસ્યુટિકલ એન્‍ડ મેડીકલ ડીવાઈસીસ સેક્ટર, હેલ્થકેરમાં પરિવર્તન લાવતી ટેકનોલોજી અને પ્રમોટિંગ હેલ્થકેર વિષયક સત્રો દિવસ દરમિયાન યોજાયા હતા. ભારત સરકારના આયુષ નિયામક ડૉ. કોટેચા, આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ તેમજ આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ હેલ્થકેર એન્‍ડ ફાર્મા સેક્ટરના અગ્રણીઓ સહભાગી થયા હતા.

આ પણ વાંચો… Governor Acharya Devvrat Meeting of Education Minister: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે શિક્ષણમંત્રી અને શિક્ષક સંગઠનોના પદાધિકારીઓની બેઠક

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો